ગુજરાતમાં હવે ભાજપ પક્ષપ્રમુખની નિમણૂક થયા પછી મંત્રીમંડળનો ગંજીફો પણ ચીપાઈ ગયો છે. હવે બધાની નજર સંગઠનાત્મક ફેરફાર પર છે. આગામી દિવસોમાં પક્ષના વર્તમાન માળખામાં ધરમૂળથી ફેરફાર લાવવાની કવાયત આરંભાઈ ચૂકી છે. પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાનું નવું વિશ્વ રચવા માટે પક્ષની વર્તમાન સ્થિતિની સેન્સ લઈ રહ્યા છે. આ માટે રાજ્યના પાંચેય ઝોનનો પ્રવાસ ખેડી ચૂક્યા છે અને જ્યાં બાકી છે તે પણ થોડા સમયમાં પૂરો કરશે તેમ મનાય છે.
પક્ષના વર્તુળોમાં ગણગણાટ છે કે દેવદિવાળી સુધીમાં પક્ષના ચાર ઝોન સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ચાર પ્રભારી પક્ષ નીમી શકે છે. કચ્છ ભલે વિસ્તારની રીતે મોટું છે, પરંતુ વસ્તીની રીતે પાંખુ હોવાના કારણે તેને સૌરાષ્ટ્ર સાથે જ જોડી દેવાઈને હંમેશા સૌરાષ્ટ્ર-કચ્છના પ્રભારી નીમાય છે, કચ્છના અલગથી પ્રભારી નીમાતા નથી.
પક્ષની અંદર ચર્ચા એ છે કે કેબિનેટની જેમ અહીં પક્ષના માળખામાં ખાલી ફેરફાર જ થશે કે તળિયાઝાટક સાફસૂફી કરવાની આવશે. આગામી વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે પક્ષની નેતાગીરીથી લઈને કાર્યકરો એકસૂત્રે બંધાઈને કામ કરે તે જરૂરી છે. તેથી જ પક્ષના હોદ્દા પર નવા નીમાનારા નામોને લઈને અટકળોનું બજાર ગરમ છે. પક્ષમાં ચાર મહામંત્રી નીમાવવાના નક્કી છે ત્યારે વિનોદ ચાવડા મહામંત્રી તરીકેનો તેમનો વર્તમાન હોદ્દો જાળવી રાખે તેમ મનાય છે. આ સિવાય બાકીના મહામંત્રીની વિદાય સુનિશ્ચિત માનવામાં આવે છે.
નવા મહામંત્રી તરીકે ચર્ચાતા નામોમાં જોઈએ તો મધ્ય ગુજરાતના ભૂતપૂર્વ સાંસદ રંજન ભટ્ટ, અમરાઇવાડીના ભૂતપૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ તથા ઉત્તર ગુજરાતમાંથી રણછોડ રબારીને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે આમ છતાં ભાજપનું હાઈકમાન્ડ કોઈને કોઈ સરપ્રાઇઝ આપતું જ હોય છે, તેથી તે કેબિનેટની રચનાની જેમ પક્ષના માળખાકીય ફેરફારમાં પણ કંઇક નવું કરે તો આશ્ચર્ય નહીં થાય. આમ શાસક પક્ષ આ નિમણૂકો એવી રીતે કરવા માંગે છે કે પ્રદેશ સંગઠનનું માળખું વધુ મજબૂત થાય, વધુને વધુ ગતિશીલ બને. દેવદિવાળીના દિવસે જ કે તેની આસપાસના દિવસે આ નિમણૂકોની જાહેરાત થઈ શકે છે.
આના પછીનું પગલું 20 જિલ્લાઓના પ્રભારી મંત્રી બદલવાનું છે. મંત્રીમંડળમાં ફેરફાર થતાં જૂની કેબિનેટના 16 મંત્રીમાંથી 10ને નવી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આના કારણે આ મંત્રીઓ હસ્તકના 20 જિલ્લાઓમાં પક્ષે નવેસરથી પ્રભારીની નિમણૂક કરવી પડશે.
આ સિવાય નવા મંત્રીમંડળમાં નવા મંત્રીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના કારણે પ્રભારી મંત્રીઓને કરવામાં આવતી વહેંચણીની નીતિ પણ બદલાઈ શકે છે. તેના હેઠળ આઠ મંત્રીઓને બે-બે જિલ્લાઓનો પ્રભાર સોંપવામાં આવી શકે છે. તેની પાછળનું કારણ એ હોઈ શકે છે કે જે-જે મંત્રીઓને મહત્તવના હોદ્દાઓ અને મહત્વના ખાતાઓ છે તેમને ફક્ત એક-એક જિલ્લો જ સોંપવામાં આવે. આના કારણે વહીવટી કામગીરી અને પક્ષની કામગીરી વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે અને તેની સાથે મંત્રી પોતે પણ જિલ્લાના વિકાસકાર્યો પર વધારે ધ્યાન આપી શકે.
ઉદાહરણ તરીકે જોઈએ તો કેબિનેટમાં ફેરફાર પહેલાં વડોદરા અને ગાંધીનગર જિલ્લાના એક જ પ્રભારી હતા. હવે નવા મંત્રીમંડળમાં આ સુકાન બે જુદાં-જુદાં હોદ્દેદારને સોંપવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય. આ જ રીતે બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, ડાંગ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, પાટણ, જૂનાગઢ, નર્મદા, તાપી, છોટાઉદેપુર તથા વલસાડનો પણ સમાવેશ થાય છે.
સંગઠનાત્મક ફેરફારમાં પણ વસ્તી અને પ્રાંત વિષયક સંતુલનની સાથે નીમવામાં આવેલા પ્રભારીના પ્રભાવની સાથે તેની સંગઠનાત્મક કુશળતા પણ ધ્યાનમાં લેવાશે. શાસક પક્ષ હંમેશા ગતિશીલ રહ્યો છે, તેથી તે સંગઠનમાં કામ કરવાની સાથેસાથે કામ કરાવી શકે તેવાને જ મોટા હોદ્દા આપે છે. હોદ્દા પર નીમાયેલાઓએ નિયત લક્ષ્યાંકો પાર પાડવા પડે છે. તેઓની કામગીરી પણ પરિણામલક્ષી હોય છે. જો નિયત પરિણામ હાંસલ ન કરી શકાય તો અપગ્રેડેશન તો બાજુએ રહ્યું પરંતુ ડીગ્રેડેશન પણ થાય છે.
આ ઉપરાંત પક્ષપ્રમુખની ઉંમર 52 વર્ષની છે, તેથી નીમાનારા પ્રભારીઓ તેમનાથી પણ નાની ઉંમરના જ હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. આમ પ્રભારી અનુભવની સાથે-સાથે યુવા પણ હોવો જોઈએ તો જ તે સંગઠનને દોડતું રાખી શકશે. તેથી એક રેડલાઇન તો તે જ નક્કી થઈ ગઈ છે કે પક્ષના બાકીના ચાર મહામંત્રી પ્રદેશ પ્રમુખ કરતાં ઓછી વયના હશે.
આ ઉપરાંત પક્ષનું રચાનારું નવું માળખું ફક્ત આગામી સ્થાનિક સ્વરાજ્યની જ ચૂંટણી નહીં વિધાનસભા ચૂંટણી માટે પણ મહત્ત્વનું છે. શાસક પક્ષે ચૂંટણીરૂપી વૈતરણી આ સંગઠનાત્મક માળખાના આધારે જ પાર પાડવાની છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની નેતાગીરી જયેશ રાદડિયાને સોંપાય અથવા તો તેમને પક્ષમાં મોટો હોદ્દો આપવામાં આવે તેવી વાત ચાલી રહી છે. જો કે આ ગણગણાટ છે એમ તો કેબિનેટમાં પણ તેમનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમનું પત્તુ કોઈ કારણસર કપાયું છે.
આના પગલે પક્ષમાં અટકળો એવી છે કે તેમને સંગઠનમાં મોટી ભૂમિકા સોંપાઈ શકે છે. હવેતેમને કેટલી મોટી ભૂમિકા સોંપાય તેના પર આખા પક્ષની નજર છે. તેમને સૌરાષ્ટ્ર-કચ્છનો હવાલો સોંપાય છે કે પક્ષમાં બીજું કોઈ સ્થાન અપાય છે તે જોવાનું રહ્યુ. ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠકનો હવાલો તેમને સોંપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેમા નિષ્ફળ ગયા હતા. પક્ષે આ વાત પણ યાદ રાખી છે. તેની સાથે ઇફકોના મેન્ડેટમાં તે પક્ષની સામે પડીને ચૂંટણી જીત્યા હતા તથા પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો. આ જ બાબત કેબિનેટમાં તેમને સમાવવાની વિરોધમાં ગઈ છે. તેમની ઇમેજ એવી છે કે તે પોતાનું ધાર્યુ કરવાવાળા નેતા છે, તેમને ટીમ વર્કમાં ફિટ કરીને તેમની પાસેથી કામ કરાવવું અઘરું છે. તેથી જ તેમને સંગઠનમાં પણ સ્વતંત્ર હવાલો ધરાવતા હોય તેવો જ કોઈ હોદ્દો આપવામાં આવે તેમ મનાય છે. આમ દેવદિવાળી દૂર નથી ત્યારે આ દિવાળી કોણ ઉજવી શકે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર
આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ
