MANTAVYA Vishesh/ સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ

એક સમયે રાજકારણમાં જોડાવવા તલપાપડ બનેલા ખોડલધામના નરેશ પટેલને કદાચ રાજકારણનું આ સૂત્ર બરોબર સમજાઈ ગયું લાગે છે. તેમને લઈને શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ રીતસર ખેંચાખેંચ કરી મૂકી હતી. તેમનો પુત્ર તે સમયે કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરતાં શાસક પક્ષમાં પણ રાજકીય ગણગણાટ વધ્યો હતો. આના કારણે નરેશ પટેલે છેવટે વડીલોની સલાહનું માન રાખીને રાજકારણમાં જોડાવવાનું માંડી વાળ્યું હતું.

Mantavya Vishesh

ચારેક દાયકા પહેલાં હિન્દી ફિલ્મ ‘કાલચક્ર’ આવી હતી, તેમા પોલીસ અધિકારીની ભૂમિકા ભજવનારા સદાશિવ અમરાપુરકરનો સંવાદ તે સમયે જાણીતો બન્યો હતો કે પુલિસ સે ન દોસ્તી અચ્છી, ન દુશ્મની અચ્છી’. હવે આવું આજના સમયમાં રાજકારણીઓ માટે ચોક્કસપણે કહી શકાય. તેથી જ તેમને ‘સો ગજના નમસ્કાર’ કરવામાં આવે છે.

એક સમયે રાજકારણમાં જોડાવવા તલપાપડ બનેલા ખોડલધામના નરેશ પટેલને કદાચ રાજકારણનું આ સૂત્ર બરોબર સમજાઈ ગયું લાગે છે. તેમને લઈને શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ રીતસર ખેંચાખેંચ કરી મૂકી હતી. તેમનો પુત્ર તે સમયે કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરતાં શાસક પક્ષમાં પણ રાજકીય ગણગણાટ વધ્યો હતો. આના કારણે નરેશ પટેલે છેવટે વડીલોની સલાહનું માન રાખીને રાજકારણમાં જોડાવવાનું માંડી વાળ્યું હતું.

આમ છતાં પણ આજે પણ તે અને તેમના પુત્ર જ્યાં પણ જરૂર પડે ત્યાં રાજકારણીઓ અંગે ટિપ્પણી કરવાનું ચૂકતા નથી. હાલમાં જ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પાટીદાર સમાજના ભાજપના ધારાસભ્યો અને સાંસદો પણ જોડાયા હતા.

તેમા નરેશ પટેલના પુત્ર શિવરાજ પાટીલે ટકોર કરી હતી કે રાજકારણીઓના પોતાના આગવા હિતો હોય છે. તે કોઈની સાથે જોડાય તો પણ તેમના આ હિતના કારણે જોડાય છે અને વિખૂટા પડે તો પણ આના કારણે પડે છે. તેની સાથે તેમણે સરદારની યાત્રા સામાજિક પ્રસંગ હોવાથી તેમા સામાજિક આગેવાનો જ હોવા જોઈએ તેવું ભાજપના ધારાસભ્યો અને સાંસદોની હાજરીમાં પરખાવ્યું હતું. આ વાત સ્પષ્ટપણે પાટીદાર ધારાસભ્યો અને સાંસદોના મોઢા પર લપડાક સમાન હતી.

સરદાર પટેલની સન્માન યાત્રાનું ઉદઘાટન પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્ય રમેશ ટીલાળા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ અને રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાની સાથે મેયર નયનાબેન પેઢડીયાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે સરદાર યાત્રા બીજું કશું નહીં સરદાર પટેલે કરેલા કાર્યોને અંજલિ છે. સરદાર પટેલે બતાવ્યું હતું કે સાચા ઇરાદા, જનસેવાની ભાવના, દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા લોકો માટે કંઇક કરી છૂટવાની ઇચ્છા હોય તો એક રાજકારણી શું કરી શકે છે. તેમની કામગીરી અને જીવન તે વાતનો પુરાવો છે કે જનસેવા શું છે, જનસેવાની ભાવના શું છે અને જનસેવક કોને કહેવાય.

તેની સામે આજે વૈભવી કારોમાં ફરતા આપણા જ રાજકારણીઓને જોઈને કોઈ કહે કે ભાઈ તમે તો સરદાર પટેલ જેવું કર્યુ. તેઓએ તો દેશસેવાની વાત જવા દઈએ, પરંતુ સમાજ માટે પણ શું કર્યું છે તે પણ કહી શકાય તેમ નથી. તેઓ ફક્ત પોતાના રાજકીય લાભ માટે સમાજનો ઉપયોગ કરી લે છે, પરંતુ તેમનો રાજકીય સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે સમાજને તડકે મૂકતા પણ ખચકાતા નથી. આવી હાલના રાજકારણીઓની માનસિકતા છે. સરદાર પટેલનું નામ લેવું છે, પરંતુ તેમના કામનો એક અંશ પણ તેમનામાં આવતો નથી. તે ફક્ત સમાજનો અને સમાજની સંગઠન શક્તિનો ઉપયોગ કરીને પોતાની રાજકીય કારકિર્દી રચી કાઢે છે. પછી સમાજ કોણ અને હું કોણ તેવો તેમનો અભિગમ હોય છે.

શિવરાજ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ પહોંચેલી યાત્રાને આવકારવાની સાથે આપણે આપણો સમાજ સરદાર પટેલના સિદ્ધાંતો પર ચાલે તેવો સંકલ્પ કરીએ. તેમના મૂલ્યોને જીવનમાં ઉતારીએ. શિવરાજ પટેલના આ પ્રકારના વેણથી અનેક પટેલ ધારાસભ્યો અને સાંસદોને તકલીફ થઈ હોય તે સ્વાભાવિક છે. તેમણે આ પ્રકારના વેણ કોને ધ્યાનમાં રાખીને ઉચ્ચાર્યા છે અને કયા તરફ ઇશારો છે તે બધા સમજી પણ ગયા હતા. આ સંજોગોમાં શિવરાજના બોલ ફરી પાછાં ક્યાંક વિષ ન ઓકે તે પણ જરૂરી છે.

ઘર ફૂટે ઘર જાય તે કહેવત મુજબ જ પાટીદારોમાં જો આ રીતે તડા પડશે તો તેમનો બાર્ગેઇન પાવર જ ઘટી જશે. હાલમાં તો એવી સ્થિતિ નથી, પરંતુ ભવિષ્યમાં જો આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય તો નુકસાન રાજકીય પક્ષોને નહીં જાય પરંતુ પાટીદારોને જ જશે. શિવરાજના બોલે સનસનાટી જરૂર મચાવી છે, તેના પર ધ્યાન પણ ચોક્કસ આપી શકાય. છતાં તે હકીકત છે કે આનાથી કંઈ પાટીદાર સમાજમાં ભૂકંપ આવી જવાનો નથી. આજના આગેવાનો તેને નાના બાળકના બોલ અથવા તો સરદાર પ્રત્યેની નિષ્ઠાના કારણે દરેક નેતાને સરદારના માપદંડ પર આંકવાનો પ્રયાસ ગણીને ભૂલી જશે.

છતાં પણ આજની હકીકત એવી છે કે તમે તેટલા અપશબ્દો કહો કે રોજ સવાર પડેને ટીકા કરો, પરંતુ આપણે રાજકારણી વગર ચાલવાનું નથી તે હકીકત છે. આ એક અનિવાર્ય અનિષ્ટ સમજો કે આપણી ગરજ કહો પણ આ હકીકત છે. પછી તેની સાથે ડીલ કરતાં શીખવું જ પડશે. લોકોએ પણ શીખવું પડશે અને જે તે સમાજના હશે તો તે સમાજે પણ શીખવું પડશે. હવે બંનેમાંથી કોને વહેલાં સફળતા મળે છે તેનો આધાર કોણ કેટલું ઝડપથી શીખે છે તેના પર છે. જો રાજકારણી ઝડપથી શીખશે તો તેને સફળતા મળશે અને સમાજ ઝડપથી શીખશે તો તે પોતાના જ સમાજના રાજકારણી પાસેથી મહત્તમ પ્રદાન મેળવીને સફળતા મેળવી શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/ન્યૂડ પાર્ટી : માનવ સંસ્કૃતિના ઉતરતાં ‘કપડા’

આ પણ વાંચો: MANTAVYA Vishesh/તંત્રથી તો તોબા-તોબાઃ ધારાસભ્યો તંત્રની તુમારશાહીથી અકળાયા, શિસ્તના ઉડ્યા લીરેલીરા

આ પણ વાંચો: MANTAVYA Vishesh/લોકસાહિત્યકાર દેવાયત ખવડ રાજકારણમાં એન્ટ્રી કરે તેવી સંભાવના