આઈસલેન્ડના ગ્રિન્ડાવિક શહેરની દક્ષિણ-પશ્ચિમમાં માત્ર ૧૪ કલાકમાં ૮૦૦ વખત ભૂકંપના આંચકા આવતા જ્વાળામુખી ફાટવાના ડરથી ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. આઈસલેન્ડના મેટ્રોલોજિકલ વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં આવી અનેક આપત્તિઓ આવવાનું જોખમ છે. તાજેતરના સપ્તાહોમાં ગ્રિંડાવિક નજીક ફાગ્રાડલ્સફજાલ જ્વાળામુખી આજુબાજુ ભૂકંપના હજારો આંચકા નોંધાયા છે. તકેદારીના ભાગરૂપે શહેરમાં રહેતા હજારો લોકોને શહેર ખાલી કરવા આદેશ અપાયો છે.
આઈસલેન્ડના નાગરિક સુરક્ષા અને ઈમર્જન્સી મેનેજમેન્ટ વિભાગે કહ્યું કે, નેશનલ પોલીસ ચીફે ગ્રિંડાવિકના ઉત્તરમાં ભૂકંપીય પ્રવૃત્તિઓના કારણે નાગરિક સુરક્ષા માટે ઈમર્જન્સીની જાહેરાત કરી છે. આઈસલેન્ડના હવામાન વિભાગે કહ્યું કે બુધવારે અને ગુરુવાર વચ્ચે ૨૪ કલાકમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપના લગભગ ૧૪૦૦ આંચકા નોંધાયા હતા જ્યારે મેટ ઓફિસના જણાવ્યા મુજબ શુક્રવાર પહેલાં ૧૪ કલાકમાં ૮૦૦ વખત ધરતી ધ્રુજી હતી, જેના કારણે ઘરના બારીના કાચ તૂટી ગયા હતા અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.આઈસલેન્ડના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારે અંદાજે ૫.૩૦ કલાકે રાજધાની રેકજાવિકથી લગભગ ૪૦ કિ.મી. દૂર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા, જેમાં સૌથી જોરદાર આંચકો રિક્ટર સ્કેલ પર ૫.૨ની તિવ્રતાનો હતો.
આ આંચકાઓના પગલે અધિકારીઓએ ભૂકંપીય પ્રવૃત્તિ વધવાના કારણે નજીકનું બ્લૂ લગૂન લેન્ડમાર્ક બંધ કરી દીધું. આઈસલેન્ડ મેટ ઓફિસે આશંકા વ્યક્ત કરી છે કે ક્ષેત્રમાં જમીનની અંદર મોટા પ્રમાણમાં લાવા ફેલાઈ રહ્યો છે અને કોઈપણ સમયે તે ધરતીની સપાટી તોડીને બહાર આવી શકે છે. આઈસલેન્ડની નાગરિક સુરક્ષા એજન્સીએ કહ્યું કે ગ્રિન્ડાવિકને ખાલી કરવાનો નિર્ણય ત્યારે લેવાયો હતો જ્યારે આઈએમઓએ સંભાવના વ્યક્ત કરી છે લાવા શહેર સુધી પહોંચી શકે છે. ગ્રિંડાવિક શહેરમાં લગભગ ૪,૦૦૦ જેટલી વસતી છે જ્યાં મોટાભાગના રસ્તા ઈમર્જન્સી સ્થિતિ સિવાય અન્ય કારણોથી બંધ છે. ભૂકંપના આંચકાઓના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર ગ્રિનવિચ છે. ભૂકંપના કારણે અહીં રસ્તાઓ પર પણ તિરાડો પડી ગઈ છે. તેથી પોલીસે ગ્રિનવિચ જતા બધા જ રસ્તા બંધ કરી દીધા છે.
આઈસલેન્ડ દુનિયાના સૌથી વધુ સક્રિય જ્વાળામુખીવાળો દેશ છે. અહીં અંદાજે ૩૦ સક્રિય જ્વાળામુખી છે. જુલાઈમાં ફગ્રાડલ્સફજાલના લિટલી હ્રુતુર અથવા લિટિલ રામ, જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો, જેણે દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષિત કર્યા હતા. અહીં વર્ષ ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩માં સતત જ્વાળામુખી વિસ્ફોટ થયા હતા. આ પહેલાં આ જ્વાળામુખી આઠ સદી સુધી નિષ્ક્રિય રહ્યા હતા.
દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૨.૬ નોંધાઈ હતી. ઉત્તર દિલ્હીમાં લોકોને બપોરે ૩.૩૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ તેનું કેન્દ્ર ઉત્તરીય દિલ્હીમાં જમીનની સપાટીથી ૧૦ કિ.મી. નીચે હતું. ગયા સપ્તાહે પણ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું. આ પહેલાં ૩ નવેમ્બરે રાતે ૧૧.૪૦ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે પણ નેપાળમાં ૬.૪ની તીવ્રતાથી ધરતી ધ્રુજી હતી. દિલ્હી-એનસીઆર ક્ષેત્ર ભૂકંપ-૪ ઝોન હેઠળ આવે છે, જ્યાં ભૂકંપને વધુ જોખમી માનવામાં આવે છે.
આઇસલેન્ડના ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ પ્રોટેક્શન એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પોલીસ વડાએ ગ્રિંડાવિકની ઉત્તરે એક મજબૂત ભૂકંપની જાણ કરી હતી. આવનારા સમયમાં અત્યાર સુધી જેટલા આંચકા આવ્યા છે તેના કરતા વધુ મોટા ભૂકંપ આવી શકે છે અને જ્વાળામુખી ફાટવાની આશંકા છે. આવી સ્થિતિમાં નાગરિક સુરક્ષા માટે ઈમરજન્સી જાહેર કરવામાં આવે છે. સ્થાનિક અધિકારીઓએ સાવચેતીના પગલા તરીકે શહેરમાં રહેતા હજારો લોકોને સ્થળાંતર કરવાના આદેશો જારી કર્યા છે.
IMO અનુસાર, ઓક્ટોબરથી અત્યાર સુધીમાં દ્વીપકલ્પ પર લગભગ 24,000 ભૂકંપ નોંધાયા છે. અહીં વધુ ભૂકંપ આવવાનું કારણ એ છે કે આઇસલેન્ડમાં 33 સક્રિય જ્વાળામુખી છે. જે યુરોપમાં સૌથી વધુ છે. આઇસલેન્ડ મધ્ય-એટલાન્ટિક રિજની ટોચ પર બેસે છે, જે સમુદ્રના તળમાં એક અણબનાવ છે. આ તિરાડને કારણે ત્યાં વધુ ભૂકંપ આવે છે.
રેકજેન્સ પેનિનસુલા પ્રદેશ આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે અને પશ્ચિમમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરની સામે આવેલો છે. રાજધાની રેકજાવિકથી તેનું અંતર 50 મિનીટ સુધીનું છે. બ્લુ લગૂન સિવાય દેશનું મુખ્ય એરપોર્ટ કેફલાવિક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીં આવેલું છે. આઇસલેન્ડ વિશ્વમાં જ્વાળામુખી માટે સૌથી જાણીતું સ્થળ છે. આ દ્વીપકલ્પમાં ખીણો, લાવાના ક્ષેત્રો અને શંકુ વિસ્તારો જોવા મળે છે.
બ્લુ લગૂન રેક્જેનેસ પર આવેલો છે અને રાજધાનીથી 50 જ મીનીટના અંતરે છે. 25 મોર્ડન વન્ડરમાં તેનો સમાવેશ નેશનલ જીઓગ્રાફી દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્યાં મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ દુનિયાનું સૈથી મોટું જીયોથર્મલ મિનરલ બાથ છે. દુનિયાભરના પર્યટકોને આકર્ષતા જીઓથર્મલ પુલ્સ. અહી આવેલા છે. સામાન્યરીતે ત્યાં ખુબ જ ઠંડી પડે છે, પરંતુ બ્લુ લગૂન કેટલાક ખાસ તત્વોથી ભરેલા સ્પા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે તેના પાણીમાં ત્વચા સંબંધિત રોગોને દૂર કરવાની ક્ષમતા હોય છે. લગૂનનું પાણી વાદળી છે અને તેમાંથી વરાળ નીકળતી રહે છે. જે લોકોને ત્વચા સંબંધિત બીમારીઓ છે તેઓ આ આશા સાથે અહીં આવવાનું પસંદ કરે છે કે તેમનું સ્વાસ્થ્ય સારું થઈ જશે.
