Ambaji News: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. છ દિવસમાં 40 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા. DyCM હર્ષ સંઘવી પોલીસ પરિવારની ધજા લઈને અંબાજી પહોંચ્યા અને મા અંબાના દર્શન કરી ધજા ચડાવી.
Ambaji ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની ભારે ભીડ
શક્તિપીઠ અંબાજી (Ambaji Temple)ખાતે ચાલી રહેલો સાત દિવસીય ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં પહોંચ્યો છે. પવિત્ર પૂનમના દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિરથી લઈને સમગ્ર અંબાજી શહેરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. કોઈ ભક્ત માનતા પૂર્ણ થતાં મા અંબાના દર્શને પહોંચ્યો હતો, તો કોઈ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવી પૂનમે (Bhadarvi Poonam)માતાજીના દર્શન કરવા અંબાજી આવ્યો હતો.
40 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન
મહામેળાના છઠ્ઠા દિવસે કુલ 3.72 લાખ માઈભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે મેળાના છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 40 લાખને પાર પહોંચી છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા મેળા દરમિયાન 40 લાખથી વધુ ભક્તો દર્શન કરશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી હતી. હવે આ આંકડો પાર થઈ ગયો છે. એક અંદાજ મુજબ સમગ્ર મહામેળા દરમિયાન 42થી 45 લાખ ભક્તો મા અંબાના દર્શન કરી શકે છે.
DyCM હર્ષ સંઘવીએ ચડાવી ધજા
ભાદરવી પૂનમના દિવસે DyCM હર્ષ સંઘવી (Harsh Sanghavi)પોલીસ પરિવારની ધજા લઈને અંબાજી મંદિર પહોંચ્યા હતા. તેમણે મા અંબાના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા અને ધજા ચડાવી હતી.
હર્ષ સંઘવીએ મેળા દરમિયાન પોલીસ વિભાગ (Police Department)અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. તેમણે પોલીસ અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ સમાજ માટે મિત્ર અને માર્ગદર્શક બનીને સેવા આપવા આહવાન કર્યું હતું.
ભંડારમાં લાખોની આવક, 28.90 લાખ મોહનથાળના પેકેટનું વિતરણ
મહામેળાના છઠ્ઠા દિવસે ભંડાર કાઉન્ટર પરથી 29,63,582ની આવક નોંધાઈ હતી. જ્યારે છ દિવસની કુલ આવક 1,83,10,515 થઈ છે. ભક્તો માટે મોહનથાળ પ્રસાદની પણ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. છઠ્ઠા દિવસે 2,63,657 પેકેટનું વિતરણ થયું હતું. જ્યારે છ દિવસમાં કુલ 28.90 લાખ મોહનથાળના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અત્યાર સુધી 3,927 ભક્તો અને સંઘોએ ધજા ચડાવી મા અંબાની ભક્તિ કરી છે. ભાદરવી પૂનમના અંતિમ દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટ્યા હતા અને સમગ્ર અંબાજી ધામ જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
આ પણ વાંચો: અંબાજીમાં છઠ્ઠા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત્ જય અંબેના નાદથી ગુજ્યું મંદિર પરિસર
આ પણ વાંચો: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો: પાંચમા દિવસે પણ ભક્તોનો પ્રવાહ યથાવત્, ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી
આ પણ વાંચો: અંબાજીમાં ભક્તોનો મહાસાગર, બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન
