જો ચોરી રોકી શકાતી ન હોય તો શું તેની છૂટ આપી શકાય, જરા પણ નહી. પણ અહીં કેન્દ્ર સરકારે આવું જ કર્યુ છે. ખાદ્યાન્ન પદાર્થોમાં થતી ભેળસેળને રોકીને તેવું કરનારા સામે આકરી સજાની વાત તો દૂર રહી પરંતુ તેઓને રીતસરની ખુલ્લેઆમ કરવાની છૂટ આપી દીધી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ માટે જેલની સજા જ દૂર કરી દેવામાં આવી છે. તેઓના પર ફક્ત દંડની રકમ જ વધારી દેવામાં આવી છે. તેમને બે લાખનો દંડ થતો હતો તે હવે દસ લાખ રૂપિયાનો દંડ થશે, પણ ભેળસેળ બદલ કોઈ જેલની સજા નહીં થાય. આમ હવે ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરીને જન આરોગ્યને હાનિ પહોંચાડનારાને કોઈપણ પ્રકારની જેલની સજા જ નહીં થાય.
આ બતાવે છે કે ભેળસેળિયાઓના હાથ કેટલા લાંબા છે અને તેમની ભેળસેળનો ભોગ બનનારા હાથ કેટલા ટૂંકા છે તેનો પુરાવો આ વાત પરથી મળે છે. આજે આ ભેળસેળિયાઓના હાથ કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય સુધી પહોંચી ગયા છે અને સામાન્ય લોકો મોં વકાસતા રહી ગયા છે. કેન્દ્રએ અહીં રીતસર ભેળસેળ કરવાની સીધી છૂટ આપી દીધી છે. તેના કારણે પહેલાં જે બધું પ્રતિબંધિત હતુ તે હવે છૂટથી મળશે.
વેજીટેબલ ઓઇલ એટલે કે વનસ્પતિજન્ય તેલથી બનતા પનીર, દાળ, ખોચાને બનાવવા કાયદેસર છૂટ આપી દેવાઈ છે. ફક્ત તેણે તેના પેકેટ પર લખવાનું રહેશે કે તે વેજીટેબલ ઓઇલથી બન્યું છે. તેથી કદાચ આના લીધે હવે જે પનીર તમે દૂધનું સમજીને ખાતા હશો તો તે વેજીટેબલમાંથી પણ બનેલું નીકળી શકે છે. આમ પહેલા વેજીટેબલ ઘી આવતું હતું તેમ વેજીટેબલ પનીર આવી શકે છે.વેજીટેબલ દાળ અને વેજીટેબલ ખોયા આવી શકે છે. પહેલા તો વેજીટેબલ ઓઇલથી પનીર બનાવાયું હોય અને સાબિત થાય તો વેપારીએ જેલભેગા થવું પડતું હતું અને છ મહિનાથી લઈને બે વર્ષ સુધીની સજા થતી હતી અને તેનું લાઇસન્સ પણ જપ્ત થઈ શકતું હતું. હવે આ બધું જતું રહ્યુ છે. બધી છૂટ મળી ગઈ છે.
આમ હવે જો તમે ભેળસેળ કરો છો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે જ સીધી છૂટ આપી દીધી છે. હા ફક્ત આ ભેળસેળવાળા ઉત્પાદનો પર તેની કેટેગરી લખવી પડશે. ઉદાહરણ તરીકે વનસ્પતિ ઓઇલમાંથી જો ફ્રોઝન ડેઝર્ટ એટલે કે આઇસક્રીમ બનાવો તો તેના પર લખવું પડશે કે કે આ આઇસક્રીમ દૂધમાંથી નહીં પણ વનસ્પતિ ઓઇલમાંથી બનાવાયો છે. આ જ રીતે ચીઝ વગેરે બનાવવામાં આવ્યું હોય તો તેના પર પણ આ સૂચના લખવી પડશે. પણ આ સૂચના કેટલા મોટા અક્ષરોમાં લખવી તે જણાવાયું નથી. તેથી જ્યારે પણ સામાન્ય ગ્રાહક ખરીદી કરશે ત્યારે તો તે એમ જ સમજીને કરશે કે તે દૂધમાંથી બનેલી વાનગી જ ખરીદી રહ્યો છે.
આમ સરકારે લોકોનું આરોગ્ય લોકોના ભરોસે છોડી દીધું છે. તેથી ભેળસેળિયાઓની આખી જમાતને જન આરોગ્ય સાથે ચેડા કરવાનો છૂટો દોર મળી ગયો છે. ઘણા લોકોનું કહેવું છે કે સરકારે ઔદ્યોગિક મટીરિયલ્સની ખપત વધારવા માટે આ પ્રકારનું પગલું લીધું છે. આના કારણે આગામી દિવસોમાં લોકોની શારીરિક તકલીફોમાં વધારો થશે તો આશ્ચર્ય નહી થાય.
કદાચ આ દિશામાં શરૂઆત પણ થઈ જ ચૂકી છે. આજે મોટી-મોટી ઉંમરના માણસો જીવતા હોય છે, પરંતુ નાની વયના લોકો હાર્ટએટેક જેવા રોગોના કારણે મોતને ભેટે છે, નાની વયે કેન્સરનો ભોગ બની જાય છે. આ બધાનું કારણ આ પ્રકારની ભેળસેળ જ છે. જ્યારે આજે પણ જૂની આહાર પ્રણાલિને વળગી રહેલા લોકો મોટી વયે પણ તંદુરસ્ત જીવન જીવે છે.
આગામી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર જાણે ફૂડ ઇન્સ્પેક્શન નામનો વિભાગ જ રાખવા માંગતી ન હોય તેમ આ રીતે ભેળસેળ કરનારાઓને છૂટ આપી રહી છે. હવે સરકારના આ પગલાંના સમર્થકો અને વિરોધીઓ બંને છે. સરકારના આ પગલાંના સમર્થકોનું કહેવું છે કે દૂધથી બનેલા પનીર, ચીઝમાં પણ ભેળસેળ થતી હતી તો શું થઈ શકતું હતું, કશું જ નહી. તે સમયે લોકોના આરોગ્ય સાથે થતાં ચેડા સામે પણ કશું જ કરી શકાતું ન હતું. જ્યારે તો અહીં હવે સરકારે સીધો જ વિભાગ પાડી દીધો છે. દૂધની બનાવટની બનેલી વસ્તુઓ અલગ અને વનસ્પતિ ઓઇલમાંથી બનેલી વસ્તુઓ અલગ પાડી દેવાય. તેથી ચિંતા જ નહી. બસ તેઓએ લેબલ જુદાં-જુદાં મારવાના રહેશે.
જ્યારે તેના વિરોધીઓનું કહેવું છે કે આ તો રીતસરની ભેળસેળ માટે સીધી છૂટ છે. લોકો લેબલ તો લગાવે છે, પરંતુ આ લેબલ આટલા નાના હોય તો લોકો વાંચી પણ શકતા નથી. તેના કારણે લોકો એવું માની જ લે છે કે આ દૂધમાંથી બનાવાયું છે, પરંતુ તેવું હોતું નથી.
આ અંગે ચેતવણી આપતા નિષ્ણાતોનું કહેવું છે કે વેજીટેબલ ઓઇલમાંથી બનતું પનીર કૃત્રિમ પનીર છે. તે ખુલ્લામાં બને છે. તેથી તેની પ્રક્રિયામાં કયા પ્રકારની સાવધાની દાખવવામાં આવે છે તે સ્પષ્ટ થતું નથી લોકો પનીર સમજી ઉપયોગ કરે છે, પરંતુ શરીરમાં ઓઇલ જતું હોય છે. આ પ્રકારના ફ્રોઝન ડેઝર્ટને સામાન્ય રીતે લોકો આઇસક્રીમ માને છે, પરંતુ વાસ્તવમાં તે ઓઇલ હોય છે. વાસ્તવમાં તે શરીર માટે નુકસાનકારક હોય છે. તેનાથી હાર્ટ અને લિવર પર અસર પડે છે. શરીર માટે આ પ્રકારના પદાર્થો હાનિકારક છે અને તે ઘણી બીમારીઓને નોતરે છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
