ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને હજી અઢી વર્ષની વાર છે, પરંતુ તંત્ર જે પ્રકારને નિષ્ક્રીય છે તેના કારણે ભાજપના ધારાસભ્યો અત્યારથી જ અકળાવા લાગ્યા છે. તેઓ ચિંતિત થઈ ઉઠ્યા છે, તેમને ડર છે કે તંત્રની નબળી કામગીરીનું ઠીકરું અમારા માથે જ ફોડવામાં આવશે. તેના કારણે હવે શાસક પક્ષના વર્તમાન ધારાસભ્યો વિપક્ષના બદલે પોતે જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે. આજે તેઓ પોતાની જ સરકારને ઘેરવામાં લાગી ગયા છે. બીજાની નિષ્ક્રિયતાના દોષનો ટોપલો પોતાના માથે ન આવે અને આગામી ચૂંટણીમાં પણ તેમની સાથે વિસાવદરવાળી ન થાય તેવી તેમની ચિંતા છે.
વિસાવદરમાં ભાજપનું આટલું મોટું પ્રચારતંત્ર હોવા છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી હતી, હવે ભાજપના આ ધારાસભ્યોને લાગી રહ્યુ છે કે આ તો જાણે એક રીતે ઇતિહાસનું જ પુનરાવર્તન થઈ રહ્યુ છે. એક સમયે ભાજપ પોતે આ રીતે શાસનવિરોધી મતો મેળવતુ હતુ, તેથી તેના ધારાસભ્યોને ખબર છે કે એક વખત ટોચ આવ્યા પછી તળિયું આવતા વાર પણ નહીં લાગે, જે તેમણે 2017ની ચૂંટણીમાં જોઈ લીધું હતું.
ગુજરાતની પ્રજાએ શાસક પક્ષને 2017ની ચૂંટણીમાં તળિયાનો અને 2022ની ચૂંટણીમાં ટોચનો અનુભવ કરાવ્યો હતો. તેથી હવે પ્રજા આગામી ચૂંટણીમાં કોઈપણ પ્રકારનો જાકારો આપે તે પહેલા વર્તમાન ધારાસભ્યોએ પાળી પહેલાં પાળ બાંધવાનો અત્યારથી જ પ્રારંભ કરી દીધો છે. તેઓએ પ્રજાના પ્રશ્નોને સ્થાનિક સ્તરથી લઈને ટોચના સ્તર સુધી ઉઠાવવા માંડ્યા છે. તેનો ઉકેલ ન આવે તો તે અમલદારોને ધમકાવવા સુદ્ધા અને તેમને અપશબ્દો બોલવા સુધી પણ નીચે ઉતરી જાય છે.
આ ઉપરાંત જો સ્થાનિક તંત્ર તેમની વાત કાને ન ધરે તો છેવટે તેઓ તેને લઈને મીડિયા સમક્ષ લઈ દોડી જાય છે. તાજેતરમાં જે રીતે મનસુખ વસાવા મનરેગા કૌભાંડને લઈને મીડિયા સમક્ષ દોડી ગયા, તે આનું ઉદાહરણ છે. તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે મનરેગા કૌભાંડમાં ભાજપ કે કોંગ્રેસ બધા રૂપિયા ખાય છે. છેક ગાંધીનગરથી વહીવટ થાય છે. આનાથી મોટી હવે બીજી વાત જ શું હોઈ શકે કે શાસક પક્ષનો જ ધારાસભ્ય કહે કે મનરેગા કૌભાંડમાં શાસક-વિપક્ષની મિલીભગત એટલે કે ગાંધીવૈદ્યનું સહિયારું છે. હવે મનસુખ વસાવાએ કહેલી વાતના કારણે શરૂ થયેલા વિવાદના વમળ શાંત થયા નથી ત્યાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ લેટર બોમ્બ ફોડ્યો છે.
અનામત આંદોલનમાં સરકારને ઝૂકાવી દેનારા ભાજપના વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલ વિરમગામના સ્થાનિક તંત્રની નિષ્કાળજીથી તોબા પોકારી ગયા છે. સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે તેમણે છેવટે સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખવાની ફરજ પડી છે કે તંત્રને સખણુ રાખો, પ્રજાના કાર્યો કરવામાં આવે, કંઈ નવું ન થાય તો કંઈ નહીં પણ રસ્તા પર પડતા ખાડા, પીવાના પાણીની સમસ્યા, ચોમાસામાં પાણી ભરાવવાની સમસ્યા, ગટરની સમસ્યા જેવા મૂળભૂત પ્રશ્નોનું તો નિરાકરણ કરાય.
સુરતના જ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી તંત્ર સામે બાંય ચઢાવવા માટે આમ પણ જાણીતા છે. તેમણે હવે ફરીથી પોતાની જ સરકાર સામે બાંયો ચઢાવી છે. તેમણે જણાવ્યું હતું કે ખાડીમાં પૂરના પાણી કાયમ ચોમાસા વખતે ભરાય છે અને સુરતના સ્થાનિક વિસ્તાર અડધા ડૂબી જાય છે. હવે આ સમસ્યાનો સરકાર ઉકેલ નહીં લાવે તો તેઓ પોતે પણ તેની સામેનાં આંદોલનમાં જોડાશે. આ વખતે સુરતમાં ખાડીના પૂરની સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા, કુમાર કાનાણીએ પોતે પણ તે જોયું હતું.
ફક્ત કુમાર કાનાણી જ નહીં સુરતના ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે પણ તંત્ર પર હપ્તાખોરીનો આક્ષેપ કર્યો છે. તેમણે રીતસર આ માટે પત્રકાર પરિષદ યોજીને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેના કારણે પત્રકારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા, સામાન્ય રીતે તેઓ આ પ્રકારના પ્રહારોની આશા વિપક્ષના ધારાસભ્યો પાસેથી રાખતા હોય છે. અહીં તો શાસક પક્ષના નેતાઓ જ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ગરીબ કારીગરો પાસેથી લૂંટારુ ટોળકીઓ દાદાગીરી કરીને રૂપિયા ઉઘરાવી રહી છે અને તંત્ર ચૂપ છે તેવો દાવો તેમણે કર્યો હતો. તેની સાથે તપેલા ડાઇંગ મિલો સામેની તંત્રની નિષ્ક્રીયતાને લઈને પણ તેમણે જાહેરમાં બળાપો ઠાલ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારો વિસ્તાર ગરીબો અને શ્રમજીવીઓનો હોવાથી અમારી સાથે ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યુ છે.
બધાને આશ્ચર્ય એ વાતનું થઈ રહ્યુ છે કે આ જ ધારાસભ્યોને હમણા સુધી તંત્રનો ભ્રષ્ટાચાર દેખાતો ન હતો, પરંતુ વિસાવદરમાં હવે તેમને પક્ષનો બધો ભ્રમ ભાંગી ગયો છે. તેમને લાગી રહ્યુ છે કે તેમની સીટ હવે તેમણે જ બચાવવી પડશે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ગીરમાં એક પછી એક સિંહોના મોત થવા લાગતા વનમંત્રીને પત્ર લખીને તેના માટેના કારણો પર પ્રકાશ પાડવા જણાવ્યું છે. તેમનો દાવો છે કે વનવિભાગની બેદરકારીએ સિંહોના ભોગ લીધા છે. ગીરમાં સિંહો માટે પીવાના પાણીના સરખા સ્થળો પણ નથી, તેમની વસ્તીના પ્રમાણમાં સ્થળો અપૂરતા છે. તેમણે સિંહોના મોત મામલે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા માંગ કરી છે. આવી જ માંગ અમરેલીના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ કરી છે. તેમણે શેત્રુંજી અને પાલીતાણમાં સિંહોના થતાં મોત અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે વનવિભાગની કામગીરી સંતોષજનક નથી. જો વનવિભાગને વાઇરસ અંગે ખબર હતી તો પછી તેણે બાળસિંહોની સલામતી માટે કેમ પગલાં ન લીધા.
આ અગાઉના ભાજપના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ શહેરના મામલતદાર અને ચીફ ઓફિસરની આકરી ઝાટકણી કાઢી હતી. તે ઝાટકણી કાઢીને જ અટક્યા ન હતા, પરંતુ ગાળાગાળી પણ કરી હતી. તેની સાથે પાલિકાના ભંગાર વેચાણમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
બીજી બાજુ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પોતાના વિધાનસભા મતવિસ્તારમાં જણાવી જ દીધું છે કે કોઈપણ સરકારી અધિકારી લાંચ માંગે તો સરકારી કામ માંગે રૂપિયા માંગે તો મારી પાસે આવો. આ પહેલા ભાજપના જૂના જોગી ગણાતા વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જમીન મહેસૂલમાં થતાં ભ્રષ્ટાચાર સામે કલેક્ટર કોઈ કાર્યવાહી જ કરતાં નથી.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તો પોતે જ મોડાસાના સિંચાઈ ખાતાની બોગસ કચેરીમાં લોકોને સાથે લઈને રેડ કરી હતી અને બોગસ અધિકારી પકડ્યા હતા. ધારાસભ્યની આ સક્રિયતાથી પ્રજા પણ ખુશ થઈ હતી. સાવલીના જ ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપ કર્યો હતો કે વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસાડી દેવાયા છે અને વચેટિયાઓને તંત્ર છાવરી રહ્યુ છે. તેના પગલે તંત્રએ તપાસ બેસાડવાની ફરજ પડી હતી.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીનો આક્ષેપ હતો કે સરકારી હોસ્પિટલોમાં એક્સરે મશીનો ધૂળ ખાય છે અને અધિકારીઓ પણ ફીફા ખાંડે છે. જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જાતે જ સરકારી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને દાવો કર્યો હતો કે સરકારી હોસ્પિટલોમાં અપેક્ષા મુજબની સારવાર જ મળતી નથી.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
