MANTAVYA Vishesh/ મહુડી જૈન તીર્થમાંથી 130 કિલો સોનું ગાયબ થયાના આક્ષેપથી ચકચાર

મહુડી જૈન તીર્થ ઘંટાકર્ણ મહાવીરનો વિવાદ પણ જાણે મહાવીર છે. તેમા 130 કિલોગ્રામ સોનાનો હિસાબ ન મળતો હોવાના આરોપથી ચકચાર મચી ગઈ છે.

Mantavya Vishesh

મહુડીના પ્રખ્યાત જૈન તીર્થમાંથી 130 કિલો સોનુ ગાયબ થયાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે. જૈનોના પ્રસિદ્ધ મંદિરમાં ચઢાવા તરીકે ભેગા થયેલા 130 કિલો સોનાનો એટલે કે લગભગ 15 કરોડ રૂપિયાના સોનાનો કોઈ હિસાબ મળી રહ્યો નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ બીજો કોઈએ નહીં પરંતુ મંદિરના જ ભૂતપૂર્વ ટ્રસ્ટી અંકિત અને જયેશ મહેતાએ કર્યા છે. ભૂતપૂર્વ ટ્રસ્ટીઓના જ આરોપોએ જૈન સમાજની અંદર હલચલ મચાવી દીધી છે. આ બંને સભ્યો પાછા મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્યો હતા.

મહુડીના મહાવીરના મંદિરનો વિવાદ પણ ‘મહાવીર’

આ બંને ભૂતપૂર્વ સભ્યોએ ચકચારજનક દાવો કર્યો હતો કે મહુડીના ઘંટાકર્ણ મહાવીરના મંદિરમાં વહીવટમાં અનેક પ્રકારની ગેરરીતિઓ કરવામાં આવી છે. વર્તમાન ટ્રસ્ટીઓએ મોટાપાયા પર ગેરરીતિ આચરી છે. ફક્ત આટલું જ નહીં પણ નોટબંધી હતી તે સમયે 20 ટકા ઉપરાંત કમિશન લઈને નાણાકીય વ્યવહારો કર્યા હતા. તેમનો આક્ષેપ છે કે વર્તમાન ટ્રસ્ટી ભુપેન્દ્ર વોરા મહુડી મંદિરની મિલકતોનો મનફાવે તેમ ઉપયોગ કરે છે. મહુડીના જે મંદિરની સુખડી પણ લોકો ઘરે લઈ જઈ શકતા નથી તેનુ સોનુ તેઓ ચોરી ગયા છે. તેની સામે ટ્રસ્ટીઓનો દાવો છે કે મંદિરનું સોનું ક્યાંય ગયું નથી, પરંતુ તે મંદિરને સોનેથી મઢવામાં જ વપરાયું છે. જો કે લેબોરેટરી ટેસ્ટિંગમાં તો પતરામાં માંડ એક કિલો સોનુ જ મળ્યું હતું. તેના કારણે બાકીના સોનાનો હિસાબ મળ્યો નથી તે હકીકત છે. આ ગાયબ થયેલા સોનાનો ઉલ્લેખ કોઈ સ્ટોક પત્રકમાં નથી.

મહુડી ટ્રસ્ટમાં પીટીઆર ન હોવાનો દાવો

તેમનો દાવો છે કે તેઓ તો મંદિરમાં ટ્રસ્ટી જ ખોટી રીતે બન્યા છે. મહુડી ટ્રસ્ટમાં પીટીઆર (પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રાર) પર નોંધાયેલા કોઈપણ ટ્રસ્ટી જ નથી. પીટીઆર ટ્રસ્ટી ન હોવાના કારણે તેઓ ટ્રસ્ટી જ ખોટી રીતે બન્યા છે. પીટીઆર પર નામ ચઢેલા નથી. ચેરિટી કમિશ્નરની અંદર ફેરફારના રિપોર્ટ દાખલ કરવામાં આવ્યા છે. તેઓ સબ રજિસ્ટ્રારમાંથી ખોટી રીતે ટ્રસ્ટી બન્યા છે. હાલના પીટીઆર મુજબ એક જ ટ્રસ્ટી પ્રવીણભાઈ મહેતા જ હયાત છે. બાકી તમામ નોંધાયેલા ટ્રસ્ટીઓના નિધન થઈ ચૂક્યા છે. ભૂપેન્દ્ર વોરાએ આ સ્થિતિનો લાભ લઈને 8 વ્યક્તિઓએ ખોટા ઠરાવો અને લેટરહેડનો ઉપયોગ કરીને પોતાની જાતને ટ્રસ્ટી તરીકે ખપાવી દીધી છે. ચેરિટી કમિશ્નરે તેમની સામેના વાંધા સ્વીકાર્યા હોવાથી તેમના નામ હજી પીટીઆર પર ચઢ્યા નથી. આ બધાને લઈને માણસા કોર્ટમાં જ 28 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

મહુડી મંદિરમાંથી ઉચાપતનો આક્ષેપ

અંકિત મહેતાનો આક્ષેપ છે કે ભુપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ મંદિરના જ રૂપિયામાંથી દોઢ કરોડથી પણ વધુ કિંમતના પાંચ-પાંચ કન્ટેનર ખરીદ્યા છે. તેમની કંપનીની મૂડી પાંચ લાખની પણ નથી તો તેમની પાસે આ પ્રકારના કન્ટેનરો ખરીદવાના કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા તેની તપાસ પણ થવી જોઈએ. મંદિરના નાણાનો તેમણે પોતે અંગત ઉપયોગ કરીને બેફામ ભ્રષ્ટાચાર આદર્યો છે.

મહુડી મંદિરના ભક્તોના દાનમાંથી અંગત મિલકતો ખરીદ્યાનો આક્ષેપ

તેઓએ મંદિરના રૂપિયે અમદાવાદ અને સુરતમાં કરોડોના બંગલા અને ફ્લેટો ખરીદ્યા છે તેની પણ તપાસ કરવી જોઈએ. તેઓ મંદિરનો વહીવટ ટ્રસ્ટની જેમ નહીં પણ જાણે પોતાના ઘરની પેઢી હોય તે રીતે કરે છે. તેમણે કરેલા કામોનો કોઈ હિસાબ નથી. સંસ્થાના નાણા તેઓ ઘરે લઈ ગયા છે. મંદિરની કેટલીય રકમનો તેમની પાસે હિસાબ જ નથી. તેઓની આ ગેરવ્યવસ્થાના કારણે અને અયોગ્ય વહીવટના કારણે અમે તો આ ટ્રસ્ટ બંધ કરવા માટે અરજી કરી છે અને કોર્ટમાં તેનો કેસ ચાલે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન ટ્રસ્ટીઓ સામે કોર્ટમાં ચાલતા કેસમાં અમને વિજય મળશે અને દૂધનું દૂધ અન પાણીનું પાણી થઈ જશે.

મહુડી મંદિરને લઈને કોર્ટમાં 28-28 કેસ

આ બધો વિવાદ બતાવે છે કે ઘંટાકર્ણ મહાવીરના મંદિરનું ધામ જાણે હવે વિવાદનું ધામ બની ગયું છે. તેમાં ઉપયોગમાં લેવાયેલા નાણાથી લઈને તેના પર ચઢાવા માટે આવેલુ સોનું દરેકને લઈને જાણે વિવાદ છે. મંદિરનો વહીવટ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. લાખો શ્રદ્ધાળુઓ જે મંદિરમાં દર્શનાર્થે આવે છે તેના ટ્રસ્ટમાં જ તેના ટ્રસ્ટીઓને વિશ્વાસ નથી. હાલમાં કરવામાં આવેલા આ આક્ષેપોમાં જરા પણ થ્ય હોય તો આ ઘણી ગંભીર બાબત કહેવાય. એક જ મંદિરના ટ્રસ્ટને લઈને 28-28 કોર્ટ કેસ ચાલતા હોય તે બતાવે છે કે ક્યાંક દાળમાં કાળું છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ફણગા ફૂટે અને રહસ્યોદઘાટન થાય તો આશ્ચર્ય નહી થાય. આ કેસમાં તો જે રીતે વાત થઈ રહી છે તે મુજબ મની લોન્ડરિંગનો પણ કેસ લાગુ પડી શકે છે.

વર્તમાન ટ્રસ્ટીનો વળતો જવાબ

આ અંગે વર્તમાન ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ વોરાએ જણાવ્યું હતું કે અંકિત અને જયેશ મહેતા બંને ભૂતપૂર્વ ટ્રસ્ટી છે. તેમને ટ્રસ્ટમાંથી બેદખલ કરવામાં આવ્યા છે. બંનેને હાલમાં મહુડી ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી. તેમનું આજીવન સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું છે. તેઓએ મહુડી તીર્થ ટ્રસ્ટમાં તેમનું નામ ઉમેરાવવા માટે ખોટા કાગળો ચેરિટી કમિશ્નરમાં દાખલ કર્યા હતા. ચેરિટી કમિશ્રરને તપાસ પછી આ કૃત્ય ખોટું જણાતા તેમણે તપાસ કરી ફેરફાર રદ કર્યો છે, આના પગલે તેઓ હવે ઊંચાનીચા થઈ ગયા છે અને ઘંટાકર્ણ મહાવીરના મંદિરના ટ્રસ્ટમાં તેમનાથી કશું જ થઈ શકે તેમ ન હોવાથી હવે તેઓ ફક્ત ખોટા-ખોટા આક્ષેપો કરીને પોતાનું મન બનાવી રહ્યા છે.


આ પણ વાંચો: ગુજરાતનું રાજકારણ અને ગુજરાતી કલાકારો, ‘ડુંગરા દૂરથી રળિયામણા’

આ પણ વાંચો: કોંગ્રેસમાં સાફસૂફીઃ ભરતસિંહ જૂથના આગેવાનોને સ્થાનિક પ્રદેશ માળખામાં ક્યાંય સ્થાન નહીં

આ પણ વાંચો: અલ્પેશ ઠાકોર પર ગદ્દારીના આક્ષેપથી ઠાકોર સમાજમાં ખળભળાટ