MANTAVYA Vishesh/ અલ્પેશ ઠાકોરની ચીમકીઃ એક આ લાભપાંચમ છે, એક આવતી લાભપાંચમ છે!

અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળતાં તેમણે હવે ખાંડા ખખડાવવા માંડ્યો છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તેમણે ગાંધીનગરમાં ઠાકોર સેનાની બેઠક બોલાવીને પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોવડીમંડળે તેમને લક્ષમાં લીધા નથી. આના પગલે તેમને લાગવા માંડ્યું છે કે હવે સક્રિયતા દર્શાવવી પડશે.

Mantavya Vishesh

અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળતાં તેમણે હવે ખાંડા ખખડાવવા માંડ્યો છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા તેમણે ગાંધીનગરમાં ઠાકોર સેનાની બેઠક બોલાવીને પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોવડીમંડળે તેમને લક્ષમાં લીધા નથી. આના પગલે તેમને લાગવા માંડ્યું છે કે હવે સક્રિયતા દર્શાવવી પડશે.

ઠાકોર સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો. તેમા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ એકસાથે જોવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના જ ગેનીબેન સાથે ગુફ્તેગુ કરી હતી. બંને વચ્ચેની વાતચીતનું તાદાત્મ્ય આગામી દિવસોમાં કંઇક અલગ જ પ્રકારની રાજકીય નવાજૂની થશે તેવા સંકેતો આપી રહી છે. તેમા પણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે એક આ લાભપાંચમ છે અને એક આગામી લાભપાંચમ છે. આગામી લાભપાંચમ સુધી જોજો, બનાસકાંઠાની ધરતી પરથી શરૂ થયેલો નવજુવાળ આખા ગુજરાતમાં પ્રસરશે.

આટલેથી પણ ન અટકતા અલ્પેશ ઠાકોરે સમાજના આગેવાનોની આગામી બેઠક 26મી જાન્યુઆરીના રોજ રાત્રે ત્રણ વાગે બોલાવી છે. તેમણે જણાવ્યું હતું કે આપણા સમાજે જાગવાની જરૂર છે. આ સમાજને જગાડવા માટે જ 26મી જાન્યુઆરીના રોજ રાત્રે ત્રણ વાગે બેઠક બોલાવી છે. આ આખો ઘટનાક્રમ બતાવે છે કે અલ્પેશ ઠાકોરે મંત્રીમંડળમાં સ્થાન ન મળવાના કારણે નવાજૂની કરવાનું મન બનાવી લીધું લાગે છે. તે કમસેકમ પક્ષને પોતાની ક્ષમતાનો અને તાકાતનો અહેસાસ કરાવવા માંગે છે.

તેમણે ઠાકોર સમાજને ટકોરો મારતા જણાવ્યું હતું કે સંગઠિત થાવ, સંગઠનની તાકાત ઓળખો, વિભાજીત રહેશો તો તાકાત પણ વિભાજીત થઈ જશે. આના પગલે આગામી દિવસોમાં ઠાકોરસેનામાં મોટાપાયા પર ભરતીમેળો પણ શરૂ થશે, આ ઉપરાંત આગામી દિવસોમાં ઠાકોરસેના મોટાપાયા પર સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવા જઈ રહી છે.

ઠાકોર સમાજના સંમેલનમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન સાથેની ગુફ્તેગુ ગુજરાતના રાજકારણને કોઈ નવી દિશા આપશે તો આશ્ચર્ય નહીં થાય. આમ હાલમાં તો એમ જ માનવામાં આવે છે કે અનામત આંદોલનના બંને ચહેરા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ભાજપના મોવડીમંડળે માપમાં રાખ્યા છે. તેઓને હજી સુધી પક્ષમાં કે સરકારમાં બંનેમાં કોઈ મોટું પદ આપવામાં આવ્યું નથી. આના કારણે બંને ધમપછાડા કરી રહ્યા છે. પણ હાલમાં પક્ષનું મોવડીમંડળ તેમના આગ્રહ સામે કોઈ મચક આપી રહ્યું નથી. તેથી તેમનો ધૂંધવાટ પણ વધી રહ્યો છે.

અલ્પેશ ઠાકોર સમજી ગયા છે કે ઉત્તર ગુજરાતના રાજકારણમાં પોતાનું કદ ઊંચું લાવવું પડશે, જો કદ વધારવામાં નહીં આવે તો આ તો ભાજપ છે કદ પ્રમાણે તેમને વેતરી નાખવામાં પણ વાર નહીં લગાડે. તે અગાઉ પણ આવું કરી ચૂક્યો છે. શાસક પક્ષના જાણીતા આગેવાનો આ રીતે કદ પ્રમાણે વેતરાઈ ચૂક્યા છે અને તે શોધ્યાય જડતાં નથી. આવા ઘણા ઉદાહરણો છે.

આના પગલે અલ્પેશ ઠાકોર સમજી ગયા છે કે તેમને માટે મંત્રીપદ કે પક્ષમાં બીજો કોઈ હોદ્દો તે લટકતું ગાજર કે લોલીપોપ જ છે. તેમને એક રીતે પક્ષમાં તેમનું સ્થાન બતાવી દેવાયું છે. તેઓ જો પોતાનું કદ વધારવામાં નિષ્ફળ ગયા તો હાલમાં જે છે તે પણ ટકાવવું અઘરું પડી જશે. તેથી જ તેમણે પોતાના જૂના સાથીઓ સાથે સંપર્ક સાધવા માંડ્યો છે. કોંગ્રેસના તેમના મિત્રોની જોડેનો સંપર્ક ગાઢ બનાવવા માંડ્યો છે. સામાજિક સક્રિયતામાં પણ વધારો કરવા માંડ્યો છે.

ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેને પણ અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય સમાજ માટે કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. આ વાત ઘણી સૂચક માનવામાં આવે છે. કોંગ્રેસનો કોઈ આગેવાન ભાજપના નેતાની પ્રશંસા કરે ત્યારે લોકોએ સમજી જવાનું હોય છે કે કોણ ક્યાં જવાની તૈયારી કરી રહ્યુ છે. વળી અલ્પેશ ઠાકોરનું મૂળ ગોત્ર તો પાછું કોંગ્રેસનું જ છે. આજે પણ કોંગ્રેસમાં તેમના ઘણા મિત્રો છે. તેથી હવે તે કદાચ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હોવાનું તેઓ માને છે.

આમ આગામી દિવસોમાં અનામત આંદોલનના આ આગેવાન ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટ ઠાકોર આગેવાનોની સાથે મળીને તથા સમાજનો સાથ લઈને કોઈ નવી જ રાજકીય ધરી રચે તો આશ્ચર્ય પામવા જેવું નથી. હાલમાં તો તેમણે ઠાકોર સમાજને સંગઠિત કરવાની ઝુંબેશ આદરી છે. એક વખત ઠાકોર સમાજ સંગઠિત થાય તેના પછી તે આ સંગઠનની શક્તિના આધારે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરી શકે છે. તેની સાથે રાજકીય પક્ષ પાસે સોદાબાજી પણ કરી શકે છે. આ સિવાય નવી રાજકીય ધરી રચે તો પણ આશ્ચર્ય નહીં થાય.

આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની કુલ વસ્તીમાં સૌથી વધુ 24 ટકા જેટલી વસ્તી ધરાવતો ઠાકોર-કોળી સમાજ અત્યાર સુધી એક જ સીએમ માધવસિંહ સોલંકીના સ્વરૂપમાં આપી ચૂક્યો છે. હવે ભાજપના પ્રમુખપદે ઓબીસી આગેવાન હોવાથી સીએમના ફેસ તરીકે અથવા તો મંત્રીમંડળમાં પણ ઓબીસી આગેવાનને સ્થાન મળવાની સંભાવના આપમેળે ઘટી જાય છે. આ સંજોગોમાં અલ્પેશ ઠાકોર તેમના રાજકીય કદને ઓછું આંકવામાં આવ્યુ હોવાનું સમજી શકે છે. તેથી આગામી દિવસોમાં બરોબર ઠંડી હશે ત્યારે અલ્પેશ ઠાકોર તેમને અલ્પ આંકવામાં આવતા ગુજરાતના રાજકારણમાં રાજકીય ગરમી લાવે તો આશ્ચર્ય નહીં થાય. અલ્પેશ નામ હોવાનો અર્થ એ નથી કે તેમને અલ્પમાં જ મનાવી લેવાય. આમ આગામી લાભપાંચમ સુધી અલ્પેશ કંઇક મોટું કરી શકે તેવી પ્રબળ સંભાવના રાજકીય નિષ્ણાતો રાખી રહ્યા છે. હવે આના માટે શાસક પક્ષના મોવડીમંડળની તૈયારી કયા પ્રકારની હશે અને કેવા પ્રકારની રાજકીય સોગઠાબાજી ખેલાય છે તે જોવાનું રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ