આપણે ત્યાં સાધુને વંદનીય માનવામાં આવે છે. આપણે ત્યાં કોઈપણ ભગવાધારી જુએ તો એટલે તરત જ શ્રદ્ધાળુ શ્રદ્ધાભાવથી શીશ ઝુકાવી દે છે. પણ હવે આ જ ભગવાધારીના સ્વરૂપમાં ભૂમાફિયા હોય તો શું કહેવું, આ સાંભળીને જ ચોંકી જવાય તેવુ લાગે છે. પણ આ વાત હકીકત બની ચૂકી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ફેરણી ગામમાં સ્વામિનારાયણ સંસ્થાના મહંત અને તેમની ટોળકી પર જ સ્થાનિકોએ ભૂમાફિયા હોવાના આરોપ મૂક્યા છે. તેમના પર આરોપ જ મૂકાયા છે તેવું નથી, પરંતુ ગામની ગોચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ઉસેટતા રંગેહાથ પકડ્યા છે. તેના કારણે મોટો હોબાળો મચી ગયો છે.
આ જોતાં લાગે છે કે સ્વામિનારાયણના સાધુઓ અને વિવાદ જાણે એક જ સિક્કાના બે પર્યાય બની ગયા છે. કોઈને કોઈ રીતે વિવાદને ફણગો ફૂટ્યો હોય તો તેનો છેડો ક્યાંકને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને તો અડતો જ હોય છે. આથી હવે એમ જ લાગે છે કે વિવાદ ન સર્જે તો સ્વામિનારાયણ સાધુ નહી. સામાન્ય રીતે સાધુને તો ગૌસેવા કરનારા અને ગૌરક્ષક માનવામાં આવે છે. હવે આ જ સાધુઓ ગોચર જમીન હડપવા જાય તો કોઈને પણ આંચકો લાગેને.
બસ આવો જ આંચકો ધોરાજીના ફેરણી ગામના લોકોને લાગ્યો હતો. અહીં ફેરણી ગામ ખાતે સ્વામિનારાયણ સંસ્થા અને તેની સીબીએસઈ સ્કૂલ છે. તેની જોડે જ ફેરણી ગામની ગોચર જમીન છે. આ ગામની ગોચર જમીન પર બીજા કોઈની નહીં પણ સ્વામિનારાયણના સંપ્રદાયના સાધુઓની જ બગડી. તેમા પણ આ ગોચર જમીન તેમની સંસ્થાને અડીને જ આવી હોવાથી તેઓ તેનો બાપીકી જમીન ગણીને જ ચાલવા લાગ્યા. આ ગોચરની જમીન પરથી ઘાસ સહિતનું બધુ દૂર કરીને સાફ કરી દીધુ. આ માટે હિટાચી જેવા મશીન અને ખનીજ ચોરી માટે વપરાતી મોટી-મોટી તકોનો ઉપયોગ કર્યો.
સ્થાનિક ગ્રામીણોનો આરોપ છે કે સાધુઓના આ સ્કેમની ખાસિયત એ હતી કે તેઓ દ્વારા હિટાચી મશીનથી લઈને જે ટ્રકોનો ઉપયોગ કરવામાં આવતો હતો તેના કોઈ નંબર જ ન હતા. નંબર હોય તો તેનો કોઈ ટ્રેક રેકોર્ડ પકડાયને. હવે જો ટ્રકનો નંબર જ ન હોય તો પછી તેને પકડી કઈ રીતે શકો. તેઓએ એટલા બિન્દાસ્ત રીતે જમીન સાફ કરીકે ગ્રામીણો પર વિચારમાં પડી ગયા. પહેલી નજરે તો તેઓ માની જ શકતા ન હતા કે સાધુઓ આવુ કરી શકે, પણ જોયાનું ઝેર કોને કહેવાય.
તેઓએ ભૂમાફિયાની જેમ સાધુઓને ગોચર જમીનને સાફ કરી જતાં જોયા. ફેરણી ગામના સ્થાનિક યુવાનોએ તેનો વિડીયો ઉતાર્યો તો આ સંત વિડીયો પર ઝપટતા જોવા મળ્યા. આ સિવાય પોતાનો ચહેરો બરોબર ન દેખાય તે માટે તે ભગવા વસ્ત્રથી પોતાનો ચહેરો વીંટતા જોવા મળ્યા. તેમને પૂછવામાં આવતા કોઈપણ સવાલનો તે સરખો જવાબ આપી શક્યા નહી. હવે જો આ જમીન ગોચરની હોય તો પછી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો ત્યાં શું કરતા હતા. તેમણે મંગાવેલી ટ્રકો અને હિટાચી મશીનના નંબર જ કેમ ન હતા. ગોચરની જમીન પર તેમના સાધનો શું કરતાં હતા તેવા ગ્રામીણ યુવાનોએ પૂછેલા સવાલનો સરખો જવાબ પણ તે સાધુઓ આપી શક્યા ન હતા. ઉપરથી તે ઝડપથી તેમની ગાડીમાં બેસીને ભાગી જતા હોય તેમ જોવા મળ્યું હતું.
સ્થાનિકોનું કહેવું છે કે અમને સ્વામિનારાયણ સંસ્થા સામે કોઈ વાંધો નથી, આ સંસ્થા પણ સનાતન ધર્મની મહાન સંસ્થા છે. પણ આ જ સંસ્થાના કેટલાક લેભાગુ તત્વો જેવા સાધુઓ ભગવા વેશ પહેરીને પણ અવનવા વેશ કાઢતા રહે છે. આવા સાધુઓ સામે અમને ચોક્કસ ફરિયાદ છે અને તેમા પણ તે અમારા ફેરણી ગામની જમીન હડપ કરી જાય છે ત્યારે અમારે અટકાવવા જ પડે. આજે અમારા જ ગામ આગળ સ્વામિનારાયણ ધામ છે, અમારા ગામમાં પણ તેના કેટલાય સત્સંગી છે, પણ આ જ મંદિરના સાધુ આ રીતે અમારી જ ગોચર જમીનને હડપવાનો પ્રયત્ન કરશે તેવી તો અમને કલ્પના પણ ન હતી.
તેઓ અમારી ગોચર જમીનને હડપી લે પછી અમારા પશુઓ ચરશે ક્યા, ગામના પશુઓ માટે ચારાની કોઈ જમીન જ નહીં રહે. આ તો સાધુ નહી પણ ભગવા વસ્ત્રોના ઓઠા હેઠળના ભૂમાફિયા છે. સાધુ એટલે ત્યાગનું ઉદાહરણ મનાય છે. સાધુઓ સમાજના વિકાસ માટે બધુ ત્યાગી દે છે. જ્યારે આ સાધુ તો અહીં સમાજની જ જમીન હડપ કરવા ઉતરી આવ્યા છે. સાધુને તો વળી જમીનની શું જરૂર પડે. આટલી મોટી સંસ્થા તો અહીં છે, તેના માટે જમીન પણ સત્તાવાર રીતે મળેલી છે. હજી આ સાધુને કયા પ્રકારની જમીન જોઈએ છે, તેઓ આમ પણ તેમનો કાર્યક્રમ હોય ત્યારે ગોચર જમીનનો ઉપયોગ કરે છે અને અમે ત્યારે ના પણ પાડતા નથી. તેમને હોંશેહોંશે તેના પર તેમનો પ્રસંગ કરવા દઈએ છે.
હવે થોડી છૂટ શું આપી આ તો આંગળી આપો ત્યાં પહોંચો પકડી લેવા જેવી વાત થઈ. હવે આ સાધુઓમાંથી કોની ડાગળી જમીન જોઈને ચસકી છે તેની તપાસ કરવી જરૂરી છે. શું આ સાધુઓ પોતે જ ભૂમાફિયા છે કે તે કોઈ ભૂમાફિયાના હાથા બન્યા છે તે તપાસનો વિષય છે. કોઈ ભૂમાફિયા સાધુઓને આગળ ધરીને અમારી ગોચરની જમીન હડપવા માંગતુ હોય તો પણ અમને આશ્ચર્ય થાય તેવું નથી. આ કિસ્સાની સત્વરે તપાસ થવી જરૂરી છે, ગ્રામીણોનું કહેવું હતું કે અમને ડર છે કે જો આ કિસ્સામાં તપાસ નહી થાય તો આગામી દિવસોમાં અમારે ક્યાંક ગોચર જમીનથી હાથ ધોવાના દહાડા ન આવે. આ સ્થિતિ આવી તો અમારા પશુઓ માટે ચારણ ક્યાં કરવું તે મોટો સવાલ ઊભો થશે. આગામી દિવસોમાં ગ્રામીણો અને ભૂમાફિયા સમાન બનેલા સાધુઓ વચ્ચેનો ટકરાવ આકરો થાય તો નવાઈ નહીં લાગે. આમ ગોચરની જમીન પડાવવામાં ભૂમાફિયા, રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ તો હતા જ, હવે તેમા સાધુઓનો પણ ઉમેરો થયો છે.
