‘જેન ઝી’, નવી જનરેશનને અપાયેલું નામ છે. યુવાનોની વર્તમાન પેઢીને લોકો આ નામે ઓળખે છે. હવે યુવાનોની વર્તમાન પેઢી વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરી રહી હોવાનું કેટલાક અભ્યાસમાં જણાવાયું છે. આ અભ્યાસના તારણો પણ ચોંકાવનારા આવ્યા છે અને તેમા કહેવામાં આવ્યું છે કે જેન ઝીમાં દારૂના સેવનનું પ્રમાણ વધ્યું છે.
આ પહેલાના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે જેન ઝી એકદમ હેલ્થ કોન્સિયસ છે. આરોગ્ય પર ખાસ ધ્યાન આપે છે, નિયમિત રીતે જિમમાં જાય છે, કસરત કરે છે અને યોગાભ્યાસ કરે છે, પૂરતું વાંચન કરે છે એકદમ સામાજિક અને મળતાવડી છે. મિત્રો,સગાસંબંધીઓ સાથે પ્રેમથી હળેમળે છે તેવા તારણોને લીધે લાગતું હતું કે યુવા પેઢી યોગ્ય માર્ગે છે.
પણ ગયા વર્ષથી ચાલુ વર્ષના અભ્યાસમાં જણાયું છે કે નવી પેઢીમાં દારૂના સેવનના પ્રમાણમાં સાત ટકા જેટલો નોંધપાત્ર વધારો થયો છે. આ નવા અભ્યાસના તારણોએ સમાજશાસ્ત્રીઓને પણ ચોંકાવી દીધા છે. તેનું કારણ એ છે કે નશો જો એક વખત શરૂ થાય તો એકથી બીજા નશા તરફ વળતા વાર લાગતી નથી. નવી પેઢીમાં થયેલા દારૂના સેવનના વધારા પાછળના પરિબળો પર પણ હવે ચર્ચા થવા લાગી છે. તેમા એક પરિબળ તો મળતાવડી કહેવાતી આ પેઢી એકલાપણુ અનુભવતી હોવાનું કહેવાય છે. હાલના સમયમાં દરેક ઘરમાં બે પણ નહી માંડ એક સંતાન હોય છે. માબાપ નોકરીમાં વ્યસ્ત હોય છે. તેથી આ પેઢી પાસે તેમની સાથે વાતચીત કરનારાથી લઈને તેમની વાતચીત સાંભળનારું કોઈ હોતું નથી. આ સામાજિક એકલતાના કારણે તેઓ દારૂના સેવન તરફ વળ્યાં હોવાનું કહેવાય છે.
આ એકલતાએ તેમને ડીપ્રેશનમાં મોકલી દીધા હોવાનું પણ માનવામાં આવે છે. મિત્રો અને સગાસંબંધીઓ તો હોય છે, પરંતુ આ પેઢીના તેમના પોતાના ઘરમાં તેમની સાથે વાત કરનારું કોઈ હોતું નથી. તેની પાસે સવાલ એ હોય છે કે તે તેની મૂંઝવણ લઈને ક્યાં જાય, આ પ્રકારે પરેશાન કરતી મૂંઝવણ તેને આ માર્ગે લઈ ગઈ હોવાનું સમાજશાસ્ત્રીઓ કહે છે. આ સિવાય આ પેઢી કોરોના જેવી મહામારી પહેલી જ વખત જોઈ છે, તેની સાથે સંબંધોમાં સ્થિરતાના અભાવે પેઢીને માનસિક રીતે અસ્થિર કરી દીધી છે.
તેઓ આ પ્રકારની વિવિધ અસ્થિરતાઓથી છૂટકારો મેળવવા શાંતિની શોધમાં દારૂના સેવન તરફ વળ્યા હોવાનું માનવામાં આવે છે. જો કે તેમના જેન ઝીના દારૂના સેવનના પ્રમાણમાં થયેલો વધારો ચિંતાજનક નથી, પરંતુ તે દિશામાં વળવાનો પ્રારંભ થઈ ચૂક્યો હોવાનું મનાય છે.
કેટલાકનું કહેવું છે કે આ પેઢી વેલનેસ કલ્ચરથી અને કદાચ વધુ પડતી હેલ્ધી લાઇફસ્ટાઇલથી પણ કંટાળી ગઈ છે. તેમને આ બધુ કદાચ વધારે પડતું લાગી રહ્યુ છે. તેમા પણ જાણીતી હસ્તીઓથી લઈને કેટલાય લોકોના જિમ કરતાં-કરતાં થયેલા મોતના કારણે તેમનો જિમ પરથી પણ વિશ્વાસ હચમચી ઉઠ્યો હોવાનું ઘણા લોકો કહે છે. આમ વેલનેસ કલ્ચરના રુટિનથી તેઓ બોર થઈ ગયા હોવાનું પણ માનવામાં આવે છે. જો કે આ પેઢી કંઈ એક જ બ્રાન્ડ પૂરતી મર્યાદિત રહેતી નથી કે કાયમ માટે તે એક જ બ્રાન્ડ પીવે તેવું પણ નથી. તેઓ જુદી-જુદી બ્રાન્ડ પર તેમનો હાથ અજમાવતી રહે છે. તેમનો ટેસ્ટ પણ સતત બદલાતો રહે છે. તેમને અવનવી બ્રાન્ડના પ્રયોગો કરવા પણ ગમે છે.
આમ છતાં જેન ઝી હવે નશાકારક પદાર્થ તરફ વળી તે બાબત ઘણી ચિંતાજનક માનવામાં આવે છે. કદાચ નવી પેઢીના આ વલણથી દારૂ ઉત્પાદકો ખુશ થાય, પરંતુ સમાજશાસ્ત્રીઓ તેને ચેતવણીનો સંકેત માને છે. આપણે ત્યાં હજી પણ કેટલાય વિસ્તારોમાં દારૂનું કલ્ચર નથી. જો કે આ પેઢી કમસેકમ પબમાં બેસીને પીવામાં માને છે, પણ મોડી રાત સુધી ફક્ત દારૂ જ પી-પી કરવો તેવું કંઈ તેનું વલણ નથી, પણ તે કદાચ વર્તમાન સંજોગોથી થોડી માનસિક રાહત મેળવવા માંગે છે.
જો કે આ ઉપરાંત જેન-ઝી અંગે બીજો ચોંકાવનારો દાવો એવો પણ કરવામાં આવ્યો છે કે આ પેઢી પ્રમાણમાં ઓછું જોખમ લે છે. પછી તે સંબંધો હોય, સેક્સ હોય, ડ્રગ્સ હોય કે અન્ય નવો નશો હોય કે સિગારેટ હોય. તેમા અગાઉની પેઢીની તુલનાએ જોખમ લેવાનું પ્રમાણ ઘટ્યું છે. ટૂંકમાં તેનો અભિગમ પ્રમાણમાં સંતુલિત છે. તે ઓછા જોખમે વધુ વળતર મેળવવા માંગે છે. તેનો અભિગમ પણ સ્થિતિસ્થાપક છે. કોરોનાએ આ પેઢીની આખી વિચારસરણી બદલી નાખી છે, તેથી તે વધુને વધુ પ્રમાણમાં ભવિષ્યનો વિચાર કરવાના બદલે વર્તમાનમાં જ જીવવાનો આગ્રહ રાખે છે. આ ઉપરાંત આ પેઢી આર્થિક રીતે થોડી સમૃદ્ધ બની હોવાથી તે એક લાઇફસ્ટાઇલના ભાગરૂપે પણ દારૂની વિવિધ બ્રાન્ડ્સનો ટેસ્ટ કરે છે, તેને અજમાવે છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
