વિશ્વ ઉમિયાધામના વડા આર.પી. પટેલે કચ્છના નખત્રાણાના પાટીદાર સમાજના કાર્યક્રમમાં પાટીદારો માટે વન ફેમિલી વન ચાઇલ્ડ કે નો-ચાઇલ્ડની પોલિસી ઘાતક નીવડી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાટીદારો કુટુંબોએ એક કે બે નહીં પણ ત્રણથી ચાર બાળકોને જન્મ આપવો જોઈએ. જો તે આમ નહીં કરે તો તેમનું સંખ્યાબળ ઘટશે. જનપ્રતિનિધિત્વ પણ સંખ્યાના આધારે જ મળે છે તે યાદ રાખવું જોઈએ. આ રીતે વસ્તી ઘટતી રહેશે તો સનાતન હિંદુ ધર્મ પણ જોખમમાં મૂકાશે. તેથી વસ્તીને જાળવવા માટે જરૂરી છે કે દરેક હિંદુ કુટુંબ પૂરતા પ્રમાણમાં સંતાનોને જન્મ આપે. તેમના આ નિવેદનના પાટીદાર સમાજમાં જ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
અન્ય પાટીદાર અગ્રણી દિનેશ બાંભણીયાનું આ મુદ્દે કહેવું હતું કે હું તેમના નિવેદન સાથે પૂર્ણપણે તો નહીં પણ આંશિક રીતે સંમત થઉં છું. આજે પાટીદારોના ખેતરો રેઢા પડ્યા છે. કુટુંબમાં એક કમાનાર શહેરમાં જતો રહે પછી ઘરે કોઈ ખેતર સંભાળનાર નથી. તેમા પણ એકનું એક સંતાન હોય અને તે અકસ્માતમાં મૃત્યુ પામે તો જમીનથી લઈને મિલકત બધુ રેઢુ પડી રહે છે. માબાપને પણ વિસામો રહેતો નથી. આ સંજોગોમાં પાટીદાર કુટુંબની સ્થિતિ દયનીય બની જાય છે. તેથી તેમનું નિવેદન પ્રાસંગિક છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આંકડા આવ્યા છે કે ભારતનો વસ્તીવૃદ્ધિદર પહેલી વખત બે ટકાથી નીચે ઉતરીને 1.98 ટકા થઈ ગયો છે. આ ઘણી ચોંકાવનારી બાબત છે, કારણ કે કોઈપણ વસ્તીને ટકાવવા માટે કે માનવ વસાહતને અસ્તિત્વ માટે 2.1 ટકાનો વૃદ્ધિદર જરૂરી છે. જ્યારે ભારતમાં આ દર હવે તેનાથી પણ નીચે ઉતરી ગયો છે. તેના દુષ્પરિણામ આગામી દાયકાઓમાં જોવા મળી શકે છે. ચીને વસ્તીવૃદ્ધિ દરમાં નોંધપાત્ર ઘટાડો થતા એક બાળકની નીતિ ત્યજવી પડી એટલું જ નહીં રીતસરનું નીતિગત શીર્ષાસન કરતાં બાળકોના જન્મને પ્રોત્સાહન આપવાની ફરજ પડી છે. વસ્તીવૃદ્ધિ ઘટવાથી દરેક દેશમાં વૃદ્ધોનું પ્રમાણ વધી રહ્યું છે. હવે જે દેશમાં વૃદ્ધોનું પ્રમાણ વધે ત્યાં આર્થિક વૃદ્ધિને બ્રેક વાગે છે. આજે જાપાન, સાઉથ કોરીયા, અમેરિકા અને યુરોપીયન દેશો આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.
વધુ બાળકોને જન્મ આપવાના આ વિવાદને લઈને અન્ય પાટીદાર અગ્રણી લાલજી પટેલે આનાથી વિપરીત મત વ્યક્ત જણાવ્યું હતું કે પાટીદારોની વર્તમાન પેઢી તે યુવા પેઢી છે અને તે પોતાનું સારું નરસું સારી રીતે સમજે છે. તેને ખબર છે કે તેણે શું કરવું. આ માટે તેને કોઈને સલાહની જરૂર નથી. પાટીદાર કુટુંબ જાણે છે કે તેમણે કેટલા સંતાનને જન્મ આપવો, તે તેમની વ્યક્તિગત સમજ છે. તેના માટે તેમને ફક્ત આર પી પટેલ જ નહીં પણ બીજા કોઈપણ પાટીદાર અગ્રણીની સલાહસૂચનની જ જરૂર જ નથી. તેઓને ખબર છે કે તેમણે આગળ કઈ રીતે વધવું. ગુજરાતમાં સવા કરોડનો પાટીદાર સમાજ છે અને તે સંગઠિત હોય તો પછી ગમે તે સ્થળે ધાર્યુ પરિણામ મેળવવા સક્ષમ છે, પછી તે રાજકારણ હોય કે કારોબાર હોય.
કોંગ્રેસના પાટીદાર આગેવાન ગીતા પટેલે આર.પી. પટેલના નિવેદન સામે વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ જે પ્રકારે વાત કરી રહ્યા છે તે સદંતર ખોટી છે. તેમની આ પ્રકારની વાત તે એક રીતે પાટીદાર કુટુંબોની સમજશક્તિ પર જ પ્રહાર છે. તેઓ તો જાણે તેવું કહેવા માંગે છે કે પાટીદાર કુટુંબોને ખબર જ નથી કે તેમને કેટલા સંતાન હોવા જોઈએ, કેટલા સંતાનને તેમને જન્મ આપવો જોઈએ. તેઓ શું પાટીદાર કુટુંબોને આટલી ઓછી સમજવાળા આંકે છે. આ રીતે પાટીદાર કુટુંબોને સમજશક્તિ પર પાટીદાર આગેવાન જ સવાલ ઉઠાવે તે વાત અત્યંત આશ્ચર્યજનક અને વખોડવા લાયક છે. પાટીદાર કુટુંબોની સમજશક્તિ પર સવાલ ઉઠાવવાનો કોઈને પણ અધિકાર નથી, પછી ભલેને તે પાટીદાર આગેવાન કેમ ન હોય. આજે તેમણે પાટીદાર કુટુંબોએ આટલા બાળકોને જન્મ આપવો જોઈએ તેમ કહ્યુ, આવતીકાલે તે બીજું કંઇક કહે એટલું શું તેનું અનુસરણ કરવાનું. તેમની વાત સાથે હું જરા પણ સંમત નથી.
અન્ય પાટીદાર આગેવાન અને આમ આદમી પાર્ટી (AAP)ના રેશ્મા પટેલે પણ આવો જ સૂર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંખ્યાના આધારે કોઈ પ્રગતિ ન મપાય. આ રીતે જોઈએ તો સાવજ સૌથી ઓછા હોય છે, પણ તે જ રાજા કહેવાય છે. આમ સંખ્યા કરતાં ગુણવત્તા વધારે મહત્વની છે. દેશમાં એકબાજુએ બેરોજગારીનું પ્રમાણ વધ્યુ છે, યુવાનોને રોજગાર મળતા નથી, આ સમયે ત્રણથી ચાર બાળકો પેદા કરવાની વાત યોગ્ય નથી. આર.પી. પટેલ તો કરોડપતિ છે, તેમને કદાચ આટલા બાળકો પોષાય. પણ આ બાળકો પેદા કર્યા પછી માંડ ત્રણથી ચાર વીઘામાં પેટનું ગુજરાન પૂરુ કરી શકતા પાટીદારો શું કરશે, તેનો તેમને વિચાર આવે છે. આ બાળકોના ભણતરથી લઈને તેમની કારકિર્દી પાછળ કેટલા રૂપિયા ખર્ચાય છે તેની તેમને ખબર છે ખરી? આજે દરેક બાળકનું ભણતર કેટલું મોંઘુ થઈ ગયુ છે, પાટીદાર કુટુંબો માંડ-માંડ ઘરનું પૂરુ કરે છે અને એક બાળકને ભણાવી શકે છે. આ સંજોગોમાં ત્રણથી ચાર બાળકો પેદા કર્યા પછી તેનું પોષણ કરવાની ક્ષમતા છે ખરી તેનો પણ વિચાર કરવો જોઈએ. જો આ રીતે સંતાનો પેદા કરવા જ હોય તો પાટીદાર કરોડપતિઓ અને લખપતિઓ તેનો પહેલા પ્રારંભ કરે, પછી બીજા પાટીદારોને સલાહ આપે. આમ પાટીદાર અગ્રણીના એક નિવેદને સમાજની અંદર બરોબરની હલચલ મચાવી દીધી છે. આગામી દિવસોમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ માનવામાં આવે છે.
ડિસ્ક્લેમરઃ ઉપરોક્ત માહિતી પ્રસ્તુત વિગતોના આધારે આપવામાં આવી છે. તેના સ્ત્રોતની અધિકૃતતા માટે મંતવ્ય ન્યૂઝ (ડિજિટલ) જવાબદાર રહેતું નથી. તેથી દરેકે તેને આધાર માનીને આગળ વધતા સ્વતકેદારી રાખવી જરૂરી છે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ
આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ
આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો
