ગુજરાતમાં દારૂબંધી વિશે જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીએ મજેદાર વિધાન કર્યુ હતુ, તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી એટલે જ્યાં દારૂ બોટલના બદલે પીપમાં મળે છે. આ પ્રકારની દારૂબંધી ગુજરાતમાં છે. ગુજરાતના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં આજે દારૂ ગૃહઉદ્યોગ છે, જે સ્થાનિક સ્તરના આગેવાનોનું નીચલા સ્તરના ભ્રષ્ટાચારથી લાલનપાલન કરે છે. જ્યારે ઉપલા સ્તરે વિદેશી દારૂની માંગ હોય છે, જે મુખ્યત્વે રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પૂરી કરવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત દીવદમણ પણ રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં દારૂના સપ્લાયનો મહત્વનો સ્ત્રોત છે.
ગુજરાતને પાંચ ઝોન કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વહેંચી શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની આ રીતે ઝોનવાઇઝ વહેંચણી દારૂ પૂરો પાડનારાઓએ પણ કરી લીધી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વર્ષે 15 હજાર કરોડ રૂપિયાની દાણચોરી દારૂની જ થાય છે. હવે આમાંથી ગુજરાત પોલીસ માંડ 400થી 500 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરી શકે છે. આના પરથી સમજાઈ જાય છે કે જેટલો કારોબાર છે તેમાનો માંડ દસ ટકા દારૂ પણ પકડાતો નથી.
આમ પંદર હજાર કરોડમાંથી ગુજરાતીઓ વર્ષે 14 હજાર કરોડ રૂપિયાનો દારુ રીતસર પી જતા હશે. હવે ઘણા લોકો કહે તો માની લઈએ કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં તથા અન્ય નાના શહેરોમાં પરપ્રાંતીયોની વસ્તી વધારે છે અને તે દારૂ પીવે છે તો પણ ફક્ત ગુજરાતીઓ જ પકડીએ તો પણ તે વર્ષે દસથી 11 હજાર કરોડ રૂપિયાનો દારૂ આરામથી પી જતાં હશે.
આમ માફિયા, ભ્રષ્ટ રાજકારણી અને પોલીસના અદભુત સંયોજનથી ચાલતો દારૂનો ગેરકાયદેસરનો વેપાર ત્રણથી ચાર ગણા નફા સાથે ચાલે છે. ગુજરાતમાં મોંઘો દારુ આવતો હોય તો તે છેક હરિયાણા, પંજાબ, દિલ્હીથી આવે છે, જ્યારે ગોવાથી તે પાર્સલ દ્વારા આવે છે.
સ્ટેટ સર્વેલન્સ સેલે એક વર્ષમાં દારૂની દાણચોરીના 455 કેસ નોંધ્યા હતા. આનો સીધો અર્થ એમ થાય કે રોજ એક કરતાં પણ વધુ કેસ નોંધાતો હતો. આ ફક્ત સ્ટેટ સર્વેલન્સે પકડેલા કેસ છે, નહીં પકડાયેલા કેસ આમાં નવથી દસ ગણા હોવાનું માનવામાં આવે છે.
રાજસ્થાનમાંથી આવતો દારુ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જાય છે. જો કે કચ્છમાં વસ્તી પાંખી હોવાથી પકડાઈ જવાની સંભાવના વધારે હોવાના કારણે ત્યાં દારૂ ઓછો જાય છે. તેનાથી વિપરીત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જબરદસ્ત દારૂ જાય છે. હવે તે નક્કી કરવાનું છે કે દારૂ પીવાય છે એટલે ત્યાં જાય છે કે જાય છે એટલે પીવાય છે તે મહત્વનો સવાલ છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગોએ કે સારા પ્રસંગો દારૂ જાણે સામાન્ય બાબત બની ગઈ છે. આ દારૂ રતનપુર, મંડોર, સાંચોર જેવા સરહદી રસ્તાઓથી ગુજરાતમાં આવે છે. અહીંથી માફિયાઓ તેનું ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પરિવહન કરે છે. આમ અહીં માફિયાઓની કસોટી બે સ્થળોએ થાય છે. એક તો દારુ ગુજરાતમાં ઘુસાડવામાં અને બીજું પોલીસની નજર ચૂકવીને દારૂ ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં થાય છે. તેના પછી દારૂ પહોંચાડતા પેડલરો પણ મળી જ રહે છે.
આ જ રીતે મધ્ય ગુજરાતમાં ઝાબુઆ, અલીરાજપુર અને માલવામાંથી દારૂ આવે છે. આ વિસ્તારની આસપાસના ચારથી પાંચ મુખ્ય માર્ગોમાંથી દારૂ આવે છે. આ સિવાય અહીં સરહદી વિસ્તારોમાં વસતા ગામડાઓના માર્ગોનો પણ રૂટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમા મોટા ખેડા, કેવડી, દેવગઢ બારીયા, કોલિયારી અને કંચાળા જેવા ગામ મુખ્ય છે.
સરહદની બંને બાજુએ આવેલા આદિવાસી વિસ્તારોમાં આ માટે ગોદામ બનાવવામાં આવે છે. દારૂના પરિવહન માટે મુખ્યત્વે એસયુવીનો ઉપયોગ કરવામાં આવે છે. પાછુ દારૂના આ કાફલાના એસ્કોર્ટ વાહનો પણ હોય છે. આ વાહનો આગળ જઈ પહેલા તપાસ કરી આવે છે કે પોલીસનું ચેકિંગ કેટલે સુધી છે, પોલીસ ક્યાં છૂપાઈને બેઠી છે તેની પણ તેઓ ચકાસણી કરે છે.
આમ પોલીસ જ દારૂ પકડનારાઓની ચકાસણી કરે છે તેવું નથી, દારૂ પકડનારાઓ પણ પોલીસનો ટ્રેક રાખવાનો પ્રયત્ન કરે છે, જેથી તેઓ ન પકડાય. આ અવિરત ચાલતો ઘટનાક્રમ છે. તેમાય સેટિંગ હોય છે, અમુક સમયે પોલીસે પણ કામગીરી બતાવવા માટે અમુક જથ્થો પકડવો પડતો હોય છે, આ બધુ જ કામ એક સેટિંગ હેઠળ થઈ જતું હોવાનું મનાય છે. તેના લીધે પોલીસે કામગીરી પણ બજાવી હોવાનું લાગે, બીજી બાજું તેમને કામ પણ ચાલતું રહે. આમ પોલીસ પરથી પણ દબાણ હળવું થાય.
આ જ રીતે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના નાશિક, નવાપુર, સાપુતારા અને ભિલાડ થઈને રાજ્યમાં દારુ લાવવામાં આવે છે. દીવ-દમણના માફિયાઓ પણ તેમા સક્રિય છે. ઘણી વખત તેમા ગાઢ જંગલોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઘણી વખત પ્રવાસીઓનો પણ તેમા ઉપયોગ કરવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાતમાં પંજાબ અને હરિયાણાથી ઊંચી કિંમતનો દારૂ લાવવામાં આવે છે. આ માટે જયપુર એક્સપ્રેસવે, અમૃતસર-જામનગર હાઇવે, કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વેથી ગુજરાતમાં દારૂ આવે છે. દારૂના પરિવહન માટે મુખ્યત્વે ચોરીના વાહનોનો સિફતતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે બેકાર યુવાનોને તેમા જોતરાય છે, આ ઉપરાંત ઝડપથી રૂપિયા કમાવવા માંગનારાઓને પણ તેમા જોડવામાં આવે છે. તેઓને છેક તેઓ માલ લઈને નીકળે તે સમયે જ તે ક્યાં પહોંચાડવાનો છે તે સરનામુ આપવામાં આવે છે. જો કે હવે તો જીપીએસ હોવાથી દારૂ લઈને નીકળનાર અને દારૂ લેનાર બંને એક પોઇન્ટ પર તેમના જીપીએસ લોકેશન મેચ કરીને તે રીતે આગળ વધે છે. તેમા ફેરફાર થાય તો એકબીજાને જાણ કરે છે. કેટલીય વખત તો શાકભાજી કે ફળો લઈ જતી ટ્રકોમાં પણ દારૂના કેરેટ છૂપાવી દેવાય છે.
દેશમાં સ્વિગી અને ઝોમેટો તો હમણા શરૂ થયા, પરંતુ ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી કેટલાય દાયકાઓથી જારી છે. કદાચ સ્વિગી અને ઝોમેટા જેવાના પ્રેરણાસ્ત્રોત પણ તે હોઈ શકે.
આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો
આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો
આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી
