કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પુત્ર વજેન્દ્ર પ્રસાદે નોંધાવેલા કેસમાં એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે. તેના કારણે આ વિવાદમાં એક પછી એક નવા વળાંક આવી રહ્યા છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર મહારાજના પુત્ર વજેન્દ્રપ્રસાદ મહારાજે તેમની પત્ની અવંતિકા શુક્લ સહિત છ જણા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમા તેના પિતા અજય શુક્લનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સાસુ વૈશાલી શુક્લા, સાળા ગોકુલ શુક્લા, લગ્ન કરાવનાર શશીકાંત તિવારી અને ગોપાલ પાંડે સામે પણ ફરિયાદ નોંધાવી હતી.
વજેન્દ્રપ્રસાદે ચોંકાવનારો દાવો કર્યો હતો કે તેમની પત્ની અવંતિકા શુક્લના કુટુંબીજનોને ખબર હતી કે તે સંપૂર્ણ સ્ત્રી નથી, છતાં પણ આ બાબતને લઈને અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને અમારી સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. તેમણે આ ઉપરાંત જણાવ્યું હતું કે હનીમૂન વખતે પણ તેમને તેમની પત્ની અવંતિકાએ કેફી પાવડર પીવડાવી દીધો હતો અને તે અન્ય સ્ત્રી સાથે નગ્ન હાલતમાં ઝડપાઈ હતી. લગ્ન પછી હનીમૂન માટે ગયા તે સમયે પણ મારા જમવામાં અવંતિકાએ કેફી દ્રવ્યો ભેળવ્યા હોવાનું વજેન્દ્રપ્રસાદે જણાવ્યું હતું. આવું કરતાં તેઓ પોતે જોઈ ગયા હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેથી તેમણે બેએક વખત તો હોટેલમાં જમવાનું રૂમમાં મંગાવીને ફેંકી દીધું હતું. આમ વજેન્દ્રપ્રસાદના પોતાની જ પત્ની પરના આક્ષેપોએ સનસનાટી મચાવી દીધી છે.
વજેન્દ્રપ્રસાદનો દાવો છે કે વાસ્તવમાં આ લગ્ન તે લગ્ન જ ન હતા, પરંતુ રૂપિયા પડાવવાનું કાવતરું જ હતું. એક રીતે મને લુંટેરી દુલ્હન જ ભટકાડવામાં આવી છે તેમ કહી શકાય. તેઓ મારી પાસેથી 100 કરોડ રૂપિયા પડાવવા માંગતા હતા, આવું અવંતિકાના ફોનમાં તેની સોશિયલ મીડિયાની ચેટમાં લખેલું છે અને રૂપિયા પડાવીને તે રફુચક્કર થઈ જવા માંગતા હતા. અત્યાર સુધીમાં તો તે અવંતિકા મારી પાસે 11 લાખ રૂપિયા પડાવી પણ ચૂકી છે. તેણે જુદા-જુદા બહાને આ રકમ મારી પાસેથી માંગી હતી.
અમને લગ્ન થયા ત્યારે જ અવંતિકાનો વ્યવહાર કંઇક વિચિત્ર લાગ્યો હતો, પરંતુ શરૂઆતમાં તો અમે તેને કુટુંબથી અલગ પડ્યાનું દુઃખ માનીને ચલાવ્યું હતું, પરંતુ તેના થોડા સમય પછી પણ તેનો શંકાસ્પદ વ્યવહાર જારી રહેતા અમને શંકા ગઈ હતી. મારા આટલા લગ્નજીવનમાં તેને પત્ની તરીકેની કોઈપણ પ્રવૃત્તિમાં રસ જ ન હોવાનું માલૂમ પડ્યું હતું. તે અમારી પાસેથી કોઈને કોઈ બહાને રૂપિયા જ પડાવતી હતી. પ્રારંભમાં તો ગરીબીના કારણે તેને રૂપિયાની જરૂરિયાત હોવાનું માનીને તેને મદદ કરી હતી.
પણ અવંતિકાના વ્યવહારના લીધે તેના પરની શંકા ઘેરી થઈ હતી. અવંતિકા પાસે બે ફોન હતા, તેમા એક ફોન આઇફોન હતો જે તેને કોઈએ ભેટમાં આપ્યો હતો. જ્યારે બીજો ફોન તેના રૂમમાં પડ્યો હતો. તેના રૂમની મેં ચકાસણી કરતા મને તેમાથી રીતસર અમારી પાસેથી 100 કરોડ રૂપિયા કઈ રીતે પડાવવા તેની આખી ચેટ મળી આવી હતી. આ ચેટે અવંતિકાનો પર્દાફાશ કરી નાખ્યો હતો. આ ચેટે અમારા લગ્ન પરનો જાણે પડદો જ ઉખેડી નાખ્યો હતો. અવંતિકા સાથે મારા લગ્ન કંઈ લગ્ન ન હતા, પરંતુ તે રૂપિયા પડાવવાનું કાવતરું હતું. તે મને કોઈને કોઈ બહાને નાણાકીય રીતે ખતમ કરીને રૂપિયા પડાવીને ભાગી જવાની ફિરાકમાં હતી, એમ વજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું.
આ તો તેની સોશિયલ મીડિયાની ચેટ મારા હાથમાં આવી ગઈ. જો આમ થયું ન હોત તો મારો રીતસરનો ઘડો લાડવો થઈ ગયો હોત કે હું પણ ક્યાંક ડ્રમમાં જોવા મળ્યો હોત તેવો ડર વજેન્દ્રપ્રસાદે વ્યક્ત કર્યો હતો. તેનો દાવો હતો કે અવંતિકા લેસ્બિયન છે, તેને પુરુષ સાથેના જાતીય સંબંધમાં નહીં પણ મહિલા સાથેના જાતીય સંબંધમાં જ રસ છે. તેની મહિલા પાર્ટનર સાથેની આવી ઘણી ચેટ મેં જોઈ છે. જો ભવિષ્યમાં તક મળશે તો હું તેના પણ પુરાવા આપીશ. મને લાગતું તો હતું કે મારી પત્ની એકનોર્મલ છે, પરંતુ તેમા અમને લાગ્યું કે આ તો માનસિક દવા કરાવીશું તો ઠીક થઈ જશે, પરંતુ તે લેસ્બિયન હોય તેવી કલ્પના ન હતી. આ સંજોગોમાં તો લગ્નજીવન આગળ ચાલવાની કોઈ સંભાવના જ રહેતી નથી.
તેમણે જણાવ્યું હતું કે અમારે મંદિરમાં શશીકાંત તિવારી નામના ભાઈ દર્શનાર્થે આવતા હતા, તે નિયમિત આવતા તેમનો પરિચય કેળવાયો. તેના પછી તેમણે તેમના સ્નેહીજનની પુત્રી છે તે રીતે કહીને આ લગ્ન કરાવ્યા હતા, તેઓ અમારા વિશ્વાસુ હોવાથી અમે તેમની વાત પર વિશ્વાસ કરી લીધો હતો, તેમના સગાને પણ તેમના જેવા ભક્તિભાવવાળા માન્યા હતા. તેથી અમારી સગાઈ થયા પછી લગ્ન પણ અમે તેમની વિનંતીના પગલે ઝડપથી કર્યા. તે સમયે આવું કોઈ કાવતરું હોવાનો ખ્યાલ આવ્યો ન હતો, પણ લગ્નના આટલા સમય પછી પત્નીની આખી સોશિયલ મીડિયા ચેટે બધી પોલ ખાલી નાખી હતી અન તેના રહસ્યમયી અને શંકાસ્પદ વર્તન બધા પરથી પડદો ઉઠી ગયો હતો. આના પગલે મારી પત્ની અમને કોઈપણ પ્રકારના કાયદાકીય પ્રશ્નોમાં સંડોવે તેના પહેલાં જ અમે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી હતી. અમારી પાસે તેની સામે પૂરતા પ્રમાણમાં પુરાવા છે અને જો વધારે પુરાવાની જરૂર પડશે તો તે પણ આપીશું. લગ્ન જેવી બાબતમાં આટલા મોટા સ્તરે પણ આ પ્રકારની છેતરપિંડી થાય છે તે બાબતને લઈને અમારુ મન આંચકો પામી ગયું છે. આ તો જાણે માણસને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ જોતા કોઈ હવે ભવિષ્યમાં લગ્ન કરતાં પહેલા 100 ગળણે પાણી પીવે તેવી સ્થિતિ આ પ્રકારના લોકોના કારણે જ સર્જાઈ છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
