MANTAVYA Vishesh/ ગ્રામ પંચાયત ચૂંટણીઃ તળિયાનું રાજકારણ ટોચના સમીકરણ નક્કી કરશે

કોઈપણ દેશની લોકશાહીનું સાચુ માપ કાઢવું હોય તો ત્યાં તળિયાના સ્તરે એટલે કે ગ્રામ પંચાયતની યોજાતી ચૂંટણીઓ જોઈ લેવી. આના પરથી આ દેશ લોકશાહીને કેટલો વરેલો છે તે ખ્યાલ આવી જશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતની 8,327 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવવાની છે.

Mantavya Vishesh

કોઈપણ દેશની લોકશાહીનું સાચુ માપ કાઢવું હોય તો ત્યાં તળિયાના સ્તરે એટલે કે ગ્રામ પંચાયતની યોજાતી ચૂંટણીઓ જોઈ લેવી. આના પરથી આ દેશ લોકશાહીને કેટલો વરેલો છે તે ખ્યાલ આવી જશે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ગુજરાતની 8,327 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવવાની છે. 22મી મેના રોજ તેના માટે મતદાન થવાનું છે. જ્યારે મતગણતરી 25 જુને થશે. ચૂંટણી યોજાતા ત્યાં વહીવટદારથી કરાતાં શાસનનો અંત આવશે.

રાજ્ય ચૂંટણી આયોગે આગામી ચૂંટણીઓને લઈ તૈયારીઓ શરુ કરી છે. ચૂંટણી થવાના પગલે પંચાયતોમાં વહીવટકર્તાઓનું શાસન સમાપ્ત થઈ જશે. સરપંચ બનવાના દાવેદારોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.

આ ચૂંટણી બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજાશે. રાજ્યની ગ્રામ પંચાયતોનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. આમ જે પંચાયતોનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે ત્યાં ચૂંટણીઓ યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટરોને પત્ર લખીને તેમને પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને વિવિધ ગામડાઓમાં પણ ચૂંટણી પડઘમ વાગવા લાગ્યા છે. દરેક ગામડું જાણે હવે ચૂંટણી માટેની તૈયારીમાં લાગી ગયું હોય તેવી સ્થિતિ છે. ગામડામાં તો જાણે સરપંચની ચૂંટણીનો અલગ જ માહોલ હોય છે. સામાન્ય રીતે જે ગામડામાં જે કોમનું પ્રભુત્વ હોય કે વસ્તી વધારે હોય તે કોમનો જ સરપંચ ચૂંટાતો હોય છે.

મતદાન કેન્દ્રથી લઈ સ્ટ્રોંગ રૂમ સુધી કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સલાહસૂચનો અપાયા છે. બેલેટ છાપવા પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશનરી, આંગળી પર લગાવવા શાહી સહિતનો માલસામાન ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

વહીવટીતંત્ર, પોલીસ વગેરેને ચૂંટણીનો ડેટાબેઝ તૈયાર કરવા તેમજ મતગણતરી માટે સ્ટાફને તાલીમ આપવાની કામગીરી હાથ ધરાઈ છે. સરપંચ પદ માટે ઉમેદવારોએ પૂરતી તૈયારીઓ કરી લીધી હોવાનું મનાઈ રહ્યું છે. સરકાર તરફથી હજુ સુધી ચૂંટણી ખર્ચ અંગે કોઈ વિગતો મળી નથી, પરંતુ કેટલાક ધારાધોરણ નક્કી કરશે અને તે અંતર્ગત ચૂંટણી ખર્ચ કરવાનો રહેશે.

ગ્રામ પંચાયતની ચૂંટણી તળિયાનું રાજકારણ બતાવે છે. તેની સાથે તંત્રના વિકાસના કામો તળિયા સુધી કેટલી હદ સુધી પહોંચ્યા હોય તેનું પ્રતિબિંબ પણ આ ચૂંટણીમાં જોવા મળે છે. ગ્રામીણ સ્તરે ચૂંટણીમાં ઊભા રહેનારા સરપંચ તેમના ગ્રામીણ મતવિસ્તાર દીઠ જુદાં-જુદાં પ્રકારના વચનો આપતા હોય છે. આ વચનોમાં ગ્રામીણ વિસ્તારના લોકો તેમને ત્યાં પાકા રસ્તાની માંગ કરતા હોય છે, ખેડૂતો સિંચાઈ માટે વીજળીના કનેકશન ક્યારે કરી આપશે તેની માંગ કરે છે, આ સિવાય કેટલાય નહેરની માંગ કરતાં હોય છે. પંચાયત માટે સરકારમાંથી કેટલું ફંડિંગ કરાવી આપશો તેની માંગ કરતાં હોય છે. આવા અનેક પ્રશ્નો ગામે-ગામે હોય છે.

આ પ્રકારના પ્રશ્નોમાં કેટલાક કોમન હોય છે તો કેટલાક જાતિ કે જ્ઞાતિલક્ષી હોય છે. તેમા પણ ગ્રામીણ રાજકારણમાં જાતિવાદી જૂથોની બોલબાલા જબરદસ્ત હોય છે. દરેક જાતિના વધારે સભ્ય હોય અને આ જાતિ પર જેની પક્કડ હોય તે જ સરપંચ તરીકે ઝુકાવે છે અને તે સરપંચ તરીકે જીતે પણ છે. જો કે કેટલીક વખત જાતિ મોટી હોય તો સામસામા સમીકરણો પણ મંડાય છે. એક જ જાતિના બે બળિયા સામસામે ટકરાય તેવી ઘટનાઓ પણ બને છે.

ગ્રામીણ સ્તરે થતી ચૂંટણીમાં કઈ જાતિ અને કઈ જ્ઞાતિ તેનું પ્રભુત્વ દર્શાવવાની રીતસર હોડ ચાલે છે. ગ્રામીણ વિસ્તારોમાં દરેક જાતિ અને જ્ઞાતિ આ ચૂંટણીને તેમનું પ્રભુત્વ બતાવવાના પ્રયાસ તરીકે જુએ છે. તેથી ગ્રામીણ સ્તરે યોજાતી ચૂંટણીમાં રાજકીય પક્ષોની સાથે-સાથે જાતિગત રાજકારણની બોલબાલા વધુ હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી ઉમેદવારના ખમીરના પણ પારખા કરે છે. ઉમેદવાર તેના હરીફનું કેટલું દબાણ સહન કરી શકે છે તે અહીં દેખાય છે. આ સ્તરે ઉમેદવારે જો જાતિના કામ કર્યા હોય તો તેને જાતિનું સમર્થન મળે છે. આમા ઉમેદવારો મુખ્યત્વે સામાજિક આગેવાનો હોય છે, જે તેમની જાતિના લોકો માટે કામ કરતાં હોય છે. તેઓ પણ આમા તેલ જુઓ તેલની ધાર જુઓની જેમ જ ઉતરતા હોય છે.

ગ્રામ પંચાયતના સ્તરે ઉતરતો દરેક ઉમેદવાર તેના સમાજનું સમર્થન ધરાવતો હોય છે, આ સિવાય તે ચૂંટણીના મેદાનમાં ઉતરવાનું વિચારી પણ શકતો નથી. તેથી જાતિની અંદર પણ ઉમેદવાર બનવા માટે ઘણી વખત ભારે સ્પર્ધા જોવા મળતી હોય છે. દરેક પ્રબળ ઉમેદવાર બીજાને બેસાડી દેવા માટે મથતો હોય છે. આ માટે તે સામ, દામ, દંડ અને ભેદનો આશરો લે છે. જરૂર પડે તો સગાઓની મદદ પણ લે છે.

તેથી જો ગ્રામ પંચાયતની ચૂંટણી જોઈએ તો આપણને ચૂંટણીની આખી તાસીર સમજમાં આવવા માંડે. અહીં ચૂંટણી એકદમ મૂળભૂત તત્વો સાથે લડાય છે. તેમા રૂપિયાની તાકાત, પ્રભુત્વ, સમાજ પર પ્રભાવ, બાહુબલી તરીકેનો પ્રભાવ બધુ દેખાય છે. પછી જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં આ બાબત વધારે મોટાપાયે દેખાય છે એટલો જ ફેર છે.

આ ચૂંટણી ઉમેદવારની નાણાકીય, શારીરિક, સામાજિક, રાજકીય તથા જનસમૂહ સાથે કામ પાર પાડવાની ક્ષમતા બધાની ચકાસણી કરે છે. તેની સાથે તે ક્રાઉડ મેનેજમેન્ટનો અદભુત પદાર્થપાઠ પણ શીખવાડે છે, જે ભવિષ્યમાં ઘણો ઉપયોગી નીવડે છે. લોકોને કયા મુદ્દાઓ સ્પર્શે છે, લોકોને કયા મુદ્દાઓ ગમે છે, કયા મુદ્દે જનલાગણી ઉશ્કેરાય છે તથા કયા મુદ્દે લોકલાગણી પર કોઈ અસર પડતી નથી તે બધાનો ખ્યાલ આ ગ્રામીણ સ્તરની ચૂંટણીમાં જ આવી જાય છે. આના પરથા કયા મુદ્દાને છાવરવા અને કયા મુદ્દા પર વધારે ફોકસ કરવું તથા કયા મુદ્દાને વિસારે પાડી દેવા તથા કયા મુદ્દાને બીજા પર ઢોળી દેવા તેનો ખ્યાલ આવે છે. સરકારને પણ આ ચૂંટણી પરથી ખબર પડે છે કે પવન કઈ દિશામાં વહી રહ્યો છે. તેના પરિણામોના આધારે સરકાર બીજા મહત્વના પગલાં લેવા પ્રેરાય છે.

ભવિષ્યમાં બીજી મોટી ચૂંટણી લડવી હોય તો તેના માટે ગ્રામ પંચાયતની ચૂંટણી એક પાઠશાળા છે. યુદ્ધના સાત કોઠા હોય તેમ ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકારણનો પહેલો કોઠો છે તેમ કહેવાય. આ ચૂંટણી લડનારને કઈ રીતે નેરેટિવ રચવો તેનો ખ્યાલ આવવા લાગે છે. રાજકારણની પ્રારંભિક ગળથૂથી અહીંથી જ મળે છે. તેથી રાજકારણમાં ઝંપલાવવા માંગનારાઓ માટે ગ્રામ પંચાયતની ચૂંટણી એક નવી શરૂઆત છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાડભૂત બેરેજ: તંત્રની નિષ્કાળજીથી 400 ખેડૂતોની 2300 એકર જેટલી જમીન ડૂબમાં ગઈ

આ પણ વાંચો: સાબરમતીમાં રેતખનન માફિયા બેરોકટોક, દીપસિંહ રાઠોડ મેદાનમાં

આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ