કચ્છનો રણોત્સવ આજે વિશ્વવિખ્યાત થઈ ચૂક્યો છે. આજે બહુ ઓછા ગુજરાતી હશે જેમણે આ રણોત્સવનો લ્હાવો નહીં લીધો હોય. આજે ગુજરાતમાં રણોત્સવ હોય એટલે વિદેશીઓ તો આવે જ છે, પરંતુ અડધા ઉપરાંતના લોકો ગુજરાતીઓ અને ભારતીયો હોય છે. પણ હવે આ રણોત્સવ વિવાદમાં સપડાયો છે. રણોત્સવમાં લીઝ પર જગ્યા લઈ લેન્ટ બાંધતી કંપનીઓની મનમાનીના કારણે સ્થાનિકો હવે આ કંપનીનો વિરોધ કરવા લાગ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે એક સમયે રણોત્સવને વધાવનારા આ જ સ્થાનિકોને હવે તેનો વિરોધ કરવાની ફરજ પડી રહી છે.
સ્થાનિકોનો દાવો છે કે રણોત્સવ તો બરોબર છે, પરંતુ આ જગ્યા લીઝ પર લેવામા આવી હોવાથી સૌથી પહેલા તો આ જગ્યા પર જે પણ બાંધકામ થાય તે કામચલાઉ બાંધકામ કરવાનું હોય છે, રણોત્સવ પૂરુ થયા પછી તે દૂર કરી દેવાનું હોય છે. તેનાથી વિપરીત કંપનીઓ હવે અહીં કાયમી બાંધકામ કરવા માંડી છે અને આ પ્રકારનું બાંધકામ લીઝિંગના રાજ્ય સરકારના નિયમોની સાથે કલેક્ટરના જાહેરનામાનો છડેચોક ભંગ કરે છે.
આ ઉપરાંત રણોત્સવ માટે ટેન્ટ બાંધતી કંપનીઓએ ટુરિઝમ વિભાગની સાથે-સાથે કલેક્ટરની માર્ગદર્શિકાઓમાં પણ પાલન કરવાનું હોય છે. તેમા સ્વચ્છતા માટે સોલિડ અને લિક્વિડ વેસ્ટ માટે જુદાં-જુદા સ્થળો પણ ફાળવવામાં આવ્યા છે. આમ છતાં ટેન્ટ બનાવનારી કંપનીઓ સ્વચ્છતાના નિયમોનો સરેઆમ ભંગ કરી રહી છે, કલેક્ટરના જાહેરનામાને પણ ગણકારતી નથી અને ખુલ્લેઆમ કચરો નાખે છે. તેમને આપવામાં આવેલી જગ્યા સિવાયની બીજી જગ્યાઓએ પણ આ કંપનીઓ કચરો નાખે છે.
આના કારણે સ્થિતિ એવી આવી છે કે અહીં કાકરેજ ઓલાદની ગાયના અસ્તિત્વ સામે ભય સર્જાયો છે. આ ખુલ્લામાં નાખવામાં આવેલા કચરાના કારણે આ ગાય પણ આ પ્રકારનો કચરો નાખે છે. કેટલાક કચરામાં તો કેમિકલ કે એસિડ સુદ્ધા પણ હોય છે. આ કંપનીઓ કચરાના નિકાલની વ્યવસ્થા માટેના કોઈપણ નિયમોનું પાલન કરતી નથી. તેના કારણે બધુ સહન કરવાનું ગામવાસીઓને આવે છે. લોકોને લાગી રહ્યું છે કે આ તો જાણે કડું આપીને સોનું કઢાવી લેવા જેવી વાત તેમની સાથે થઈ રહી છે.
આ કંપનીઓને પાછી રાજકીય પીઠબળ હોવાથી તે સ્થાનિકોને જરા પણ ગાંઠતી નથી. ફક્ત સ્થાનિક પ્રજાજનો જ નહી, સ્થાનિક તંત્રના નિયમો અને જોગવાઈઓને પણ ગાંઠતી નથી તથા તેની જોગવાઈઓ ઘોળીને પી જાય છે. આમ આ કંપનીઓ રણોત્સવ માટે મોટું કલંક બની રહી છે.
આના કારણે આજે સ્થિતિ એવી આવી છે કે સ્થાનિક માલધારી સમાજ પણ આ કંપનીઓના વિરોધમાં મેદાનમાં ઉતર્યો છે. સ્થાનિકોની આ બાબતને લઈને સ્થિતિ એવી છે કે તેઓ કલેક્ટરને આવેદન આપી-આપીને થાકી ગયા છે અને કલેક્ટર પણ તેમના આવેદન પણ લઈ-લઈને થાકી ગયા છે. રાજકીય પીઠબળના કારણે આ કંપનીઓ સામે તેઓ પણ કાર્યવાહી કરી શકતા નથી અને નિરુપાય છે. આમ છતાં સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. આ પરિસ્થિતિ ઉત્તરોતર વણસતી જ રહી છે.
સ્થાનિકોનું કહેવું ફક્ત એટલું જ છે કે અહીં જે પણ કંપની આવે તે નિયમોનું પાલન કરે અને તેમના પર્યાવરણને ફાયદો ન કરે તો કંઈ નહી પણ નુકસાન તો ન પહોંચાડે. આજે આના કારણે પરિસ્થિતિ એવી આવે છે કે કાંકરેજ ગાય જે ગુજરાતની ઓળખ માનવામા આવે છે અને સૌથી વધુ દૂધ આપે છે તેના પર આ ધોરડોમાં આવતી કંપનીઓના કારણે અસર થઈ રહી છે.
સ્થાનિકોનો દાવો છે કે રણોત્સવમાં આવતી કંપનીઓ તેમના રાજકીય પીઠબળના કારણે બેફામ બની ગઈ છે. તેઓ ટૂંક સમયમાં વધુને વધુ નફો રળી લેવા માંગે છે, તેના કારણે તેઓ નિયમોની અવગણના કરી રહી છે. સરકારી તંત્ર પણ કોઈને રાજકીય પીઠબળ હોય તો કશું કરી શકતું નથી. આના કારણે સ્થાનિકો હવે ધોરડોમાં ટેન્ટ બાંધતી કંપનીઓને ટેન્ટ માફિયા કહે છે.
આમ આગામી દિવસોમાં તંત્ર કાર્યવાહી નહીં કરે તો ટેન્ટ કંપનીઓ અને સ્થાનિકો આમનેસામને આવી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. સ્થાનિકો પણ આ સ્થિતિ જે રીતે હાથમાંથી નીકળી રહી છે અને તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે તે સ્થિતિ કેટલા સમય સુધી સહન કરશે તે મોટો સવાલ છે. લોકોને આંદોલન કરવા સુધીની ફરજ પડવા સુધીની સ્થિતિ આવે ત્યાં સુધી ન જાગવું તે જાણે તંત્રનો પણ નિયમ થઈ ગયો છે. કોઈ એક કે બે ટેન્ટ માલિકોને રાજકીય પીઠબળ હોય એટલે તંત્ર દરેક સમયે કાર્યવાહીમાંથી હાથ ધોઈ નાખે તે ન ચાલે.
તંત્રએ ખરેખર એકબીજાને ખો આપવાની માનસિકતામાંથી બહાર આવીને ધોરડો રણોત્સવ દરમિયાન નિયમ ભંગ કરનારી કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. જો બેલગામ બનતા ટેન્ટ માફિયા પર લગામ લાખવામાં નહીં આવે તો આજે ધોરડો ખાતેનો વિખ્યાત રણોત્સવ છે તેને આગામી દિવસોમાં વિવાદોત્સવ બનતા કોઈ નહી રોકી શકે. ટુરિઝમ સેક્ટરનો વિકાસ કરવો જરૂરી છે, પરંતુ તેના કારણે સ્થાનિકોનો પણ વિકાસ થવો જોઈએ. સ્થાનિકોના ભોગે કંઈ ટુરિઝમ સેક્ટર વિકસાવી ન શકાય, સ્થાનિકોને રોજગારી ન મળે, તેમનું શોષણ થાય, તેમના સંસાધનોને ખતમ કરી દેવાય તેવા વિકાસની રાજ્યને કોઈ જરૂર નથી. સ્થાનિકોની સાથે તાદાત્મ્ય સાધીને તેમને વિકાસની પ્રક્રિયામાં સામેલ કરીને વિકાસ કરવો જોઈએ.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
