Dwarka News:ગુજરાત સરકારની મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે મોટું કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલી ઉત્તમ ગુણવત્તાવાળી મગફળી ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવી અને તેની જગ્યાએ નબળી તથા નકામી ગુણવત્તાવાળી મગફળી સરકારી ખરીદીમાં ભેળવી દેવામાં આવી હોવાના ગંભીર આરોપો ઉઠ્યા છે. આ મામલો ભાણવડની મુરલીધર એજન્સી અને જામનગરની ઈન્ડી એગ્રો એજન્સી વચ્ચેની કથિત મિલીભગત સાથે જોડાયેલો છે.
સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર, મુરલીધર એજન્સી દ્વારા ભાણવડમાંથી ખરીદેલો મગફળીનો જથ્થો ઈન્ડી એગ્રો એજન્સી મારફતે જામનગર (Jamnagar) ખાતે મોકલવામાં આવ્યો હતો. જામનગરમાં સરકાર દ્વારા નિયુક્ત NCMLના ગ્રેડરોએ આ જથ્થાનું નિરીક્ષણ કર્યું ત્યારે ત્રણ ટ્રક સીંગ (Peanut) સંપૂર્ણપણે રિજેક્ટ કરી દેવામાં આવી. કારણ સ્પષ્ટ હતું સીંગ (Peanut)ની ગુણવત્તા અત્યંત નબળી અને સરકારી ધારાધોરણ કરતાં ઘણી નીચી હતી.
નિરીક્ષણ બાદ ત્રણ ટ્રક મગફળી સંપૂર્ણપણે રિજેક્ટ કરી દેવામાં આવી
ખેડૂતો અનુસાર, એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે લેવામાં આવેલી ઉમદા ગુણવત્તાવાળી સીંગ (Peanut) ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી દેવામાં આવી અને તેના બદલે નબળી ગુણવત્તાવાળી કે જૂની સીંગ (Peanut) સરકારી ખરીદીમાં ભરી દેવામાં આવી. આ રીતે એજન્સીઓ દીઠ ક્વિન્ટલે ₹800થી ₹1,200 સુધીનો નફો કમાઈ રહી હોવાનું અનુમાન છે.
થોડા દિવસો અગાઉ ટેકાના ભાવની સીંગ (Peanut) થી ભરેલો એક ટ્રક અકસ્માતને (accident) કારણે સળગી ગયો હતો.આ ટ્રકનું સંપૂર્ણ નુકસાન મુરલીધર એજન્સીએ ભોગવવાનું હતું.સૂત્રોનો દાવો છે કે આ નુકસાનની ભરપાઈ કરવા માટે પણ એજન્સીએ નબળી ગુણવત્તાવાળી સીંગનો (Peanut) જથ્થો ભેળવીને સરકારી ખરીદીમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હતો.
આ મામલે મીડિયાએ ઈન્ડી એગ્રો એજન્સીના પ્રતિનિધિઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહીં. એટલું જ નહીં, ભાણવડ ખાતે મુરલીધર એજન્સીના કેન્દ્ર પર મીડિયા કેમેરા જોઈને સંચાલકો અને કર્મચારીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હોવાની ઘટના પણ સામે આવી છે. આ વર્તનથી એજન્સીઓની શંકાસ્પદ ભૂમિકા વધુ પુષ્ટિ પામી છે.

