Surat News: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની માર્કેટ (Market)માં 10 સપ્ટેમ્બરે લાગેલી ભીષણ આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદ સાવલેએ બાકી રહેલા 10 હજારના પગાર અને નોકરી દરમિયાન થયેલા કથિત અપમાનના કારણે માર્કેટમાં આગ લગાવવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
10 હજારના પગારના વિવાદે લીધો ખોફનાક વળાંક
પોલીસના જણાવ્યા પ્રમાણે, વિનોદ સાવલે (Vinod Savle)શ્યામ સંગિની માર્કેટની બે પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હતો. નોકરી દરમિયાન તેને કામને લઈને ટોકવામાં આવતો હોવાનો આરોપીએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો. ખાસ કરીને “તને એકાઉન્ટનું 10 ટકા કામ પણ નથી આવડતું” જેવા શબ્દોથી પોતાનું અપમાન થતું હોવાનું તેણે જણાવ્યું હતું. નોકરી છોડ્યા બાદ તેના 10 હજાર જેટલા પગારની રકમ બાકી હોવાનું અને તે અંગે ઉઘરાણી કરવા છતાં રકમ ન મળતાં તે નારાજ થયો હતો.
150ના પેટ્રોલથી રચાયું કાવતરું

પોલીસ તપાસ અનુસાર, માર્કેટમાં આગ લગાવવાના કાવતરાના ભાગરૂપે વિનોદે આગલી સાંજે પેટ્રોલ પંપ પરથી 150નું પેટ્રોલ ખરીદ્યું હતું. પેટ્રોલ પ્લાસ્ટિકની બોટલમાં ભરીને સ્કૂલ બેગમાં સંતાડ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આગ લગાવવાના ઇરાદા સાથે તે 10 સપ્ટેમ્બરની રાત્રે શ્યામ સંગિની માર્કેટમાં પહોંચ્યો હતો.
Marketમાં ત્રણ મિનિટમાં આગ લગાવીને થયો ફરાર
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ માર્કેટમાં પેટ્રોલ છાંટી આગ (Shyam Sangini Market Fire)લગાવી હતી અને ત્યારબાદ માત્ર ત્રણ મિનિટમાં ઘટનાસ્થળેથી નીકળી ગયો હતો. ઘટનાસ્થળના CCTV ફૂટેજમાં આરોપીની હિલચાલ કેદ થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આગને શરૂઆતમાં શોર્ટ સર્કિટની ઘટના માનવામાં આવે તેવી આરોપીની ધારણા હતી, પરંતુ CCTV ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટનાની દિશા બદલાઈ ગઈ.
CCTV સામે આવતા સુરત છોડ્યું
આગ માનવસર્જિત હોવાના સમાચાર અને CCTV ફૂટેજ સામે આવ્યા બાદ આરોપી ગભરાઈ ગયો હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારબાદ તેણે મોબાઈલ ફોન બંધ કરી પરિવાર સાથે સુરત છોડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, તે પહેલા રાજસ્થાનના ખાટુશ્યામ અને ત્યારબાદ અયોધ્યા ગયો હતો. જોકે, પૈસા ખૂટી જતા તે ફરી સુરત પરત આવ્યો હતો.
સુરત પરત ફરતાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
સુરત પરત આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે વિનોદ સાવલેને ડિંડોલીના ફ્લાવર ગાર્ડન (Dindoli’s Flower Garden) પાસેથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું.
આગમાં 24 કરોડથી વધુનો કાપડનો જથ્થો બળ્યો
શ્યામ સંગિની માર્કેટમાં લાગેલી આગે ભારે નુકસાન સર્જ્યું હતું. આગમાં છઠ્ઠા માળની દુકાનોમાં રાખેલો 24 કરોડથી વધુનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત આગ બુઝાવવા ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન પાણીના કારણે નીચેના માળના વેપારીઓના માલને પણ નુકસાન થયું હતું. માર્કેટ સીલ કરવામાં આવતા વેપારીઓનો ધંધો પણ પ્રભાવિત થયો હતો. તહેવારોની સિઝન દરમિયાન બનેલી આ ઘટનાથી અનેક વેપારીઓને મોટું આર્થિક નુકસાન થયું છે.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ જોડ્યા હાથ
ધરપકડ બાદ 21 સપ્ટેમ્બરની રાત્રે આરોપીને શ્યામ સંગિની માર્કેટમાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપીએ પોતાના કૃત્ય બદલ હાથ જોડીને માફી માગી હતી. માત્ર 10 હજારના બાકી પગાર અને કથિત અપમાનના વિવાદથી શરૂ થયેલી આ ઘટનામાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: રશિયામાં ચૂંટણીના અંતિમ દિવસે મોસ્કોની ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો, આગથી ખળભળાટ
આ પણ વાંચો: સુરતમાં સાલાસર ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ: ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
આ પણ વાંચો: સુરત શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં મોટો વળાંક: CCTVમાં આગ લગાવતો શખસ કેદ, 25-30 કરોડના નુકસાનનો અંદાજ
