Gujarat News : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હાલ લોકો ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન છે, પરંતુ મે મહિનાના અંતિમ દિવસોમાં પ્રી-મોન્સૂન વરસાદી માહોલ (Rain)જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 3 દિવસ સુધી તાપમાન યથાવત્ રહી શકે છે, પરંતુ ત્યારબાદ તેમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે.
30 મેથી વરસાદી માહોલ શરૂ થશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 30 મે થી 1 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે. આ દરમિયાન ગાજવીજ, કડાકા-ભડાકા અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ (Rain) પડી શકે છે.
30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 31 મેના રોજ દાહોદ અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
1 જૂને 9 જિલ્લાઓમાં વરસાદની શક્યતા
1 જૂનના રોજ રાજ્યના કુલ 9 જિલ્લાઓમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.
આ વરસાદી માહોલ ખેડૂતો માટે ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસાદ (Rain) પડતા ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે.
અમદાવાદ સૌથી ગરમ શહેર
બીજી તરફ રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. 25 મેના આંકડા પ્રમાણે અમદાવાદમાં સૌથી વધુ 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર અને રાજકોટમાં 42.5 ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મે મહિનાના અંતમાં શરૂ થનારો વરસાદી માહોલ સમગ્ર ગુજરાતને ગરમીમાંથી મોટી રાહત આપી શકે છે.
