MANTAVYA Vishesh/ ઓપરેશન સિંદુર: ‘સિંદુર’ મિટાવનારાઓને મિટાવી દીધા

ભારતીય મહિલાઓના માથા પરના સિંદૂર મિટાવશો તો તમારા માથા પણ સલામત નહીં રહે, આ જવાબ છે ભારતનો પહલગામ આતંકવાદી હુમલાનો.

Mantavya Vishesh

ભારતીય મહિલાઓના માથા પરના સિંદૂર મિટાવશો તો તમારા માથા પણ સલામત નહીં રહે, આ જવાબ છે ભારતનો પહલગામ આતંકવાદી હુમલાનો. પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીપૂછીને ભારતીય મહિલાઓના માથા પરના સિંદૂરને મિટાવ્યું હતું, તેના પખવાડિયામાં જ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને POKમાં અનેક આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કરી દઈ ભારતીય મહિલાઓના સિંદૂર મિટાવનારાઓને જ મિટાવી દીધા છે. તેની સાથે ભારતે હવે સંકેત આપી દીધો છે કે ગોળીનો જવાબ તે ગોળીથી નહી, હવે મિસાઇલથી આપશે, ભારત ફક્ત સરહદ પર બંદૂકથી ગોળીબારનો જવાબ બંદૂકથી આપીને જવા દેવામાં નહીં માને.

ભારતના આ ઓપરેશનમાં આતંકવાદી મસૂદ અઝહરનું આખું ખાનદાન ખતમ કરી દેવાયું છે. હજી પણ જો પાકિસ્તાન નહીં સુધરે તો કદાચ આ જ પ્રકારની સ્ટ્રાઇક પાકિસ્તાનની નિયતી બની રહેશે તેવો સંકેત પણ ભારતના ભૂતપૂર્વ જનરલ મનોજ નરવણેએ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે પિક્ચર અભી બાકી હૈ. ભારતના આ હુમલામાં 100થી પણ વધારે આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. તેની સાથે ભારતે હવે ફક્ત પાકિસ્તાન જ નહીં વિશ્વમાં ક્યાંય પણ તેની સામે આતંકવાદી કાવતરું થતું હશે તેના પર એરસ્ટ્રાઇક કરવાનો અધિકાર મેળવી લીધો છે.

ભારતમાં 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નિર્દોષના મોત થયા હતા અને 17ને ઇજા થઈ હતી. તેના બરોબર પખવાડિયા પછી ભારતે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. આ રીતે પાકિસ્તાનમાં હવે ક્યાંય પણ આતંકવાદી ઠેકાણા હશે તેના પર હુમલો કરવાની ક્ષમતા ભારતે કેળવી લીધી છે. તેમા પાકિસ્તાનનું લશ્કર પણ કશું નહીં કરી શકે. આ સાથે પાકિસ્તાનની એરડિફેન્સ સિસ્ટમ પણ ભારતીય એરસ્ટ્રાઇકને રોકવામાં નિષ્ફળ ગઈ હોવાનું પુરવાર થયું છે. તેની સાથે પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ભારતીય પ્રહારોને રોકવા માટે સક્ષમ નથી તે પણ દેખાઈ આવ્યું છે. તાલિબાનો કદાચ તેનો ફાયદો ઉઠાવી શકે છે.

ભારતના આ હુમલાએ હવે તે પણ પુરવાર કર્યુ છે કે ભારત નાગરિક જાનહાનિ ટાળીને ચોકસાઈપૂર્વકના હુમલા કરવાની ક્ષમતા મેળવી ચૂક્યું છે. આ પ્રકારના હુમલામાં ટાર્ગેટને ઓળખી કાઢીને ફક્ત તેના પર ફોક્સ કરીને જ હુમલો કરવામાં આવે છે અને તેને ખતમ કરી દેવાય છે. નાગરિકોને કોઈ નુકસાન થતું નથી. હાલમાં આ પ્રકારની ક્ષમતા ફક્ત અમેરિકા, ઇઝરાયેલ અને બીજા કેટલાક ગણ્યાગાંઠ્યા યુરોપીયન દેશો પાસે જ છે. આ ક્ષમતા હવે ભારતે પણ મેળવી લીધી છે.

પાકિસ્તાને ભારતની એરસ્ટ્રાઇકથી બચવા માટે તેના લોન્ચપેડ ખસેડ્યા હતા અને આતંકવાદીઓને બંકરમાં ધકેલી દીધા હોવા છતાં પણ ભારતે તેના પર કરેલી આ સ્ટ્રાઇકે બતાવ્યું છે કે ભારતીયોનું સિંદૂર મિટાવનારા વિશ્વમાં ગમે તેવા બંકરમાં પણ સલામત નથી. તેમાં પણ આ હુમલાનું નિવેદન પણ ભારતીય લશ્કરની મહિલા અધિકારી સોફિયા કુરેશી અને એરફોર્સની વ્યોમિકા સિંહ પાસે કરાવીને ભારતીય લશ્કરે એક અદભુત મિસાલ પણ રજૂ કરી દીધી છે.

ભારતીય લશ્કરમાં મહિલાઓ કયા સ્થાને છે અને તે કેટલી મહત્વની ભૂમિકાઓ નીભાવી શકે છે તે પણ ભારતે સમગ્ર વિશ્વ સમક્ષ દર્શાવ્યું છે. તેની સામે પાકિસ્તાનને પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે પોતે એક બીમાર માનસિકતામાંથી બહાર આવે. આજે આ બીમાર માનસિકતાના લીધે આખુ પાકિસ્તાન એક બીમાર રાષ્ટ્ર બની ગયું છે. તેનું વિશ્વસ્તરે તો ઠીક પોતાના ઘરમાં પણ સન્માન નથી. તેની સ્થિતિ ભીખારીઓ જેવી થઈ ગઈ છે, જે બધે જ હડધૂત થાય છે. સન્માન અને પ્રતિષ્ઠા જાણે તેની સમજ બહારનો વિષય બની ગયા હોય તેવી સ્થિતિ છે. પાકિસ્તાનીઓએ વિદેશમાં લોકોના આક્રોશથી બચવા માટે પોતાની ઓળખ પણ ભારતીય તરીકે આપવી પડે છે. પાકિસ્તાની પાસપોર્ટ આખા વિશ્વમાં સૌથી બદનામ પાસપોર્ટ બની ગયો છે. પાકિસ્તાની હોવાનું સ્વાભિમાનનું નહીં પણ એક રાષ્ટ્રીય શરમનું પ્રતીક બની ગયું છે.

આમ આતંકના કોઈ ઠેકાણા હવે ભારતીય લશ્કરની પહોંચની બહાર નથી તેવો સંકેત ભારતે આ આપરોશન દ્વારા આપ્યો છે. આતંકના આકાઓના માથા હવે લાંબા સમય સુધી તેમના ધડ પર નહીં રહે, આગામી સ્થિતિ હવે તે હદ સુધી લઈ જવાની છે કે ભારત સામે કોઈ દેશ પ્રત્યક્ષ કે પરોક્ષ આતંકવાદ ફેલાવવાનું વિચારતો હોય તે સો વખત વિચારશે. ભારતના આ હુમલાએ ટેરર કેમ્પમાં ટેરર ફેલાવી દીધો છે.

આતંકવાદીઓ ભલે હવે ગમે તેની પાસેથી તાલીમ લે, પણ ભારતીય લશ્કરની સ્ટ્રાઇક સામે તે સલામત નથી. આતંકવાદીઓએ જો હુમલો કર્યો તો તેઓએ વળતા જવાબમાં તેમની સાત પેઢીઓએ પણ નહીં જોયા હોય તેવા હુમલાઓનો સામનો કરવો પડી શકે છે. આતંકવાદના આકાઓને સ્મશાન ભેગા કરવાનું મન ભારતીય લશ્કરે બનાવી દીધું છે. આતંકવાદીઓ ભારતીય લશ્કરથી કાયમ માટે ફફડતા રહે તે સ્થિતિમાં તેમને મૂકવાનું ભારતીય લશ્કરનું આયોજન છે. આતંકવાદીઓનો એવો સોથ વાળી દેવાનો છે કે ફક્ત કાશ્મીરમાં જ નહીં આતંકવાદીઓ વિશ્વમાં પણ ક્યાંય આતંક ફેલાવવાનો વિચાર ન કરી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી