વિશ્વમાં અનેક દેશ છે જે તેના નિયમોના કારણે જાણીતા છે, ઘણા દેશોમાં તો એવા નિયમો પણ છે કે દરેક ઘરમાંથી એક દિકરો આર્મીમાં જોડાય. ત્યારે ભારત દેશના એક નાના ગામે પણ આવા જ એક નિયમને જીવનમાં ઉતાર્યો છે. આપણે વાત કરવાની છે ગુજરાતના એક એવા ગામની જ્યાં દરેક ઘરમાંથી એક યુવાન તો દેશની સરહદ પર પોતાની ફરજ અદા કરતો જ હશે. ગુજરાતનું આ ગામ એટલે બનાસકાંઠા જિલ્લાનું મોટા ગામ. જી હા આ ગામનો દરેક યુવાન દેશભક્તિ સાથે જ જન્મ લે છે.
આ ગામની માટીમાં દેશ ભક્તિની મહેક

બનાસકાંઠા જિલ્લામાં મોટા ગામ એવું ગામ બન્યું છે જેમાં દરેક ઘરમાંથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે. મોટા ગામે અત્યાર સુધી દેશને અનેક જવાનો, પોલીસ કર્મીઓ દેશને આપ્યા છે કહેવાય છે આ ગામની માટીમાં દેશ ભક્તિ અને દેશ સેવાની સુવાસ મહેકે છે, મોટા ગામમાં આજે પણ સૈન્યમાં જોડાવવા ગામનો દરેક યુવાન તનતોડ મહેનત કરે છે.
અનોખી દેશભક્તિ
બનાસકાંઠામાં જિલ્લામાં આવેલું મોટા ગામમાં અંદાજે છ હજાર જેટલી વસ્તી છે. પરંતુ જાણીને અચરજ થશે કે ગામના દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશની સેવા કરે છે. અત્યાર સુધીમાં આ ગામે 300 કરતા પણ વધારે આર્મીના જવાનો અને પોલીસ જવાનો દેશને આપ્યા છે.
સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે મોટા થઈને ઉચ્ચ અધિકારી બનવાના કે સરકારી નોકરી મેળવવાના સપનાઓ સેવતો હોય છે. ત્યારે પરંતુ વાત બનાસકાંઠાના આ નાનકડા ગામની કરવામાં આવે તો બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો જ બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. બાળકો નાનપણથી જ સૈનિક બનીને પોતાની ફરજ દેશ પ્રત્યે નિભાવે તેવા સપના સેવતા હોય છે.
ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સંન્માનિત

1996માં મોટા ગામના હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામના બે યુવાનો ભારતીય આર્મીમાં જોડાયા હતા. ભૂપતસિંહ રાજપૂતે 1990માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઇગર હિલ યુદ્ધમાં દુશ્મનો ઉપર વિજેતા મેળવી હતી જે માટે તેમને સેના દ્વારા કારગિલ એવોર્ડથી સંન્માનિત કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે ત્યાર પછી ગામના લોકોમાં દેશભક્તિ ઉજાગર થઇ અને એક પછી એક યુવાનો જુદી-જુદી જગ્યાએ લશ્કરમાં જોડાવવા લાગ્યા.
બાળપણથીજ સૈનિક બનવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી મોટા થઇને તે દેશ માટે જીવ આપતા પણ પાછી પાની ના કરે. મોટા ગામના ત્રણ જવાનો દેશ માટે શહિદ થયા છે છતા પણ કોઇ પણ યુવાનમાં દેશભક્તિ ઓછી નથી થઇ. આજે પણ ગામના યુવાનો સરહદ પર જવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાતના આ ગામને આજે તો એક સલામ કરવી જ રહી.
