તાજેતરમાં રાજકોટમાં ઇશ્વરીયા ગામે ઉમિયાધામ દ્વારા કડવા પાટીદાર સંમેલનમાં પાટીદાર અગ્રણી અને લોકસભા સાંસદ પરસોત્તમ રૂપાલાએ કેટલીક કડવી વાતો કહી હતી, પરંતુ આ વાત પાટીદાર સમાજ માટે આ વાત ચોક્કસ મહત્વની હતી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આપણા સમાજની દીકરીઓ ભલભલું સામાજિક પીઠબળ ધરાવતા કુટુંબોને પાછળ મૂકીને લંગૂરો પાછળ કેમ ભાગી જાય છે.
તેમણે તે બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી કે આપણી સમાજ વ્યવસ્થા કેમ તૂટી રહી છે, વિભક્ત કુટુંબો કેમ વદી રહ્યા છે. આજે સાસુવહુની વાત તો જવા દો, પરંતુ મા દીકરી વચ્ચે પણ સંવાદનો સેતુ પહેલા જેવો હતો તેવો રહ્યો નથી. આજે સ્થિતિ એવી છે કે દીકરીઓ માને કંઈ કહી શકતી નથી, માં ઠપકો આપે તો દીકરી આત્મહત્યા કરે છે. સંયુક્ત કુટુંબમાં આજે કોઈને દીકરી જ આપવી નથી. તેમા પણ ગામડે તો દીકરી ન આપવી તે જાણે અલિખિત નિયમ થઈ ગયો છે. તેના કારણે આજે પટેલનો કોઈ દીકરો ગમે તેટલા ખેતરો હોય પણ ગામડે રહેવા માંગતો નથી.
તેમણે ઉમેર્યુ હતું કે આજે આપણે દીકરીઓને ભણાવીએ, ગણાવીએ પણ તેની સાથે સતત સંવાદ જાળવીએ. તેને સારા સંસ્કાર આપીએ, જેથી કરીને તે કમસેકમ યોગ્ય માર્ગે જાય. કોઈ લંગૂર તેને ભગાડી ન જાય. જો દીકરીના કુટુંબ સાથે સંવાદનો સેતુ મજબૂત હશે તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જ નહીં થાય. સંસ્કાર અને સંવાદ બને મજબૂત હોય તો કોઈપણ દીકરી આડે માર્ગે ન જાય, ગમે તેવા લંગૂરને પસંદ ન કરે. પણ સંસ્કાર અને સંવાદ બંનેમાંથી જો એકમાં ડખો હોય તો દીકરી બીજા માર્ગે જોવાની સંભાવના વધી જાય છે. તેથી દરેક કુટુંબની માતાઓએ તેમની દીકરીઓ સાથે હંમેશા સંસ્કાર સિંચનની સાથે-સાથે સંવાદનો માર્ગ પણ અપનાવવો જોઈએ, જેથી દીકરીની આકાંક્ષાઓ તેની નજર બહાર રહી ન જાય. માબેટીનો સંવાદ ફક્ત કુટુંબ જ નહીં સમાજને પણ વીખરતા અટકાવી શકે છે. વીખરાયેલી કુટુંબ સમાજને પણ વેરવિખેર કરે છે.
તેમણે તેની સાથે સમાજમાં વધતા જતા છૂટાછેડાના ચલણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનું ચલણ સામાજિક વિભાવનાઓનું દ્યોતક છે. છૂટાછેડાનું કારણ તેમણે અવાસ્તવિક માંગો ગણાવ્યું છે. તેમનું માનવું છે કે આજની છોકરીઓની અપેક્ષા વધારે પડતી છે, બીજી બાજુએ છોકરાઓ પણ રૂઢુચિસ્ત છે. તેઓ પણ ઘણી વખત પત્નીની આકાંક્ષાનું પ્રતિબિંબ પાડવામાં નિષ્ફળ જાય છે. આ ઉપરાંત આજે પણ કેટલાય પાટીદાર કુટુંબો જૂની માનસિકતામાંથી અને કુરિવાજમાંથી બહાર આવતા નથી. તેઓ આજે પણ દહેજ લે છે. તેઓ નવા પરિવર્તનને અપનાવવા તૈયાર જ નથી.
તેના કારણે નવી પરણેલી આવેલી વહુ પર સીધી જવાબદારી થોપી દેવાય છે. તેના પર આખા કુટુંબનો બોજો નાખી દેવાય છે. તેને મદદ પણ કરવામાં આવતી નથી, કેટલાય સ્થળોએ તો પરીણિતા સાથે પત્ની તરીકેનું ઓછું, પરંતુ નોકર તરીકેનું વર્તન વધારે કરાય છે. આજના સમયમાં કઈ યુવતી આ પ્રકારનું વર્તન સાંખી લે. પત્નીને ઘરનો હિસ્સો બનાવવાના બદલે અને કુટુંબની વ્યક્તિ સમજવાના બદલે એક ગુલામ તરીકે રાખવાની માનસિકતાએ પણ કુટુંબોને લૂણો લગાડ્યો છે. પટેલના ઘરમાં વહુ પરણીને આવે ત્યારથી જ સાસુ તેની જોડે રહીને કામ કરાવવાના બદલે આખા ઘરનું કામ તેના માથા પર નાખી દે છે. આવું કોઈ એકાદ કુટુંબમાં નહીં, પણ ઠેરઠેર થવા લાગ્યુ છે. વહુને જોઈને જાણે સાસુના હાથપગ જ ભાંગી જાય છે. પરણેલી વહુ કામ કરતી જ હોય છે, પરંતુ સાસુઓને હખ હોતો નથી અને તેમને વહુ પાસેથી કામ કરાવ્યા વગર સંતોષ થતો નથી. આવી નાનીનાની બાબતોને લઈને કુટુંબો વીખેરાઈ જાય છે. આવા કામ જેવી વસ્તુઓને લઈને કેટલાય લગ્નો છૂટાછેડા સુધી પહોંચ્યા છે.
આ ઉપરાંત આજે ઘરમાં લગ્ન કરવા માટે જોવામાં આવે તો પૂછવામાં આવે છે કે ડસ્ટબીન છે કે નહીં. આમ ઘરમાં વડીલોને ડસ્ટબીન ગણવામાં આવે છે. આ પ્રકારની વિકસતી જતી માનસિકતા સમાજ માટે લાલબત્તી ધરે છે. વડીલોએ પણ વિચારવું રહ્યું કે આજે તેઓની સ્થિતિ ડસ્ટબીન જેવી કેમ થઈ ગઈ છે. જો રાજકારણીઓ છેક સુધી કાર્યરત રહી શકતા હોય તો વડીલોએ તેઓ જે પણ કામ કરતાં હોય તેમા તેમની સક્રિયતા ઓછી ન કરવી જોઈએ. સમાજ માટે આ બાબત ચિંતાનો વિષય છે. આજે વિભક્ત કુટુંબોના કારણે દરેકને મળતી ઓથ ઘટવા લાગી છે, તેના કારણે આત્મહત્યાના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. વિભક્ત કુટુંબમાં રહેનારા લોકો સમજતા નથી કે સમાજ છે તો તેઓ છે, જો સમાજની ઓથ નહીં હોય તો તેઓ ક્યાંય પણ નહીં હોય. આજે જે પણ છે તે સંગઠન છે, પછી તે સમાજનું સંગઠન હોય કે રાજકીય સંગઠન હોય.
આજે પણ કેટલાય પાટીદાર કુટુંબોમાં દહેજ મંગાય છે, જે ઘણી શરમની વાત કહેવાય. દીકરીને કોઈ માબાપ કોરી કાઢતા નથી, પણ તેના કારણે કંઈ લગ્ન કરનારા સ્ત્રીધન પર હક્ક સમજવા લાગે તે વાત જ સદંતર ખોટી છે. સમાજનો ગરીબમાં ગરીબ બાપ પણ તેની દીકરીને યથાશક્તિ આપે જ છે, પણ તેથી તેને પરણનાર કંઈ દહેજ માંગી ન શકે. આજે જે સમાજમાં દાનની આટલી મોટી સરવાણી વહેતી હોય ત્યાં કોઈ એક કુટુંબ એક દીકરીને સાચવી ન શકે તે વાત જ સમાજ માટે કેટલી ખરાબ કહેવાય.
તેમણે ઉમેર્યુ હતું કે પાટીદારોની પ્રગતિનું કારણ જ સંગઠનશક્તિ છે. હવે જો આ કુટુંબ જ સંગઠિત નહી હોય તો આગળ જતાં આ સંગઠનશક્તિ નબળી પડી જશે. વિભક્ત કુટુંબો સામાજિક વિભાજનની પ્રતીક માનવામાં આવે છે. આજે આપણે તો આટલા વર્ષો માનસિક તકલીફ, તનાવ જેવા શબ્દો સાંભળ્યા પણ ન હતા જે આજે સાંભળવા મળી રહ્યા છે. તેનું કારણ વિભક્ત કુટુંબો છે. આજે માનસિક તકલીફો વધી ગઈ છે તેનું કારણ પણ આ વિભક્ત કુટુંબો છે. ગમે તેટલા આધુનિક સાધનો લાવો, પરંતુ યાદ રાખો તે માણસનો વિકલ્પ ન બની શકે. માણસને હંમેશા માણસની જરૂર રહેવાની જ છે. આજે આપણે આ મોટા-મોટા ધામ સંગઠનશક્તિના કારણે બનાવી શક્યા છે, પણ જો સમાજનો પાયા સમાન કુટુંબ નબળુ પડવા માંડશે તો સમાજ નબળો પડશે અને સમાજ નબળો પડે તો રાષ્ટ્ર નબળું પડ્યા વગર ન રહી શકે.
આ પણ વાંચો: AAPમાં મોટો રાજકીય ભૂકંપ, ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું
આ પણ વાંચો: ઈટાલિયા–સોરઠિયા ભાજપની B ટીમ: રાજુ કરપડાનો આક્ષેપ
આ પણ વાંચો: સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા
