અમેરિકન પ્રમુખ ટ્રમ્પની બે મોઢાંની વાતોથી અને કથની અને કરની વચ્ચેના અંતરને જોતાં ભારતે સાવધ રહેવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. ટ્રમ્પ એકબાજુએ પીએમ મોદીને તેમના મિત્ર અને ભારતને સૌથી મોટા વ્યાપારિક ભાગીદાર તરીકે ગણાવે છે. બીજી બાજુએ તે એક પછી એક નિર્ણયો ભારત વિરોધી લઈ રહ્યા છે. તેમના નિર્ણયો ભારત માટે મોટા પડકાર સમાન છે. ટ્રમ્પે વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશો પર 50 ટકા ટેરિફ લગાવ્યા છે. તેમા ભારત એક છે. ચાર મહિના પૂરા થવા આવ્યા, પરંતુ ટ્રમ્પ ટેરિફ હટાવવાનું નામ લેતા નથી અને મિત્રતાના ગાણા ગાયા કરે છે. કમસેકમ તે બેઝિક વાત સમજી શકાય છે કે જો તમે કોઈને મિત્ર ગણાવતા હોવ તો આવું ન કરો.
ભારત ચીન વચ્ચેના ખરાબમાં ખરાબ સંબંધોમાં પણ ચીને ભારતમાં આવતી અમુક વસ્તુઓને બાદ કરતાં કોઈપણ પ્રકારના પુરવઠામાં અવરોધ સર્જયો ન હતો. અહીં તો ટ્રમ્પ ભારતના અમેરિકા સાથેના વેપારનું રીતસરનું ગળું ઘોંટવા બેઠા છે. અત્યાર સુધીમાં તે ભારતને ચાર મહિનામાં ભારતને 15 અબજ ડોલરથી પણ વધુ રકમનો ફટકો મારી ચૂક્યા હોવાનું કહેવાય છે. ભારતની અમેરિકામાં થતી 86 અબજ ડોલરની નિકાસમાંથી 55 ટકાથી પણ વધુ નિકાસ ટ્રમ્પના ટેરિફનો ભોગ બની છે. આના કારણે ભારતીય નિકાસકારો બેવડ વળી ગયા છે અને તેમણે બીજા બજાર શોધવાની ફરજ પડી છે.
યાદ રહે કે ટ્રમ્પ પહેલાંના શાસક બાઇડેને કદી પણ ભારતના મિત્ર હોવાનો દાવો કર્યો ન હતો છતાં પણ તેમણે ભારતમાંથી થતી આયાત પર માંડ 3.91 ટકા જ ટેરિફ રાખ્યો હતો. હવે ટ્રમ્પે માંડ-માંડ ચાર ટકાનો ટેરિફ સીધો 50 ટકા કરી દીધો છે એટલે કે 12.5 ટકાનો વધારો. આ બતાવે છે કે ટ્રમ્પે ફરીથી સત્તાનું સુકાન સંભાળ્યા પછી દરેક પગલાં ભારતના વિરોધમાં લીધા છે.
આજે ભારતે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે ભારતનું ડેરી સેક્ટર અને કૃષિ બજાર અમેરિકા માટે ખોલ્યું નથી તેના કારણ પણ ટ્રમ્પ નારાજ હોવાનું કહેવાય છે. જો કે ભારતની આ પોલિસી જ રહી છે, ભારતે અત્યાર સુધીમાં કોઈપણ દેશ માટે ભારતીય ડેરી પેદાશનું બજાર અને કૃષિ બજાર ખૂલ્લુ મૂક્યું નથી. આ જ નીતિ અમેરિકા માટે પણ જારી રાખી છે.
હવે ટ્રમ્પે ભારત અમેરિકામાં ચોખા ઠાલવે છે તેમ કહીને તેના પર ટેરિફનું શસ્ત્ર ઉગામવાની વાત કરી છે. તેનું કહેવું છે કે ભારતે અમેરિકામાં ચોખા ડમ્પ કરવા ન જોઈએ. તેઓ આ મામલાનો ટેરિફ વડે ઉકેલ લાવશે તેમ તેમણે જણાવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પ પોતે પણ જાણે છે કે ભારત કંઈ અમેરિકાના બજારમાં ચોખા ડમ્પ કરી રહ્યું નથી, પરંતુ અમેરિકાની જરૂરિયાતો પૂરી કરી રહ્યુ છે. હવે અમેરિકન ખરીદદારો ન હોય તો ભારત કંઈ થોડી ચોખા વેચવાનું હતુ, પણ અમેરિકન ખરીદદારો છે એટલે ભારત ચોખા વેચી રહ્યું છે.
વાસ્તવમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પને તાજેતરમાં વ્હાઇટ હાઉસ ઓફિસમાં ખેતી અને કૃષિ ક્ષેત્રના પ્રતિનિધિઓ મળ્યા હતા. તેની સાથે ટ્રમ્પના અગ્રણી પ્રધાન સ્કોટ બેસન્ટ અને કૃષિ મંત્રી બ્રુક રોલિન્સની સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેનેડી રાઇસ મિલનું સંચાલન કરનારી મેરિલ કેનેડીએ ટ્રમ્પને જણાવ્યું હતું કે દેશના દક્ષિણ હિસ્સાઓના ચોખાના ઉત્પાદકો સંઘર્ષ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે બીજા દેશો અમેરિકન બજારમાં ચોખા ડમ્પ કરી રહ્યા છે. તેઓનો દાવો હતો કે આ દેશો તેમના ચોખા એટલા સસ્તા ભાવે વેચે છે કે અમેરિકામાં પોતાને ત્યાં બનતા ચોખાનો કોઈ ભાવ પૂછાતો નથી. ટ્રમ્પે તેથી પૂછ્યું કે કયા-કયા દેશ અમેરિકામાં ચોખા વેચી રહ્યા છે, તો પ્રેસિડેન્ટની જોડે બેઠેલી કેનેડીએ જણાવ્યું હતું કે ભારત અને થાઈલેન્ડ અમેરિકામાં ચોખા વેચી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ આવી શકે છે, આ દેશો પર ટેરિફ લગાવીને તેમનું ઉત્પાદન અમેરિકામાં મોંઘું કરી દઇશું, તેથી અમેરિકનો છેવટે અમેરિકન ચોખા જ ખરીદશે.
ઇન્ડિયન રાઇસ એક્સ્પોર્ટ્સ ફેડરેશનના જણાવ્યા મુજબ ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને વૈશ્વિક બજારમાં તેમની 28 ટકા હિસ્સેદારી ધરાવે છે. ભારત ચોખાનો ટોચનો ઉત્પાદક હોવાની સાથે તેનો સૌથી મોટો નિકાસકાર પણ છે. ભારત 2024-25માં ચોખાની વૈશ્વિક નિકાસમાં 30 ટકાથી વધુ હિસ્સો ધરાવતું હતું. ભારતના ચોખાની વૈશ્વિક સ્તરે થતી નિકાસમાં સોના મસૂરીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ખૂબ પસંદ કરવામાં આવે છે અને તેની ભારે માંગ છે.
આ ઉપરાંત અમેરિકામાં ભારતની થતી ચોખાની નિકાસ અંગે જોઈએ તો ભારતે 2024-25ના નાણાકીય વર્ષમાં અમેરિકામાં 2.34 લાખ ટન ચોખાની નિકાસ કરી હતી. આ નિકાસ વિશ્વસ્તરે થતી બાસમતી ચોખાની નિકાસ 52.4 લાખ ટનની નિકાસનો પાંચ ટકા હિસ્સો પણ નથી. આ આંકડા ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન (આઇબીઇએફ)ના આંકડા દર્શાવે છે. અહેવાલ મુજબ ભારતીય ચોખા માટે પશ્ચિમ એશિયા સૌથી મોટું નિકાસ કેન્દ્ર છે.
ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે ચોખાનો કુલ પાંચ કરોડ ટનનો કારોબાર થાય છે. તેમા ભારતનો 40 ટકા, થાઈલેન્ડમાં 15 ટકા, વિયેતનામમાં 12થી 14 ટકા, પાકિસ્તાનમાં 8થી 10 ટકા અને અમેરિકાની પાંચથી છ ટકા હિસ્સેદારી છે.
આ આંકડા જ બતાવે છે કે ભારત ચોખાની નિકાસમાં કેવું પ્રભુત્વ ધરાવે છે. ભારત આ સેક્ટરમાં એવું સ્ટાર પ્લેયર છે જેની નીતિઓ કે કિંમતોમાં થોડો ઘણો પણ ફેરફાર વિશ્વનું બજાર હચમચાવી શકે છે. અમેરિકા ભારત પાસેથી માંડ એકથી દોઢ ટકા ચોખા ખરીદે છે.
ભારતીય ચોખાના મુખ્ય બજાર આફ્રિકન દેશ નાઈજીરિયા, બેનિન, સેનેગલ, ખાડી દેશમાં યુએઈ, સાઉદી અરેબિયા, એશિયાઈ દેશમાં બાંગ્લાદેશ, નેપાળ અને મલેશિયા તથા યુરોપીયન દેશો છે. આ સંજોગોમાં અમેરિકન ટેરિફથી ભારતીય બજારે જરા પણ ચિંતા કરવાની જરૂર છે જ નહીં. તેના કારણે ભારતના ચોખાના બજાર પર ખાસ અસર નહીં થાય.
થોડા સમય માટે જરૂર અસર પડી શકે છે. કિંમત ઘટી શકે છે. બાસમતી ઉગાડતા ખેડૂતો પર તેની અસર પણ ઘણી મર્યાદિત હશે, કેમકે અમેરિકન બજારમાં ભારતની ચોખાની એક્સ્પોર્ટ બાસ્કેટમાં ખાસ હિસ્સો ધરાવતું નથી. આમ ટ્રમ્પની ટેરિફની ધમકી ભારતની ચોખાની પ્રભુત્વતા પર ઊની આંચ પણ નહીં આવવા દે, કારણ કે ભારત અમેરિકામાં થતી નિકાસમાં ખાસ હિસ્સો ધરાવતું જ નથી. ભારતીય ચોખા માટે અમેરિકા બહુ નાનું બજાર છે.
હવે જો તેનાથી અમેરિકા પર શું અસર થાય છે તે જોઈએ તો ટ્રમ્પે ભારતીય ચોખા પર ટેરિફ લગાવ્યા તો અમેરિકન બજારમાં ચોખાની કિંમતમાં ઉછાળો આવશે અને અમેરિકન ગ્રાહકને જ ચોખા મોંઘા પડશે. તેના કારણે અમેરિકામાં મોંઘવારી વધશે. આમ અમેરિકનો વધેલી મોંઘવારીથી હેરાન છે અને ટ્રમ્પના આ પગલાંથી તેમને વધુ એક ફટકો પડશે, જેના કારણે ટ્રમ્પની લોકપ્રિયતા વધુ તળિયે જશે. મિડ ટર્મ ચૂંટણી તેના માટે વધુ આકરી બનશે. આમ પણ શટડાઉનના લીધે ટ્રમ્પની લોકપ્રિયતા ગબડી જ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: DGP વિકાસ સહાય અને જિજ્ઞેશ મેવાણી આમને સામને
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો

