MANTAVYA Vishesh/ બરોડા ડેરીમાં શરૂ થયું પડકારો ફેંકવાનું અને ઝીલવાનું રાજકારણ

દેશના 79માં સ્વતંત્રતા દિને બરોડા ડેરીમાં પણ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમા ડેરીના પ્રમુખ દિનુ મામાએ ધ્વજવંદન કર્યા પછી બરોડા ડેરીમાં વિરોધીઓની આકરી ઝાટકણી કાઢી હતી. ડેરીના ભૂતપૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને દિનુ મામાએ ચેલેન્જ આપી હતી કે આવી જાવ મેદાનમાં, આક્ષેપો કર્યા છે તે સાબિત કરો. તમારા એકીએક આક્ષેપનો જવાબ આપવા હું તૈયાર છું,

Mantavya Vishesh

ગુજરાતમાં ચેલેન્જ ફેંકવાના અને ચેલેન્જ ઉપાડવાના શરૂ થયેલા રાજકારણે હવે ડેરી સેક્ટરમાં પણ પગપેસારો કર્યો છે. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને તેના મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની ચેલેન્જ ફેંકી હતી અને ગોપાલ ઇટાલિયાએ તે ચેલેન્જ સ્વીકારીને જણાવ્યું હતું કે તેઓ પહેલા રાજીનામુ આપે અને પછી આ વાત કરે. આ ચેલેન્જ ઉપાડતા કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે રાજીનામુ આપવા ગાંધીનગર પહોંચી ગયા હતા અને ગોપાલ ઇટાલિયાની હાજરીમાં રાજીનામુ આપવાની જીદ પકડી હતી. જો કે ગોપાલ ઇટાલિયા ત્યાં ન આવતા વાત ત્યાં પૂરી થઈ હતી.

હવે આ જ વસ્તુ ડેરી સેક્ટરમાં જોવા મળી રહી છે. બરોડા ડેરીમાં અગાઉ કૌભાંડના આક્ષેપો થઈ ચૂક્યા છે. હવે તેમાં જાણે આગમાં ઘી રેડાતું હોય તેમ ડેરીના વડા દિનુ મામાએ તેઓના પર આક્ષેપ કરનારાઓને ચેલેન્જ ફેંકી છે. તેમણે ચેલેન્જ ફેંકી છે કે બરોડા ડેરી પર આક્ષેપ કરનારનાઓ આક્ષેપ સાબિત કરી બતાવે.

દેશના 79માં સ્વતંત્રતા દિને બરોડા ડેરીમાં પણ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમા ડેરીના પ્રમુખ દિનુ મામાએ ધ્વજવંદન કર્યા પછી બરોડા ડેરીમાં વિરોધીઓની આકરી ઝાટકણી કાઢી હતી. ડેરીના ભૂતપૂર્વ પ્રમુખ અજીત ઠાકોરને દિનુ મામાએ ચેલેન્જ આપી હતી કે આવી જાવ મેદાનમાં, આક્ષેપો કર્યા છે તે સાબિત કરો. તમારા એકીએક આક્ષેપનો જવાબ આપવા હું તૈયાર છું, હું જાહેર ચર્ચાથી ડરતો નથી, તમારા આક્ષેપોને લઈને હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. કામ કરવા પર આક્ષેપો કરવા સામાન્ય વાત છે, પરંતુ કામ કરવું અઘરું છે. કોઈપણ તંત્રમાં કામ કરનારાએ આક્ષેપોનો સામનો કરવો જ પડે છે.

આ જ રીતે હું પણ મારી સામે આક્ષેપોનો સામનો કરવા અને તેનો જવાબ આપવા તથા જાહેર મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. તમારે જ્યાં ખુરશીઓ ગોઠવવી હોય ત્યાં ગોઠવી દો, હું તમે કરેલા દરેક આક્ષેપનો જવાબ આપવા અને તેની જાહેર ચર્ચા કરવા તૈયાર છું. જો તમે આક્ષેપો પુરવાર નહીં કરી શકો તો હું કોર્ટમાં જઇશ. મને કોઈની સાડીબારી નથી. તેમણે દાવો કર્યો હતો કે કેટલાક હિતશત્રુઓથી બરોડા ડેરીની પ્રગતિ જોવાતી નથી. અમારા શાસન હેઠળ બરોડા ડેરીએ ભરેલી વિકાસફાળને આ ઇર્ષાળુઓ સહન કરી શકતા નથી, પણ તેઓ આ વિકાસની હરણફાળ રોકવા કશું કરી જ શકવાના ન હોવાથી આક્ષેપો કરે છે.

દિનુમામાની ચેલેન્જનો જવાબ આપતા ભૂતપૂર્વ પ્રમુખ અજિતસિંહ ઠાકોર પણ મીડિયા સમક્ષ તેમની સામે ગર્જયા હતા. તેમણે જણાવ્યું હતું કે ડેરીનો વહીવટ ફક્ત બે જ લોકો કરી રહ્યા છે, બાકીના ડિરેક્ટરોના મોઢે તાળા મારી દેવાયા છે. તેમણે દાવો કર્યો હતો કે દિનુમામાનો તાપ તો એવો છે કે બાકીના ડિરેક્ટરો અને ડેરીના મંત્રીઓ બધાના મોઢા સીવી દેવામાં આવ્યા છે, કોઈને જાણે બોલવાની આઝાદી છે જ નહીં. આજે ભલે આપણે 79મો સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ, પરંતુ બરોડા ડેરીના લોકો જાણે ગુલામીમાં જીવી રહ્યા છે.

દિનુમામા આણી મંડળીએ ડેરીમાં ભરતીમાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર કર્યો છે, તેના કારણે તેમના જ સભાસદો અને ડેરીના વહીવટદારો તેમની સામે મેદાન પડ્યા છે. અમે તો ફક્ત આ સભાસદોને ટેકો આપી રહ્યા છે. જો દિનુમામાને એ સાચા હોય તો પછી તેમના જ સભાસદો અને વહીવટદારો તેમની સામે શું કામ પડે. તેમનો વહીવટ બરોબર હોય તો પછી તેમની સામે આટલો બધો વિરોધનો વંટોળ શેના માટે હોય. છેક ડેરી રજિસ્ટ્રાર સુધી વાત જાય અને ઓડિટ કરાવવા સુધી જવું પડે. આ બધુ પુરવાર કરે છે કે બરોડા ડેરીમાં બધુ સમુસૂતરું નથી. આજે તેઓ તેમના ભ્રષ્ટાચારની સામે પડનારા તેમના સભાસદોને ધાકધમકી આપીને ડરાવી રહ્યા છે, પરંતુ તેમના ઇરાદા સફળ થવાના નથી તે વાત તેઓ સમજી લે.

અજીતસિંહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે દિનુમામા ડેરીનો વહીવટી શાકભાજીના માર્કેટની જેમ કરે છે. તે દરેકને જાણે બટાકા-રીંગણાના ભાવે તોલે છે. તેમણે આટલા સમયના શાસનમાં કેટલી વખત પ્લાન્ટ વિઝિટ કરી, માંડ આંગળીના વેઢે ગણાય તેટલી વખત પ્લાન્ટ વિઝિટ કરી હશે. તેમના શાસનમાં બરોડા ડેરીના હસ્તક આવતી કેટલીય દૂધમંડળીઓને તાળા વાગી ગયા છે અને તેમાં નોંધાયેલા પશુપાલકો રઝળતા થઈ ગયા છે તેનો હિસાબ જ નથી. તેમને ફક્ત રૂપિયા આપીને મત ખરીદીને તેમની ખુરશી સલામત રાખવી છે. આમ તેઓ ગરીબ પશુપાલકોની હાય લઈ રહ્યા છે. આજે ફોરચ્યુનરમાં પાદરા તાલુકાના આંટાફેરા કરતાં દિનુ મામાને ખબર નથી કે ગરીબ પશુપાલકોની હાય લાગશે તો ફોરચ્યુનર તો ઠીક પણ ફોરચ્યુન પણ ક્યાંય પલ્ટો મારી જશે ખબર પણ નહીં પડે. જો તેઓ જાહેર મંચ પર ચર્ચા કરવા તૈયાર હોય તો હું પણ તૈયાર છું. સરકારના કાયદાઓને બરોડા ડેરીના વર્તમાન શાસકો ઘોળીને પી ગયા છે.

દિનુમામાની ચેલેન્જનો ફક્ત ભૂતપૂર્વ અજીત ઠાકોરે જ નહીં પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આગામી ચાર તારીખે વાર્ષિક સામાન્ય સભા છે અને તેના પહેલા દિનુમામા કહે તે સમયે મેં પોતે કરેલા આક્ષેપોના સમર્થનમાં કોઈપણ સ્થળે અને સમયે જાહેર ચર્ચા કરવા તૈયાર છું. હું જાહેરમંચ પર બેસીને બરોડા ડેરીમાં થયેલા કૌભાંડોની સાબિતી આપવા માટે તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા અને તે સમયે ડેરી કોઓપેરટિવ રજિસ્ટ્રારે તેની તપાસ હાથ ધરવી પડી હતી. તેના થોડા સમય પછી ડેરીના તે સમયના સીઇઓએ અંગત કારણસર રાજીનામુ પણ આપી દીધુ હતુ. તેના પછી હવે ફરી પાછી કૌભાંડોની વાત ઉખળી છે ત્યારે ચેલેન્જના રાજકારણે બરોડાના ડેરીમાં ગરમી વધારી દીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો