Politics/ હવે હું ભાજપમાં…તો હું કોંગ્રેસમાં… ચૂંટણી આવતા રાજકીય ભરતી મેળાનો દોર શરૂ

પક્ષાંતર – ભરતી મેળો તો જાણે ગુજરાતના રાજકારણનો એક ભાગ બની ગયો છે : ૧૯૬૪થી ગુજરાતનાં રાજકારણમાં ઘુસેલી રાજકીય બદી આજે પણ ચાલુ જ છે અને લોકશાહીનું લોહી પાવે જ છે.

Top Stories Trending Mantavya Vishesh

પક્ષાંતર – ભરતી મેળો તો જાણે ગુજરાતના રાજકારણનો એક ભાગ બની ગયો છે : ૧૯૬૪થી ગુજરાતનાં રાજકારણમાં ઘુસેલી રાજકીય બદી આજે પણ ચાલુ જ છે અને લોકશાહીનું લોહી પાવે જ છે.

6  મહાનગરો, ૮૧ નગરપાલિકા, ૨૩૧ તાલુકા પંચાયત અને ૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થયા બાદ ગુજરાતમાં રાજકીય પ્રવૃતિ વેગીલી બની છે. હજી તો ઉમેદવારોની ચૂંટણી પ્રક્રિયા સેન્સના તબક્કો વટાવી રહી છે. આમ આદમી પાર્ટીએ ભલે ત્રણ લિસ્ટ જાહેર કર્યા છે બાકીના મુખ્ય પક્ષોના અમુક ઉમેદવારો જાહેર થયા અને અમુક ત્રીજી-ચોથી તારીખ પછી જાહેર થશે. ભાજપ અને કોંગ્રેસ એ બન્ને પક્ષોમાં હાલના તબક્કે જે ખેંચતામ ચાલે છે અને ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે તેવા અહેવાલો વચ્ચે આયારામ ગયારામનો ખેલ શરૂ થઈ ગયો છે. જુદા જુદા અખબારી અહેવાલોનુ તારણ કાઢીએ તો રાજકોટ, વડોદરા સહિત જિલ્લા અને મહાનગરો અને નગરોમાં પક્ષાંતર શરૂ થઈ ગયું છે. જેમણે ઓવૈસી સાથે ચૂંટણી જોડાણ કરી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ સામે મેદાને પડવાનું નક્કી કર્યું છે તે છોટુભાઈ વસાવાના પક્ષની ભરૂચના ઝઘડીયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ – ઉપપ્રમુખ સહિત ઘણા હોદ્દેદારો ભાજપમાં ભળ્યા છે. વલસાડ જિલ્લામાં કોંગ્રેસના ઘણા આગેવાનોએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. રાજકોટમાં કોંગ્રેસના એક કોર્પોરેટર સહિત ૧૦૦થી વધુ આગેવાનો કાર્યકરો ભાજપમાં જાેડાયા છે અને હજી વધુ આગેવાનો કોંગ્રેસ છોડે તેવી હવા છે. જુનાગઢના વિસાવદર તાલુકા કોંગ્રેસ, જામનગર સહિતના લગભગ આઠ જિલ્લામાં કોંગ્રેસના ઘણા આગેવાનોએ કેસરી ખેસ ઘારણ કર્યો છે વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના જિલ્લા અમરેલી પણ આમા બાકાત નથી.

સ્થાનિક કક્ષાએ લાગ્યો પક્ષપલ્ટાનો ચેપ

વડોદરા સહિત જિલ્લામાં ભાજપના કેટલાક આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા હોવાના અહેવાલો અખબારોના પાના પર ચમક્યા છે. કોંગ્રેસના સૂત્રોના દાવા પ્રમાણે આગામી દિવસોમાં ભાજપના હજી ઘણા પૂર્વ પદાધિકારીઓ કોંગ્રેસમાં આવી શકે છે. જ્યારે ભલે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના ત્રણ લિસ્ટ જાહેર કર્યા હોય. પરંતુ કદાચ બન્ને પક્ષોના અસંતુષ્ઠોને ‘આપ’ સ્થાન આપે તેવી શક્યતા છે. ભલે કોઈપણ પક્ષ ગમે તેવો સિધ્ધઆંતવાદી હોવાનો દાવો કરતો હોય, પરંતુ પોાતના પક્ષનો આધાર વધારવા બીજા પક્ષના સભ્યો આવવા માંગતા હોય તો તેને સહર્ષ આવકારે છે તે પણ હકીકત છે. જેની કોઈ ના પાડી શકે તેમ નથી. આમ તો ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલે હોદ્દો સંભાળ્યાના પ્રારંભના દિવસોમાં ત્રણથી વધુ વખત એવું કહ્યું હતું કે કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષોમાંથી એકપણ સભ્યને આયાત કરાશે નહિ. ભાજપે વિધાનસભામાં તમામ ૧૮૨ બેઠકો જીતીને ક્લીન સ્વીપનો સિધ્ધાંત અપનાવ્યો છે, પરંતુ ગુજરાતમાં આઠ બેઠકની પેટા ચૂંટણીમાં ૮ પૈકી પાંચ ઉમેદવારો કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ બનેલા ધારાસભ્યો હતો અને એક ઉમેદવાર પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય હતા. આમ કોંગ્રેસના ગોત્રના ૬ ઉમેદવારો હતા આ તમામ જીત્યા એટલે ગર્વ સાથે કહી શકે ખરા કે અમારા પક્ષ પલ્ટાને લોકોએ બહાલી આપી છે. હવે સ્થાનિક કક્ષાએ પક્ષપલ્ટાનો ચેપ લાગેલ છે.

પક્ષાંતરીતનાં પારખા

૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. જેમાં તેને રાજયસભાની ચૂંટણી વખતે જે તાકાત જાણવા મળી તે પ્રમાણે તેની પાસે ૬૫ સભ્યો છે. ૧૨ની જગ્યાએ હવે ઘણા ૧૫ પણ કહે છે. પરંતુ આમાના બે સિવાયના બાકીના ચૂંટણી પણ જીત્યા છે અને પ્રધાન પણ બન્યા છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણી યોજાયેલી તે વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ભાજપ તરફી મતદાન કરનારા ૮ સહિત ૧૪ ધારાસભ્યો ભાજપમાં ભળ્યા તેમાંના ૯ને ભાજપે ટિકિટ આપી પણ આમાના બે સિવાય બધા હારી ગયા.

આ નેતાઓ પક્ષાંતર પછી પણ જીત્યા અને પ્રધાન પદુ ભોગવે છે

૨૦૧૯ પછીની પેટા ચૂંટણીઓ જ અપવાદ છે. જેમાં મોટા ભાગના પક્ષપલ્ટુઓ જીત્યા છે. અને આમાના કેટલાક તો પ્રધાન પદ પણ ભોગવે છે. ૨૦૧૨ની કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા બાદ ભાજપમાં ભળેલા જયેશભાઈ રાદડીયા પેટા ચૂંટણી જીતી રાજ્યકક્ષાના પ્રધાન બન્યા અને ૨૦૧૭માં ફરી જીત્યા અને હાલ તે કેબીનેટ કક્ષાના પ્રધાન છે. ગુજરાતમાં કોંગ્રેસ છોડી ભાજપમાં ભળેલા અને તે પહેલા ધારાસભ્ય તરીકે રાજીનામું આપનાર જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાને ભાજપ પ્રવેશ સાથેના છ કલાકમાં કેબિનેટ કક્ષાનું પ્રધાનપદ મળ્યું હતું પછી તેઓ રાજ્યના મંત્રી તરીકે ચૂંટણી લડી જીત્યા હતા.

૧૯૬૪ બાદ પક્ષપલ્ટાનું દુષણ ઘુસ્યું

ગુજરાતમાં તો ૧૯૬૪ બાદ પક્ષપલ્ટાનું દુષણ ઘુસ્યું છે, જે આજની તારીખમાં પણ ચાલું છે. છેલ્લા ૧૦ વર્ષથી તો રાજ્યસભાની જેટલી ચૂંટણી યોજાઈ તે વખતે પક્ષપલ્ટાના દુષણે તરખાટ મચાવ્યો છે. વિધઆનસભાની ૧૯૯૮ની ચૂંટણી વખતે તો જૂનાગઢની ભેસાણ બેઠકના ઉમેદવારે જ પાટલી બદલી હતી અને ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો તે વાસ્તવિકતા છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની છેલ્લી ચૂંટણીમાં ભાજપ – કોંગ્રેસને ૧૬ -૧૬ બેઠકો મળી હતી અને ટાઈ થઈ હતી ત્યારે મેયરની ચૂંટણી સમયે એક કોંગ્રેસી સભ્યે સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરી મેયરની ચૂંટણી માટે ભાજપ વતી મેદાનમાં ઉતર્યા અને મેયર પણ બન્યા અને ત્યારબાદ બે માસમાં અન્ય બે કોર્પોરેટરોને પોતાની સાથે લીધા હતા અને પોતાના અઢી વર્ષ સહેલાઈથી પૂર્ણ કર્યા હતા. ટુંકમાં ગુજરાતમાં પક્ષપલ્ટાનો રોગ નવો નથી. તેમાંય કોઈપણ ચૂંટણીની શક્યતાના સંકેત મળે એટલે તરત જ પક્ષપલ્ટાનો દોર શરૂ થઈ જાય છે. જે ઘણી વખત તો ઉમેદવારીપત્ર ભરવાની તારીખ આવે તે પહેલા તો વેગીલો બને છે અને ઘણા કિસ્સામાં સામુહિક પક્ષાંતર સાથે ભરતી મેળામાં પણ ફેરવાઈ જાય છે. એટલે તો ઘણા રાજકીય વિવેચકો પણ આ પ્રકારની ઘટનાને ભરતી મેળા તરીકે ગણાવે છે. જાેકે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા ટીએમસી એટલે કે મમતા બેનરજીના પક્ષમાંથી ભાજપમાં પ્રવેશ કરવાનો દોર શરૂ થઈ ગયો છે. ટુંકમાં ત્યાં તો હજી ચુંટણીને ચાર માસનો સમય બાકી છે ત્યાં આ પ્રકારનો ખેલ શરૂ થઈ ગયો છે. જાેકે આવા રાજકીય ભરતી મેળાનો ખેલ તો ગુજરાતમાં વર્ષોથી ચાલુ છે અને હજી પણ યથાવત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…