MANTAVYA Vishesh/ જૂનાગઢમાં આશ્રમ સિરીઝ રોકાતી નથી, મયારામ આશ્રમનો વિવાદ

OTT પર આવેલી આશ્રમ સીરીઝ ગુજરાતમાં જાણે હકીકત બની રહી છે. OTT પર તો આશ્રમ સીરિઝના માંડ બે પાર્ટ આવ્યા, પરંતુ જૂનાગઢમાં તો જાણે આશ્રમની તો આખી સીરિઝ જ ચાલુ થઈ ગઈ છે. આનંદ આશ્રમના વિવાદને માંડ મહિનો થયો છે, ભવનાથ મંદિરનો વિવાદ ચાલુ છે અને ત્યાં વહીવટદાર નીમવાની ફરજ પડી છે ત્યાં હવે મયારામ આશ્રમનો વિવાદ બહાર આવ્યો છે.

Mantavya Vishesh

OTT પર આવેલી આશ્રમ સીરીઝ ગુજરાતમાં જાણે હકીકત બની રહી છે. OTT પર તો આશ્રમ સીરિઝના માંડ બે પાર્ટ આવ્યા, પરંતુ જૂનાગઢમાં તો જાણે આશ્રમની તો આખી સીરિઝ જ ચાલુ થઈ ગઈ છે. આનંદ આશ્રમના વિવાદને માંડ મહિનો થયો છે, ભવનાથ મંદિરનો વિવાદ ચાલુ છે અને ત્યાં વહીવટદાર નીમવાની ફરજ પડી છે ત્યાં હવે મયારામ આશ્રમનો વિવાદ બહાર આવ્યો છે.

આ આશ્રમમાં આટલા સમય સુધી ક્યાંય કોઈ તકલીફ ન હતી. આ આશ્રમ શહેરીજનોમાં શાંતિ અને સેવાનું પ્રતીક ગણાતો હતો. દુઃખીયાઓ અને ભૂખ્યાઓનો તે વિસામો ગણાતો હતો, હવે આ જ શાંતિના અને વિસામાના પ્રતીક સમા આશ્રમમાં વિવાદનો મધપૂડો છેડાયો છે. હવે વિવાદ થાય ત્યાં વિખવાદ પણ આપોઆપ આવી જ જાય છે.

આશ્રમના આચાર્ય અને ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ મોટો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ઓળખતા ન હોવા છતાં પણ અન્ય ટ્રસ્ટીઓએ તેમને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટમાં નીમ્યા છે. હવે તુલસીદાસ બાપુ અત્યાર સુધી ક્યાંય કોઈ વિવાદમાં પડેલા નથી અને તેમણે સેવાનો ભેખ ધારણ કર્યો છે ત્યારે તેમના આક્ષેપના કારણે આખા જૂનાગઢમાં સનસનાટી મચી ગઈ છે. ગિરીશ કોટેચા જૂનાગઢમાં આમ પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ મનાય છે. તેમા પણ જૂનાગઢમાં ભવનાથ વિવાદમાં પણ મહેશગીરીએ તેમનું નામ ઉછાળ્યું હતું અને તેમને હરિગીરીના સાથીદાર કહીને આકરી ટીકા કરી હતી.

તુલસીદાસ બાપુનો આક્ષેપ છે કે ગિરીશ કોટેચા આશ્રમમાં પાછલા બારણેથી ટ્રસ્ટી મંડળમાં ઘૂસી ગયા છે. જ્યારે ગિરીશ કોટેચાનો દાવો છે કે હું નિયમ મુજબ જ ટ્રસ્ટી બન્યો છું, મારે પાછલા બારણેથી ઘૂસવાની કોઈ જરૂર નથી. મેં એવા કોઈ કામ જ કર્યા નથી કે મારે પાછલા બારણેથી ઘૂસવું પડે. તુલસીદાસ બાપુનો આરોપ છે કે તેની મંજૂરી કે સંમતિ વગર નવા ટ્રસ્ટીઓના નામ ઉમેરી દેવામાં આવ્યા છે. નવા ટ્રસ્ટીઓના નામ ઉમેરવા માટે જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નથી. આથી તેઓ આગામી દિવસોમાં કલેક્ટર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવાના છે.

આશ્રમના વર્તમાન ટ્રસ્ટી અને એડવોકેટ હસમુખભાઈ ત્રિવેદીએ તુલસીદાસ બાપુના આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે હું પોતે એડવોકેટ હોવાથી નિયમ વિરુદ્ધ કશું થવા ન દઉં. તેથી તુલસીદાસ બાપુની વાતમાં કોઈ દમ નથી. ગિરીશ કોટેચાની નિમણૂક ટ્રસ્ટના ઠરાવ મુજબ અને સત્તાવાર ઠરાવ સાથે કરવામાં આવી છે. આ પ્રકારની નિમણૂક અચાનક થઈ નથી. દસમાંથી આઠ ટ્રસ્ટીઓની મંજૂરી પછી તેમને ટ્રસ્ટમાં સ્થાન મળ્યું છે. આમ ગિરીશ કોટેચાની નિમણૂક માટે બધા જ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે, આ બધુ જ પાછું ટ્રસ્ટના બંધારણ મુજબ થયું છે અને તેના માટે સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે.

તુલસીદાસ બાપુ તે સમયે ટ્રસ્ટી ન હોવાના કારણે તેમની મંજૂરી કે સહી લેવામાં આવી ન હતી. આ અંગે ચેરિટેબલ કમિશ્નરને પણ રજૂઆત કરવામાં આવી છે. આમ અહીં કાયદાકીય જોગવાઈઓના ભંગનો સવાલ ક્યાંય આવતો નથી. આશ્રમના વિકાસ માટે એક કરોડથી પણ વધારે રકમ ખર્ચાઈ ચૂકી છે. તેમા નવા ડાઇનિંગ હોલ, વિદ્યાર્થીઓ માટેના આવાસ સહિતની અનેક સગવડોનો સમાવેશ થાય છે.

આની સામે તુલસીરામ બાપુનું કહેવું છે કે નવા ટ્રસ્ટીઓ નિયમોનું પાલન કરી રહ્યા નથી. નિયમોને નેવે મૂકી રહ્યા છે. આશ્રમમાં શાળાઓ બનાવાઈ રહી છે, વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાઈ રહી છે, વાસ્તવમાં આ પગલું તે ટ્રસ્ટના મૂળભૂત હેતુઓનો ભંગ છે. નવા સામેલ ટ્રસ્ટીઓની ગેરરીતિના કારણે મુખ્ય ટ્રસ્ટીએ આ નવા ટ્રસ્ટીઓને ટ્રસ્ટમાંથી દૂર કરવા કોર્ટમાં કેસ પણ કર્યો છે. તેમનું કહેવું છે કે ટ્રસ્ટના નિયમોનો ભંગ કરનારને ટ્રસ્ટમાંથી દૂર કરવામાં આવે.

આશ્રમમાં પહેલા અનાથ, નિરાધાર અને ગરીબ બાળકોને વિના મૂલ્ય રહેવાની, જમવાની અને ભોજનની સગવડ હતી. હવે સ્થિતિ બદલાઈ છે. હવે રીતસરના આ ગરીબ બાળકો પાસેથી પણ રૂપિયા પડાવાય છે, જેના લીધે ગરીબોનો આશરો મનાતા મયારામ આશ્રમની છબી ખરડાઈ છે.  તેના કારણે તેના પર નભતા ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી છે. એક સમય હતો જ્યારે અહીં સોએક જેટલા વિદ્યાર્થી આવતા હતા, હવે માંડ 25થી 30 વિદ્યાર્થી આવે છે.

તુલસીદાસ બાપુનું કહેવું છે કે ટ્રસ્ટના બંધારણમાં જ લખ્યું છે કે ટ્રસ્ટમાં કોઈપણ નિમણૂક થાય તો સર્વસંમતિથી થાય, એટલે કે ટ્રસ્ટના દસ ટ્રસ્ટી હોય તો બધાની સંમતિ જોઈએ, જો કોઈ એકપણ સંમતિ ન આપે તો અહીં નિમણૂક જ ન થાય. તેઓ પોતે જ કહે છે કે દસ ટ્રસ્ટીમાંથી આઠે મંજૂરી આપી છે. અમે પણ કહીએ છીએ કે બધાની સંમતિ કેમ ન લેવાઈ.

મયારામ ટ્રસ્ટના બીજા બે ટ્રસ્ટી કાંતિભાઈ મહેતા અને બોરદેવીના મહંત રામનારાયણ દાસ પણ આ વિવાદમાં તુલસીદાસના પક્ષે છે. તેઓનું કહેવું છે કે તુલસીદાસ બાપુ સહિત અમે બધા ગિરીશ કોટેચાને ઓળખતા પણ નથી, તેઓ આ રીતે ક્યાંથી આવી ગયા તેનું અમને પણ આશ્ચર્ય છે. તેથી તેમની આ પ્રકારની નિમણૂક સાથે અમે સંમત ન હોવાથી કોર્ટમાં ગયા છીએ. ગિરીશ કોટેચાની આ પ્રકારે નિમણૂક રીતસરની મનમાની જ છે અને આશ્રમ જેવી ગરીબોને ઉપયોગી વસ્તુના સંચાલનમાં કોઈની પણ મનમાની ન ચલાવી લેવાય. તેમા સર્વસંમતિ જ જોઈએ. અમે તેને કાયદાકીય રીતે પડકારી જ રહ્યા છીએ અને આ અંગે કલેક્ટર તથા ચેરિટી કમિશ્નરને પણ લેખિત રજૂઆત કરવાના છીએ.

આશ્રમના કેટલાક સૂત્રોનું કહેવું છે કે ગિરીશ કોટેચાનું ભવનાથ મંદિરમાંથી પત્તુ કપાયુ ત્યારથી તે કોઈ મંદિર કે આશ્રમમાં આ રીતે ઘૂસવા માંગતા હતા, તે તક હવે તેમને મયારામ આશ્રમમાં મળી ગઈ લાગે છે. પોલુ જોઈ ઢોલ વગાડે, તેમ કોટેચા મયારામ આશ્રમમાં ઘૂસી ગયા છે.

આમ આગામી દિવસોમાં ભવનાથ મંદિરમાં સરકારી વહીવટદાર આવી ગયા તો આશ્રમમાં પણ વિવાદના કારણે તંત્ર આવો જ કોઈ નિર્ણય લેશે તો આશ્ચર્ય નહીં થાય. આમ જૂનાગઢમાં આશ્રમ તેટલી આશ્રમ સિરીઝ બની રહી હોય તેમ લાગે છે. કોટેચા જેવા રાજકારણીને પણ આશ્રમમાં રસ પડ્યો ત્યારે કેટલાય કહે છે કે આશ્રમો પાસે પુષ્કળ જમીન હોય છે, તેથી હવે રાજકારણીઓની નજર તેના પર છે. આ તો હજી શરૂઆત છે. ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક આશ્રમ સિરીઝ જોવા મળશે તો આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો