MANTAVYA Vishesh/ ‘MLA GUJARAT’ ની ગાડીનો પાવર, તંત્રના ચમરબંધીને પણ નહીં છોડાય તે દાવાને પડકાર

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જ લગાવેલા આવા સત્તાના મદમાં આંધળા બનેલાએ ઉખેડી નાખ્યુ હતુ. ‘MLA GUJARAT’ લખેલી ગાડી માટે આખુ બોર્ડ ઉખેડી નાખવામાં આવ્યું છે. સત્તાના મદમાં પાર્કિંગ માટે જાહેર સંપત્તિનો ધરાર વિધ્વંસ કરવામાં આવ્યો છે.

Mantavya Vishesh

સત્તા મળ્યા પછીની સૌથી પહેલી ફરજ શાસકની વિનમ્રતા છે. આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્યના ટોચના શાસકો જે સિદ્ધાંતનું ચુસ્ત રીતે પાલન કરી રહ્યા છે તેનું જ પાલન કરતાં તેમના હાથ નીચેના લોકોને જબરદસ્ત જોર આવતું લાગે છે. ચા કરતાં કિટલી વધુ ગરમ હોય તે ન્યાયે મુખ્ય શાસકો કરતાં તેમના હાથ નીચેના લોકોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે જાણે તે જ સર્વસત્તાધીશ હોય છે તે રીતે વર્તે છે.

રાજકોટમાં સત્તાનું આવું જ અભિમાન અને સત્તાનો મદ કોને કહેવાય તેનો વિડીયો તેજીથી વાઇરલ થયો છે. સત્તાનો આ મદ રાજકારણી કરતાં તેમના મળતિયા અને સમર્થકો પર એવો જ ચઢી જાય છે કે તે પોતાના જ તંત્રની પરવા કરતા નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જ લગાવેલા આવા સત્તાના મદમાં આંધળા બનેલાએ ઉખેડી નાખ્યુ હતુ. ‘MLA GUJARAT’ લખેલી ગાડી માટે આખુ બોર્ડ ઉખેડી નાખવામાં આવ્યું છે. સત્તાના મદમાં પાર્કિંગ માટે જાહેર સંપત્તિનો ધરાર વિધ્વંસ કરવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર મર્સીડીઝ કાર ચાલકે (કાર નંબર GJ 18 BJ 6763) આ પ્રકારની દાદાગીરી કરે છે, આમાનું કશું ચોરીછૂપીથી કર્યુ નથી. ગાડી પાર્ક કરવા માટે બોર્ડ તોડતા શખ્સનો વિડીયો પણ વાઇરલ થઈ ગયો છે. હવે સત્તાના મદમાં આંધળા બનેલા સામે પોલીસ કાર્યવાહી કરશે ખરી, આ ગાડી પર ‘MLA GUJARAT’ લખેલું સ્પષ્ટ વાંચી શકાય છે.

એકબાજુએ પીએમ પોતાનો પ્રધાન સેવક કહેવડાવે છે અને સીએમ પોતાને કોમન મેન કહેવડાવે છે ત્યારે લોકોની કૃપાથી માંડ-માંડ MLA  બનેલાના સમર્થકનો આ પાવર તો જુઓ. ભાદરવાના ભીંડાની જેમ ફૂટી નીકળેલા આજકાલના આ ધારાસભ્યના સમર્થકોને પ્રજા જો બે પ્રશ્ન પૂછે તો ધોતિયા ઢીલા થઈ જાય છે, પણ પાવર બતાવવો છે. પ્રજાના કાર્યો કર્યા વગર પીએમ અને સીએમના નામે ચરી ખાતા આવા ધકેલપંચા દોઢસો જેવા ધારાસભ્યના સમર્થકોની માનસિકતા અંગે તંત્ર શું કહેશે. ગુજરાતની પ્રજા સત્તાના મદમાં અંધ બનેલા આ પ્રકારના રાજકારણીઓની સાથે-સાથે તેમના સમર્થકો અને તેની ફોજને ક્યાં સુધી વેઠશે.

આ પ્રકારના લોકોની મર્સીડીઝથી લઈને તેમા ચાલતા ઇંધણનું બિલ પણ ગુજરાતની જ પ્રજાના માથે નહીં ફાટતું હોય તેની શું ખાતરી. રામના નામે જેમ પથરા તરી જાય તેમ પીએમ અને સીએમના નામે તરી જતાં આવા પથરાઓ ગુજરાતના પ્રજાના લમણે વાગે છે અને તેની પીડા પણ ગુજરાતની પ્રજાએ જ વેઠવી પડે છે.

આ વિડીયો જોઈને તો એમ જ લાગે છે કે આ કારચાલક તેનો પાવર ક્યાં બતાવવો તેની ફિરાકમાં હશે, છેવટે કશું જ નહીં તો જાહેર રસ્તા પર આ પ્રકારને બોર્ડ તોડીને પાવર બતાવ્યો. જાહેર મિલકતને આ પ્રકારનું નુકસાન કરવાનો અધિકાર આ શખ્સને કોણે આપ્યો. કયા અધિકારની રૂએ તેણે આ કામ કર્યુ. તેની પાસે એવી તે કેવી સત્તા આવી ગઈ કે તે આ પ્રકારનું કામ કરવાની હિંમત કરી શક્યો.  કોઈ સામાન્ય માનવી બિચારો ટ્રાફિક સિગ્નલ પર જરા આગળ આવી જાય તો સીધો મેમો ફાટી જાય છે અને તેણે ખિસ્સા ખાલી કરવા પડે છે. બીજી બાજુએ સત્તાના મદમાં આ રીતે બેફામ થઈને ફરનારાના વિડીયો વાઇરલ થાય છે તો પણ તંત્ર કશું કરતું નથી. તેની ધરપકડની વાત તો બાજુએ રહી તેને હજી સુધી દંડ પણ કરવામાં આવ્યો નથી. આ તો સામાન્ય પ્રજા જાણે સત્તાધીશોનો પાવર સહન કરવા માટે હોય તેવી વાત થઈ.

નાના ગુનેગારોના વરઘોડા કાઢતી પોલીસ આ રીતે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાનો વરઘોડો કેમ કાઢતી નથી. શું પેલા ચોર ગરીબ છે અને સામાન્ય છે, જયારે આ ગુનેગાર પાસે મર્સીડીઝ છે, એટલો જ ફરક છે. આ ગુનેગાર પાસે MLA Gujarat લખેલી ગાડી છે એટલે તેને કંઈપણ કરવાનો અધિકાર મળી જાય. આજે તેણે બોર્ડ તોડ્યું છે અને તંત્રએ તેની સામે કોઈ કાર્યવાહી કરી નથી. હવે કાલ ઉઠીને તે આ જ ગાડી વડે લોકોને કચડી પણ નાખશે ત્યારે પણ તંત્ર ચૂપચાપ બેસી રહેશે, તેની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તે મોટો સવાલ છે.

કેટલી આશ્ચર્યની વાત છે કે નાના ગુનેગારો, લુખ્ખા તત્વો અને અસામાજિક તત્ત્વો આ બધાના જાહેરમાં સરઘસ કાઢવામાં આવે છે. પ્રજા તેને આવકારે પણ છે, પણ ધારાસભ્યના નામે બેફામ બનીને કે છાકટા થઈને ફરતા લુખ્ખા તત્વોની સામે તંત્ર કેમ નિરુપાય બની જાય છે. તંત્રને શું આ તત્વોની રાજકીય ઓથનો ડર લાગે છે કે તંત્રની ઉપર આ તત્વો સામે કાર્યવાહી જ ન કરવી તે માટે ઉપરથી જ લગામ કસાયેલી છે, તંત્રને કોઈ લક્ષ્મણરેખા દોરી આપવામાં આવી છે કે મોંઘી ગાડીઓમાં ફરતા અને શાસક પક્ષનું સમર્થન ધરાવતા હોય તેવા લુખ્ખા તત્વો સામે કોઈ કાર્યવાહી નહી કરવાની, પણ જેને તેનું સમર્થન ન હોય તેની સામે કાર્યવાહી કરવાની.

તાજેતરમાં જ સુરેન્દ્રનગરના કૌભાંડના કેસમાં છેક દિલ્હીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે આવીને રેડ પાડવી પડી, હવે આ તત્વો માટે પણ છેક દિલ્હીથી કોઈ દોડતું આવશે તો જ કાર્યવાહી થશે. સ્થાનિક સ્તરે તંત્ર ક્યાં સુધી તેની સામે આંખ મીચામણા કરતુ રહેશે. જાહેર સંપત્તિને આ રીતે નુકસાન પહોંચાડતા લુખ્ખા તત્વનો વિડીયો વાઇરલ થવાના પગલે રાજકોટની પ્રજાનો આક્રોશ ચરમસીમાએ છે. આ પ્રજા સવાલ પૂછી રહી છે કે ચમરબંધીને પણ નહીં છોડાય તેવા દાવા કરતું તંત્ર આવા કાલના ભાદરવાના ભીંડાની જેમ ફૂટી નીકળેલા ગુનેગારો સામે ચૂપ કેમ છે.

અહીં તો આ શખ્સે જાહેરમાં આ પગલું ભરીને ખરેખર તત્રને જ પડકાર ફેંક્યો છે કે લો તમારું બોર્ડ જાહેરમાં ઉખાડી નાખ્યુ, તમારાથી થાય તે કરી લો, તમારા સીસીટીવી ફૂટેજમાં આ નોંધાઈ પણ ગયુ. તમારી તાકાત છે મારી સામે પગલાં ભરવાની, તાકાત હોય તો ભરો. તંત્ર હવે તેની સામે ફેંકવામાં આવેલા પડકારનો જવાબ કઈ રીતે આપે છે તેના પર આખા રાજકોટની જ નહીં ગુજરાતની પણ નજર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો