MANTAVYA Vishesh/ પાકિસ્તાનના હાથમાંથી સરકી ગયું બલૂચિસ્તાન !

પાકિસ્તાનના હાથમાંથી બલૂચિસ્તાન સરકી ગયું હોવાનું માનવામાં આવે છે. આજે બલૂચિસ્તાનના એક પછી એક શહેરો બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)ના કબ્જામાં આવી રહ્યા છે. એકબાજુએ ભારત સાથે સંઘર્ષ અને બીજી બાજુએ અફઘાનિસ્તાનના તાલિબાન સાથેના સંઘર્ષ તથા તેની વચ્ચે ત્રીજી બાજુએ ઇરાન સાથેના ખરાબ સંબંધોને લઈને સપડાયેલું પાકિસ્તાનનું લશ્કર હવે બલૂચો સામે ખૂલીને કાર્યવાહી કરવાની તરફેણમાં નથી.

Mantavya Vishesh

પાકિસ્તાનના હાથમાંથી બલૂચિસ્તાન સરકી ગયું હોવાનું માનવામાં આવે છે. આજે બલૂચિસ્તાનના એક પછી એક શહેરો બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)ના કબ્જામાં આવી રહ્યા છે. એકબાજુએ ભારત સાથે સંઘર્ષ અને બીજી બાજુએ અફઘાનિસ્તાનના તાલિબાન સાથેના સંઘર્ષ તથા તેની વચ્ચે ત્રીજી બાજુએ ઇરાન સાથેના ખરાબ સંબંધોને લઈને સપડાયેલું પાકિસ્તાનનું લશ્કર હવે બલૂચો સામે ખૂલીને કાર્યવાહી કરવાની તરફેણમાં નથી. આટલું ઓછું હોય તેમ ખૈબર પખ્તુનવા પ્રાંતમાં તેહરિકે તાલિબાન (ટીટીપી) પાક. લશ્કર પર હુમલા કરી રહ્યું છે.

આના કારણે બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)ને બલૂચિસ્તાનમાંથી પાકિસ્તાનની હકુમત ઉખેડવા માટે છૂટો દોર મળી ગયો છે. આજે કોઈપણ પંજાબી પાકિસ્તાની બલૂચિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી શકતો નથી, તેણે લશ્કરની કે પોલીસના સંરક્ષણમાં ફરવું પડે છે. તેમા પણ આર્મી કે લશ્કરના જવાનો પણ બલૂચિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી શકતા નથી. તેઓએ સતત એક જૂથમાં રહેવું પડે છે. બલૂચિસ્તાને તાજેતરમાં પાક.ના લશ્કરનું વાહન સુરંગથી ઉડાવી દીધુ હતુ અને તેના કારણે પાક. આર્મીના 32 જવાન માર્યા ગયા હતા. સામાન્ય રીતે આટલા જવાનો યુદ્ધ જેવી સ્થિતિમાં મૃત્યુ પામે છે, પરંતુ અહીં તો બલૂચ આર્મીના હુમલામાં તે ખતમ થયા હતા.

આ ઉપરાંત બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) પાકિસ્તાનના સમર્થકોને બલૂચિસ્તાનમાંથી વીણીવીણીને ખતમ કરી રહ્યુ છે. આ રીતે પાક.ની બલૂચિસ્તાન પરની પક્કડ ઢીલી પડી રહી છે. આ પ્રકારે પક્ડડ ઢીલી પડવી સ્વાભાવિક પણ છે, કારણ કે બલૂચિસ્તાનને પાક.માં ભેળવ્યા પછીના આટલા વર્ષોમાં પાકિસ્તાન બલૂચોને સતત અન્યાય કરતું આવ્યું છે. બલૂચિસ્તાન પાક.ની કુલ જમીનનો 44 ટકા જેટલો હિસ્સો ધરાવતું હોવા છતાં પાકિસ્તાને તેના વિકાસ માટે બલૂચોના વિકાસ માટે કોઈ પગલાં લીધા નથી. બલૂચોને તેમના હાલ પર છોડી દેવાયા છે. બલૂચોનું માનવું છે કે જો આવું જ હોય તો પછી બલૂચોએ પાકિસ્તાન સાથે રહેવાની શી જરૂર છે. તે પોતે કેમ અલગ દેશ તરીકે ન રહે, તેમને પોતાને આત્મનિર્ણયનો અધિકાર કેમ નહી.

આના કારણે બલૂચો એકબાજુએ શાંતિપૂર્ણ આંદોલન પણ કરી રહ્યા છે અને બીજી બાજુએ બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) પાક. લશ્કર પર હુમલા કરી રહી છે.

બલૂચ આર્મી સ્પષ્ટપણે કહે છે કે પાક.માં લોકશાહી જેવું કશું છે જ નહીં. ફક્ત નામની લોકશાહી છે. પાકમાં બધી સત્તા લશ્કર અને ISI પાસે જ છે. પાકિસ્તાનમાં સત્તાના આ બે કેન્દ્રો છે. તેથી જો પાક.નો બલૂચિસ્તાન પરનો અંકુશ ખતમ કરવો હશે તો સત્તાના આ બે કેન્દ્રોને ખતમ કરવા પડશે અથવા તો તેમને એટલા નબળા પાડવા પડશે કે બલૂચિસ્તાન પર તેમની પક્કડ નબળી પડી જાય.

બલૂચિસ્તાનની ફરિયાદ પણ છે કે તેઓને ભારત સમર્થન આપતું નથી, તેઓનું કહેવું હતું કે તેમને જો ભારતનું સમર્થન મળ્યું હોત તો તેઓ બાંગ્લાદેશની જેમ ક્યારનાય પાકિસ્તાનથી આઝાદ થઈ ગયા હોત. બલૂચો તો ત્યાં સુધી કહે છે કે પાકિસ્તાન જેવું કશું છે જ નહીં, પાકિસ્તાન ફક્ત અંગ્રેજોએ તેમની સલામતી માટે ઊભો કરેલો એક ટુકડો છે, પાકિસ્તાનની કોઈ સંસ્કૃતિ નથી. તેનાથી વિપરીત બલુચ એક આખી પ્રજા જ નહીં પણ સંસ્કૃતિ છે. બલૂચિસ્તાનની આગવી સંસ્કૃતિ છે, આગવો પોશાક છે અને આગવી રહેણીકરણી છે. તેમનું કહેવું છે કે ભારતની 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ હિંગળાજ માતા પણ બલુચિસ્તાનમાં આવેલી છે. બલુચો જ તેનું જતન કરે છે. આ શક્તિપીઠ કટ્ટરવાદીઓના હુમલાથી બલુચો જ બચાવતા આવ્યા છે. તે હિંદુ મંદિરો અને તેના કલા તથા સ્થાપત્યના સાંસ્કૃતિક વારસાને પોતાના માનીને જતન કરે છે. તે સાવ તાલિબાની જેવા જંગલી નથી કે ઐતિહાસિક સભ્યતાને સાવ ભૂંસી નાખે.

બલૂચોનું કહેવું છે કે પાકિસ્તાને અમને બળજબરીથી તેમનામાં ભેળવ્યા પછી તેના એકપણ વચનનું પાલન કર્યુ નથી. તે ઇસ્લામના નામે બધાને એક થવાની હાકલ કરે છે, પણ અમારા કેટલાય બલૂચોની હત્યા તેણે ઇસ્લામના નામે જ કરી છે. આજે હજારો બલૂચો ગુમ છે, હજારો બલુચ યુવાનોને પાકિસ્તાના તંત્રએ ગુમ કરી દીધા છે, ઇસ્લામના નામે બનેલા પાકિસ્તાને પોતે ઇસ્લામના કોઈ સિદ્ધાંતનું પાલન કર્યું નથી. પાકિસ્તાનનો ઇસ્લામ તે રાજકીય ઇસ્લામ છે, તેને વાસ્તવિક ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી.

તેમનું કહેવું છે કે બલુચો માટે પાક.થી આઝાદી સિવાય કોઈ વિકલ્પ જ નથી. તેઓ હવે પાકિસ્તાનના ગુલામ રહી શકે તેમ નથી. પાક.માંથી સરકારી લાભ મેળવવા સિવાય એકપણ બલૂચ ઇચ્છતો નથી કે તે પાકિસ્તાનને આધીન થઈને રહી. બલુચો જો અંગ્રેજોને આધીન ન રહ્યા તો પછી પાકિસ્તાનને આધીન શું કામ રહે.

તેઓએ યાદ અપાવ્યું હતું કે ગુજરાતમાં અંગ્રેજો સામે બગાવતનું બ્યુગલ ફૂંકનાર કાદુ મકરાણી બલુચ જ હતા. તેઓએ છેક બલુચિસ્તાનથી આવીને અંગ્રેજો સામે લડત આપી હતી. કાદુ મકરાણી ડુંગરોમાં ક્યાંથી છુપાઈને ક્યાંથી હુમલો કરતાં તેની જરા પણ અંગ્રેજોને ગંધ આવતી ન હતી. તેમણે અંગ્રેજોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા. તેના કારણે તો ગુજરાતમાં કહેવત પણ બની છે કે ‘ડુંગરે-ડુંગરે કાદુ તારા ડાયરા’

હવે બલુચોની ઇચ્છા છે કે ભારત સરકાર તેમને મદદ કરે, કમસેકમ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવામાં તો મદદ કરે. પણ ભારતે આ મુદ્દે હજી સુધી મગનું નામ મરી પાડ્યું નથી. જો ભારત તૈયાર ન થાય તો આગામી દિવસોમાં બલુચો ચીનની મદદ લેતા પણ અચકાય તેમ નથી. ચીનનું બલુચ પ્રાંતમાં અબજો ડોલરનું રોકાણ છે, તેથી જો પાકિસ્તાનનો બલુચિસ્તાન પરથી અંકુશ ઓસરતો લાગે તો ચીન સીધુ બલુચો સાથે સંપર્ક સાધી શકે છે. તાલિબાનને માન્યતા આપનાર ચીન જ સૌપ્રથમ હતું. આ સંજોગોમાં બલુચિસ્તાન કદાચ તેની બધી જ ભાવિ મદદ ચીન પાસેથી મેળવીને ફક્ત પાકિસ્તાન જ નહીં ભારતને પણ કોરાણે મૂકી શકે છે. ભારત જો બલુચિસ્તાનમાં કશું જ નહીં કરે તો આ આજે ફક્ત અટકળ લાગતી વાત આવતીકાલની હકીકત બની શકે છે.

બલુચો આ બધા સાથે પાક.નો તેમના પરથી કબ્જો હટાવવાનું મન બનાવી ચૂક્યા છે તે હકીકત છે. તેઓને હવે પાકિસ્તાની લશ્કરના ગુલામ તરીકે ઓળખાવું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાડભૂત બેરેજ: તંત્રની નિષ્કાળજીથી 400 ખેડૂતોની 2300 એકર જેટલી જમીન ડૂબમાં ગઈ

આ પણ વાંચો: સાબરમતીમાં રેતખનન માફિયા બેરોકટોક, દીપસિંહ રાઠોડ મેદાનમાં

આ પણ વાંચો: કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ