નવનીત બાલધિયા વિવાદમાં SITની કાર્યવાહી પછી હજી પણ વિવાદ શાંત થયો લાગતો નથી. આ વિવાદમાં પહેલી જ વખત માયાભાઈ આહિર અને હીરા સોલંકી સામસામે આવી ગયા છે, જે અત્યાર સુધી આવ્યા ન હતા. માયાભાઈ આહિરે વર્તમાન વિવાદના સંદર્ભમાં વર્તમાન ઘટનાક્રમમાં શોલેના ફિલ્મના સંવાદને ટાંકીને આડકતરી રીતે જણાવ્યું હતું કે જે થયું હતું તે બરાબર છે અને જે થઈ રહ્યું છે તે પણ બરોબર છે. આમ નવનીત બાલધિયાના હુમલાના સંદર્ભમાં પહેલી જ વખત માયાભાઈ આહિરનું આ પ્રકારનું નિવેદન આગવી દાર્શનિક અદામાં આવ્યું હતું.

જો કે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ આ જ વાત પર વળતો પ્રહાર પણ કર્યો હતો. તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે જો જે થયું હતું તે બરોબર છે તો પછી હવે જે પણ થઈ રહ્યું છે તે પણ બરાબર છે. તેમણે આક્રમક સ્વરે જણાવ્યું હતું કે એક વ્યક્તિની જાણ બહાર તેના પર આઠ-આઠ જણા હુમલો કરે તે ક્યાંની મર્દાનગી છે. જયરાજ આહિરને જેલમાં લઈ જઈને કાયદાએ કાયદાનું કામ કર્યુ છે, પરંતુ તેના ચહેરા પર પસ્તાવાના કોઈ ચિન્હો દેખાતા નથી. તેણે તેના કાર્ય બદલ માફી પણ માંગી નથી. આ તો ધરાર દાદાગીરી કહી શકાય. તે શું જેલવાસ કરીને બહાર હીરો તરીકે આવવા માંગે છે, શું તે પોતાના જેલવાસને પિતાને કરવામાં આવેલા તર્પણ તરીકે જુએ છે.

હીરા સોલંકીએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે આજે જો અમારો કોળી સમાજ મેદાનમાં ઉતર્યો ન હોત તો નવનીત બાલધિયા તો કૂટાઈ જ ગયો હોત. તમે વિચાર કરો કે એક વ્યક્તિની આ રીતે સાતથી આઠ જણાએ મારઝૂડ કરી. તેની પાછળ સૂત્રધાર કોણ છે તે ખબર હોવા છતાં સ્થાનિક પોલીસ ઢાંકપીછોડો કરીને તેની સામે કોઈ કાર્યવાહી ન કરે. એક સામાન્ય વ્યક્તિને ન્યાય અપાવવા માટે આખા સમાજ, 15-15 ધારાસભ્ય અને ત્રણ-ત્રણ સાંસદોએ મેદાનમાં ઉતરવું પડ્યુ. ગૃહપ્રધાનથી લઈને સીએમ સુધી દોડવુ પડ્યું ત્યારે આ મામલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના થઈ. તેના પછી જયરાજ આહિર સામે કાર્યવાહી થઈ અને તેની પૂછપરછ કરવામાં આવી અને તેને જેલભેગો કરવામાં આવ્યો.
કોઈને કદાચ એમ લાગે કે કોળી સમાજ કે કોળી સમાજના ધારાસભ્યો તરીકે અમે વધુ પડતો ઉહાપોહ કરી રહ્યા છે, વાતનું વતેસર કરી રહ્યા છે. કોઈને બિનજરૂરી બદનામ કરી રહ્યા છે. રાજકીય રોટલા શેકી રહ્યા છે, રાજકીય કાવાદાવા કરી રહ્યા છે, કોઈને રાજકીય રીતે ચૂપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેઓએ તેની સાથે એમ પણ વિચારવું જોઈએ કે અમારે આવું કરવાની જરૂર કેમ પડી.
જો સ્થાનિક પોલીસે યોગ્ય તપાસ કરીને જયરાજ આહિર સામે કાર્યવાહી કરી હોત તો પછી અમે તો ચિત્રમાં પણ આવ્યા ન હોત. નવનીત બાલધિયાને માર મારવામાં આવે છે, તેનો વિડીયો ઉતારાય છે તો પોલીસને તો એટલી સમજ હોવી જોઈએ કે કોઈને વિડીયો બતાવાઈ રહ્યો છે. હવે આ વિડીયો જેને બતાવાયો હોય તેની સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાની હતી. વાત અહીં પૂરી થઈ ગઈ હોત, જેમ આજે સિટ નીમાયા પછી કાયદાએ કાયદાનું કામ કર્યુ હોત તો તે સમયે પણ યોગ્ય કાર્યવાહી થઈ હોત તો આટલો બધો ઉહાપોહ જ થયો ન હોત.
જો આજે આ રીતે કોઈને મારવામાં આવે અને વિડીયો ઉતારીને મોકલવામાં આવે તો તેને રોકવામાં ન આવે તો આ જ પ્રકારની માનસિકતાવાળી વ્યક્તિ કાલે ઉઠીને કોઈની હત્યા કરીને આ પ્રકારના વિડીયો મોકલાવે ત્યારે શું કરશો, શું અમારે છેક સ્થિતિ ત્યાં સુધી જાય તેની રાહ જોવાની, ત્યાં સુધી હાથ પર હાથ મૂકીને બેસી રહેવાનું. અમે કોઈ સમાજનો વિરોધ કરતાં નથી, બસ અમારા સમાજની વ્યક્તિ પર હુમલો થયો અને પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરી, તેથી તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરી છે. અમને આનાથી વિશેષ કશું જોઈતું પણ નથી. અહીં તંત્રએ હવે આ મુજબ કાર્યવાહી કરી જ છે.
તેમણે જણાવ્યું હતું કે કોઈ ગુનેગારે ગુનો કર્યો હોય તો તે મોઢું છૂપાવીને ફરે કે શરમ અનુભવે, પણ જયરાજ જે રીતે ગયો તે જોઈને લાગે છે કે તેને કોઈ પસ્તાવો હોય. એક વ્યક્તિને મારવા માટે આઠ વ્યક્તિને મોકલીને તેણે કઈ મર્દાનગી બતાવી. જો તે ખરેખરો મર્દ હોત તો તેણે સીધી બાલધિયા સામે બાથ ભીડવી જોઈએ. તેનામાં તાકાત હોય તો તેને બગદાણા ધામમાંથી બાલધિયાને કઢાવીને પણ પોતાની તાકાત બતાવી શક્યો હોત, પરંતુ નવનીત બાલધિયા પર હુમલો કરાવીને તેણે સાબિત શું કર્યુ. તેના દ્વારા તે શું બતાવવા માંગતો હતો કે અમે ગમે તે કરીશું, પરંતુ અમને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. અમારો વિરોધ આ માનસિકતા સામેનો જ છે. પછી આ તો માયાભાઈનો પુત્ર છે, પરંતુ તેના બદલે બીજું કોઈ પણ આ પ્રકારનું હોત તો અમારી લડત આવી જ હોત. કંઈ નામ બદલાય એટલે લડત ન બદલાઈ જાય.
જયરાજ જેલમાં ગયો એટલે તો કોળી સમાજે આ બાબતને તેમના સમાજના યુવાનને ન્યાય મળી ગયો તે રીતે જોઈ છે અને તેની ઉજવણી પણ થઈ છે, પણ હીરા સોલંકી કેડો મૂકવા માંગતા હોય તેમ લાગતું નથી.
