જૂનાગઢની સાવજ ડેરીનો વિવાદ કેડો મૂકતો હોય તેમ લાગતુ નથી. સાવજ કોઈની પાછળ પડી જાય અને તેનો કેડો મૂકે જ નહીં હવે તેવી સ્થિતિ હવે જાણે સાવજ ડેરીની જ થઈ છે. સાવજ ડેરીના આ વખતના વિવાદમાં ભાજપના જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભૂતપૂર્વ મહામંત્રી મેદાનમાં ઉતર્યા છે. ભાજપના માણાવદર તાલુકાના ભૂતપૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ આક્ષેપ કર્યો છે કે મારી સામે રાજકીય કિન્નાખોરી દાખવવામાં આવી રહી છે. આ બાબત સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે ડેરી સેક્ટરમાં હજી પણ રાજકીય ગરમાગરમી છે. તેની સાથે શાસક પક્ષની આંતરિક ખેંચતાણ પણ બહાર ઉભરીને આવી છે.
રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે સાવજ ડેરીમાં મેં કેટલીક બાબતોને લઈને સવાલ ઉઠાવ્યો હતો અને આ જાણે મોટી ભૂલ થઈ ગઈ હોય તેમ મારા પુત્રની પોલીસમાં બીજે બદલી કરાવી દેવામાં આવી હતી. મારા પુત્રને રાજકારણ સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. છતાં પણ મેં ઉઠાવેલા સવાલ પછી મારા પ્રત્યે પક્ષની અંદર જ રાજકીય કિન્નાખોરી દાખવવામાં આવી છે અને તેની કિંમત જાણે મારા પુત્રએ ભોગવવી પડી છે. મારા પુત્રની બદલી બાટવા પોલીસ સ્ટેશનમાંથી માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ બદલી માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના ઇશારે થઈ હોવાનો આક્ષેપ પણ રાજુ બોરખતરીયાએ કર્યો હતો.
આમ જૂનાગઢના ટાઢા પડેલા રાજકારણમાં ગરમી આવી છે તો ડેરી સેક્ટરનું ગરમાયેલું રાજકારણ વધુ ગરમાયું છે. ભાજપના આ ભૂતપૂર્વ મહામંત્રીનું સ્પષ્ટપણે કહેવું છે કે મારા પુત્રની કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નથી, પણ મારી સામેની રાજકીય કિન્નાખોરીના કારણે તેનો ભોગ લેવામાં આવી રહ્યો છે. આવું પહેલાં પક્ષના રાજકારણમાં ક્યારેય ન હતું. તેમણે જણાવ્યું હતું કે હું વ્યક્તિ પૂજામાં માનતો નથી. પક્ષના હોદ્દા પર જે હોય તેના આદેશને માનવો તે પક્ષનો નિયમ છે. પક્ષમાં એક શિસ્તબદ્ધ કાર્યકર તરીકે રહેવા અમે ટેવાયેલા છે. અમારે તો પક્ષના હોદ્દા પર જે વ્યક્તિ કહે તેનું માનવાનું હોય અને અમને સમજણ ન પડે તો તે હોદ્દા પરનો વ્યક્તિ અમને તે કઈ રીતે આ પ્રક્રિયા કરવી તે સમજાવતા હોય છે. અમારે ત્યાં આ સામાન્ય શિરસ્તો છે. હું પોતે ક્યારેય પાર્ટી લાઇનથી અલગ ચાલ્યો નથી. પક્ષના મેન્ડેટને હંમેશા માન આપ્યું છે. તેના કારણે તો પક્ષે મને મહામંત્રી સુધીના હોદ્દા પર પહોંચાડ્યો. મારા આ કાર્યોના કારણે મને પક્ષે આ સ્થાન આપ્યું હતું. હું અને મારા જેવા અનેક કાર્યકરો સ્વમાનથી રહેવા ટેવાયેલા છીએ. અમને પ્રજાનો અવાજ બનવાની તાલીમ પક્ષે ગળથૂથીમાંથી જ મળેલી છે. પછી અમે શાસક પક્ષમાં રહીએ કે વિપક્ષમાં તેનાથી ફેર પડતો નથી.
તેમણે જણાવ્યું હતું કે મેં જ્યારથી સાવજ ડેરીમાં અમુક બાબતો અંગે સવાલ કર્યા ત્યારથી મને તેનો એજન્ડા મોકલવાનું પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે. આ બતાવે છે કે કોઈને કોઈ બાબત એવી છે કે જેના કારણે મારી સામે રાજકીય કિન્નાખોરી દાખવવામાં આવી રહી છે. આમ હવે સાવજ ડેરી સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આક્ષેપો પછી હવે શાસક પક્ષની અંદરથી જ સૂર ઉઠવા લાગ્યા છે.
આ પ્રકારની બાબત અંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે અહીં સૌથી પહેલી વાત એ છે કે રાજુ બોરખતરીયા હાલમાં સાવજ ડેરીમાં ડિરેક્ટર નથી. તેથી સાવજ ડેરીની કાર્યવાહી અંગે તેમને કોઈ સવાલ કરવાનો અધિકાર જ નથી. હવે રહી તેમના પુત્રની વાત, તેમનો દીકરો અગાઉ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હતો. તે સમયે ત્યાં તે ભ્રષ્ટાચાર કરતાં પકડાયો હતો. તેના પગલે પોલીસ વિભાગે તેને સસ્પેન્ડ કર્યો હતો અને પછી તેની ગોધરા ખાતે બદલી કરવામાં આવી હતી. રાજુ બોરખતરીયાએ જ અમને આ વાત જણાવી હતી. હવે હાલમાં જે બદલી થઈ હોય અને ત્યાં થયેલી આ બદલી કોઈ તપાસ હેઠળ થઈ હોય તો તેની મને ખબર નથી. બાકી આ બધા અંગે હું કશું જાણતો નથી. આમ કહીને તેમણે રાજકીય કિન્નાખોરીના તેમની સામેના આક્ષેપોને ફગાવી દીધા હતા.
આમ દિનેશ ખટારિયા ટૂંકા સમયમાં ફરીથી વિવાદમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સાવજ ડેરી દ્વારા આપવામાં આવતા દૂધમાં કેમિકલ ભેળવવામાં આવતું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યા હતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ તેનો વળતો જવાબ પણ આપ્યો હતો અને ગોપાલ ઇટાલિયા પર અને તેમનો દોરીસંચાર કરનારા પર આકરા પ્રહારો કર્યા હતા.
આમ હજી આ મુદ્દો શાંત પડ્યો નથી ત્યાં હવે શાસક પક્ષની અંદરથી જ દિનેશ ખટારિયાનું નામ લઈને અને ધારાસભ્ય અરવિંદ લાડાણીનું નામ લઈને તેમના પર પ્રહારો કરવામાં આવ્યા છે. આ ઘટના બતાવે છે કે સાવજ ડેરીમાં સાવજની જેમ વિવાદનો ઘૂઘવાટ ચાલું જ રહેવાનો છે. આગામી દિવસોમાં આ વિવાદો મોટી ગર્જના બનીને બહાર આવે તો આશ્ચર્ય ન થવું જોઈએ.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
