અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં દસમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી નયનને ખબર પણ નહીં હોય કે આ જ સ્કૂલમાં તેનું દસમાનું પરિણામ આવે તે પહેલા જીવનનું અંતિમ પરિણામ આવી જશે….. આ સેવન્થ ડે સ્કૂલ તેના માટે ડેથ-ડે સાબિત થશે….. સ્કૂલમાં બનેલી એક નાની ધક્કામુક્કીની ઘટના અને તેના આ પ્રકારના વરવા પરિણામની તો નયને પણ કલ્પના નહીં કરી હોય……
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ અને વિવાદોને જાણે તેડું જ નથી……સેવન્થ ડે સ્કૂલ હંમેશા કોઈને કોઈ કારણસર વિવાદમાં આવતી હોય છે…. હવે આ જ સ્કૂલમાં બનેલી મર્ડરની ઘટનાએ ફક્ત અમદાવાદ અને ગુજરાત જ નહીં આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે….તેના કારણે સેવન્થ ડે સ્કૂલ વધુ એક વખત બદનામ થઈ છે…..
આ સ્કૂલમાં થયેલી હત્યાના પગલે વાલીઓનો આક્રોશ માતો નથી….. તેઓ સ્કૂલના સત્તાવાળાઓ સામે આકરાં પગલાં લેવા ભલામણ કરી રહ્યા છે….. અમદાવાદમાં આ ઘટનાના કારણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે….આ બનાવના પગલે અમદાવાદના ખોખરા, મણિનગર, કાંકરિયા, ઇસનપુર, ઘોડાસર વિસ્તારના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો…. તેની સાથે-સાથે સેવન્થ ડે સ્કૂલ પર જઈને લોકોએ હંગામો મચાવ્યો હતો….આ બનાવના પગલે એબીવીપી, વિહિપ અને બજરંગદળ NSUI બધા મેદાનમાં ઉતરી પડ્યા છે… આના પરથી જ આ આખા ઘટનાક્રમના કેટલા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે તે સમજાય છે. આજે શાળાની આ બેદરકારીના લીધે આ વિસ્તારની 200 જેટલી સ્કૂલોનું શિક્ષણ બંધ રહ્યુ છે અને આખા વિસ્તારમાં જાણે ભારેલો અગ્નિ છે….
આખા ગુજરાતમાં આ વાત જાણે ચોરે અને ચૌટે સર્જાઈ રહી છે…. દરેક જણ કહી રહ્યું છે કે એક બાળક હુમલામાં ઇજા પામ્યા પછી અડધો કલાક સુધી તરફડતું રહ્યુ તો સ્કૂલ સત્તાવાળાઓએ કેમ કશું ન કર્યુ…. અકસ્માતની એક ઘટના બને અને 108 પાંચ મિનિટમાં આવી જાય છે, સ્કૂલના સિક્યોરિટીથી લઈને વિદ્યાર્થીઓએ તેને અડધો કલાક ત્યાં તડફડવા દીધો તે શું બતાવે છે…. શું ખરેખર કોઈનો જીવ જ્યાં ત્યાં સુધીની બેદરકારી હોય, પછી આ જ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોને વાલીઓ મારે નહીં તો શું કરે, તેમની પૂજા કરે. મોંઘીદાટ ફીઓ પડાવતી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ સલામત નથી….આવી સ્કૂલોને વાલીઓ પાસેથી રૂપિયા ઉસેટવા સિવાય કશું કરવું જ નથી…. આ સ્કૂલના જ શિક્ષકોમાંથી કોઈ એકના સંતાનની સ્થિતિ આવી થઈ હોત ત્યારે તેમને આ વાતનો અંદાજ આવ્યો હોત….પારકા છોકરાના મોતની કોને ચિંતા હોય તેવું સ્કૂલના શિક્ષકોનું અને સ્કૂલના સત્તાવાળાઓનું વલણ હતું…..આતો બીજા વિદ્યાર્થીઓ ઘાયલ નયનને હોસ્પિટલ લઈ ગયા, નહીં તો કદાચ નયનનું પ્રાણપંખેરું ત્યાં જ ઉડી ગયું હોત.
સ્કૂલમાં હિંસાની ઘટના આજે બની તે પહેલા આ વિદ્યાર્થીઓ વચ્ચે સ્કૂલમાં જ વિવાદ ચાલતો જ હતો, તેના કારણે સ્કૂલમાં પણ કેટલાક ગ્રુપ બની ગયા હતા….આના પરિણામે સ્કૂલમાં આ બંને જૂથ વચ્ચે ચડભડ ચાલતી રહેતી હતી….. મૃતક વિદ્યાર્થીને આ વિદ્યાર્થીને સ્કૂલમાં ધક્કો મારવા બાબતે માથાકૂટ થઈ હતી…. તે સમયે એટલે કે લગભગ મહિના પહેલા શિક્ષકોએ બે વિદ્યાર્થીઓને ભેગા કરીને એકબીજાને સોરી કહી સમાધાન કરાવ્યું હતું….. તે સમયે બંને ગળે પણ મળ્યા હતા તેમ બીજા વિદ્યાર્થીઓનું કહેવું છે….. આશ્ચર્યની વાત એ છે કે વાત આટલી વધી ગઈ હોવા છતાં સ્કૂલના શિક્ષકો કે આચાર્યએ વિદ્યાર્થીના માબાપને આ વાતની જાણ કરી ન હતી….. સ્કૂલના સત્તાવાળાઓએ પણ વિદ્યાર્થીઓ વચ્ચેની માથાકૂટ અંગે કોઈને કશું જણાવ્યું ન હતું…..બધુ જ શિસ્તના ઓઠા હેઠળ ઢાંકી દેવાતું હતું…… જો સ્કૂલના સત્તાવાળાઓએ બંને વિદ્યાર્થીના માબાપને પણ જાણ કરી હોત તો તે સમજાવટથી આ સ્થિતિ થાળે પાડી શકાઈ હોત….. પણ સ્કૂલના સત્તાવાળાઓએ આવી કોઈ તસ્દી લીધી નહી…. વાત અહીં જ પૂરી થતી નથી….
મૃતક વિદ્યાર્થીના પિતરાઈ સાથે પણ હત્યારા વિદ્યાર્થીનો અઠવાડિયા પહેલાં જ ઝગડો થયો હતો, તે સમયે પણ સ્કૂલે હત્યારા વિદ્યાર્થી સામે પગલાં લેવાનું ટાળ્યું હતું…. સ્કૂલે તે સમયે જ પગલાં લીધા હોત તો વાત આ સ્થિતિ સુધી પહોંચી જ ન હોત…. હવે એક વિદ્યાર્થી આટલી નાની વયમાં ધક્કામુક્કી જેવી બાબતમાં કોઈનું મર્ડર કરવા સુધી જઈ શકે તે બાબત અત્યંત ચિંતાજનક છે…. મનોવિજ્ઞાનીઓ પણ જાણે સમાજ ક્યાં જઈ રહ્યા હોય તેની ચિંતામાં પડી જાય તેવો વિષય છે…. આટલી નાની વયના બાળકમાં આ રીતે કોઈની હત્યા કરવાનો પણ વિચાર કઈ રીતે આવ્યો…. આટલી નાની વયે હત્યા કરવાની તૈયારી ધરાવતો બાળક આગળ જઈને શું-શું કરી શકે તે વાત પણ કોઈને થથરાવી દે તેવી છે…. આ વિદ્યાર્થીઓની ચેટ જ બતાવે છે કે આ વિદ્યાર્થીનું વલણ કેવું હિંસક હતુ, તેણે પોતે જ કહ્યું છે કે નયને તેને કહ્યું હતું કે તું હૈ કોન, બસ તે બતાવવા મેં તેને મારી નાખ્યો…..
આ ઘટનાના પગલે સ્કૂલોમાં ભણતા બાળકોની સુરક્ષાને લઈને પણ મોટો સવાલ સર્જાયો છે….. દરેક માબાપ સામાન્ય રીતે સ્કૂલમાં બાળકને મોકલીને નિશ્ચિત થઈ જતાં હોય છે, હવે તેઓએ પોતાના સંતાનની સુરક્ષાની ખાતરી પણ સ્કૂલવાળા પાસેથી મેળવવી પડશે…. મોંઘીદાટ ફીઓ ભર્યા પછી પણ માબાપના ચહેરા પર તેમના સંતાનને લઈને ચિંતાની લકીર હંમેશા રહેવાની…. પહેલા જે પ્રકારની હત્યા કોલેજ સ્તરે કે કોલેજ કેમ્પસમાં થતી હતી હવે તે સ્કૂલ સ્તરે થવા લાગી છે…. આમ શિક્ષણના મંદિરને હત્યારાઓ અભડાવવા લાગ્યા છે….
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
