તાજેતરમાં જ 27 ટકા ઓબીસી અનામતનો નિર્ણય લેવાયો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેનો અમલ પણ કરવામાં આવનારો છે. આને લઈને હવે ક્ષત્રિય સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. ક્ષત્રિય સમાજે 10 ટકા આર્થિક અનામતની માંગ કરી છે. તેમનું કહેવું છે કે સમાજના આર્થિક રીતે નબળા વર્ગને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક ક્ષેત્રે 10 ટકા અનામત આપવામાં આવે, એમ રાજપૂત એક્તા મંચના કન્વીનર સહદેવસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ દસ ટકા અનામતનો અમલ ન થાય ત્યાં સુધી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો અમલ મોકૂફ રાખવામાં આવે.
આમ 27 ટકા ઓબીસી અનામત પછી સરકાર સામે નવું જ ડીંડક ઊભું થયું છે. હવે સરકાર આ 10 ટકા અનામત ક્ષત્રિય સમાજને શેમાંથી આપે તે સવાલ છે. જનરલ કેટેગરી એકદમ સંકોચાઈ ગઈ છે ત્યારે હવે ક્ષત્રિય સમાજની માંગ સરકારને વધુ અવઢવમાં મૂકી શકે છે. ક્ષત્રિય સમાજ આમ પણ અગાઉ લોકસભા ચૂંટણી પૂર્વે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી નારાજ થઈ ગયો હતો, સરકાર ક્ષત્રિય સમાજને કોઈપણ રીતે સાથે રાખવા માંગે છે ત્યારે તેની આ નવતર માંગનો કેવી રીતે પ્રતિભાવ આપવો તેને લઈને સરકારમાં અવઢવ છે. સરકારને ઓબીસી અનામતનો અમલ કરાવતા નાકે દમ આવી ગયો છે અને તેના પછી માંડ-માંડ બધુ થાળે પડ્યું છે ત્યારે આ વધુ એક અનામતની માગ સર્જાઈ છે.
તેમનું કહેવું છે કે બિનઅનામત કેટેગરીમાં આવતો મોટો વર્ગ આર્થિક અને સામાજિક રીતે પછાત છે. તેમને સામાજિક અને આર્થિક રીતે આગળ લાવવો જરૂરી છે, જેથી બધામાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બંધારણીય અધિકારોનું જતન થાય. ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ બિનઅનામત વર્ગમાં આવતા વર્ગ માટે 10 ટકા અનામતની અમારી માંગ છે.
ઝવેરી પંચના રિપોર્ટમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે એવી માંગ અમે અગાઉ પણ કરેલી છે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બેઠક ફાળવણીની થતી કાર્યવાહીમાં સીટવાઇઝ કેટેગરીની વસ્તી તથા મતદારોની સંખ્યા મુજબ ચૂંટણીપંચની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે જરૂરી છે, જેથી બેઠક ફાળવણીમાં પણ કોઈને અન્યાય ન થાય.
આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા
આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા
આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા
