Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કંપનીના બોસ તરીકે WhatsApp પર ઓળખ આપી કરાયેલી WhatsApp Boss Scam (WhatsApp Boss Scam)માં સાયબર સેલે ઝડપી કાર્યવાહી કરીને મોટી રકમ પરત અપાવવામાં સફળતા મેળવી છે. એક કંપનીના કર્મચારીને અજાણ્યા વ્યક્તિઓએ WhatsApp મારફતે વિશ્વાસમાં લઈને તાત્કાલિક નાણાકીય વ્યવહાર કરવાની સૂચના આપી હતી. પરિણામે કંપનીના બેંક ખાતામાંથી રૂ.3 કરોડની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.
WhatsApp Boss Scam : WhatsApp પર બોસ બનીને વિશ્વાસમાં લીધો
પોલીસના જણાવ્યા પ્રમાણે, 18 ઓગસ્ટ 2026ના રોજ ફરિયાદી હાદિક પટેલને અજાણ્યા આરોપીઓએ WhatsApp એકાઉન્ટ કમ્પ્રોમાઇઝ અથવા ઇમ્પર્સોનેશનના માધ્યમથી સંપર્ક કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીના બોસ તરીકે ઓળખ આપી તેમની સાથે વાતચીત શરૂ કરી હતી.
વાતચીત દરમિયાન તાત્કાલિક પેમેન્ટ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર હોવાનું જણાવી ફરિયાદીને વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ પોતાની કંપની Pure and Cure Companyના બેંક ખાતામાંથી આરોપીઓ દ્વારા આપવામાં આવેલા ખાતામાં રૂ.3 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા.
ફરિયાદ બાદ સાયબર સેલની તાત્કાલિક કાર્યવાહી
આ ઘટના અંગે ફરિયાદીએ 18 ઓગસ્ટના રોજ ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીના આધારે અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમ (Cyber Crime)પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ મામલે સાયબર સેલ, LCBની ટીમે નાણાકીય ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી હતી. ટીમે ઝડપી કાર્યવાહી કરીને છેતરપિંડીથી ટ્રાન્સફર થયેલી રકમમાંથી રૂ.2,94,00,165 જેટલી રકમ સમયસર હોલ્ડ/લીએન કરાવવામાં સફળતા મેળવી હતી.
₹2.88 કરોડ કોર્ટ ઓર્ડરથી પરત
પોલીસની કાર્યવાહી બાદ હોલ્ડ કરાવવામાં આવેલી રકમમાંથી રૂ.2,88,00,165 ફરિયાદીને કોર્ટના આદેશથી પરત અપાવવામાં આવી છે. બાકીની રકમની રિકવરી માટે પ્રક્રિયા ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.
સાથે જ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ, નાણાં કયા-કયા ખાતામાં ગયા અને સમગ્ર Money Trail અંગે તપાસ પણ ચાલુ છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને સોશિયલ મીડિયા અને ઓનલાઈન નાણાકીય વ્યવહારોમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
અજાણ્યા મેસેજ અને પેમેન્ટ રિક્વેસ્ટથી સાવધાન
સાયબર સેલે સોશિયલ મીડિયા એકાઉન્ટ શક્ય હોય ત્યાં સુધી પ્રાઇવેટ રાખવા અને અજાણી વ્યક્તિ સાથે અંગત માહિતી કે ફોટોગ્રાફ શેર ન કરવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર કોઈ ઓળખીતાના નામે પૈસાની માંગણી થાય તો સીધી રકમ મોકલવાને બદલે સંબંધિત વ્યક્તિનો અન્ય માધ્યમથી સંપર્ક કરીને ચકાસણી કરવી જરૂરી છે.
આ ઉપરાંત અજાણી ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરવી, વીજળી કનેક્શન બંધ થવાના નામે આવતા ફોન-મેસેજથી સાવધાન રહેવું અને Google પર મળેલા અજાણ્યા નંબર પર વિશ્વાસ ન કરવો તેવી સૂચના આપવામાં આવી છે.
ઓનલાઈન ખરીદી હંમેશાં સત્તાવાર વેબસાઇટ પરથી કરવી તથા કેશબેક, રિવોર્ડ, વધુ નફો કે લોભામણી સ્કીમના નામે રોકાણ કરતા પહેલાં તેની વિશ્વસનીયતા તપાસવી જોઈએ. બેંક કે મોબાઇલ કંપનીના નામે OTP, પાસવર્ડ અથવા બેંકની ગુપ્ત માહિતી માંગવામાં આવે તો આવી વિગતો આપવી નહીં.
TeamViewer, AnyDesk જેવી રિમોટ એક્સેસ એપ્લિકેશન અજાણી વ્યક્તિની સૂચનાથી ઉપયોગમાં ન લેવાની પણ સલાહ આપવામાં આવી છે.
સાયબર છેતરપિંડી (Cyber Fraud)નો ભોગ બન્યા બાદ જેટલી ઝડપથી ફરિયાદ કરવામાં આવે તેટલી નાણાં રોકી રાખવાની શક્યતા વધી શકે છે. સાયબર ફ્રોડ (Cyber Fraud)ની ઘટનામાં 1930 હેલ્પલાઇન પર તાત્કાલિક સંપર્ક કરી શકાય છે અથવા cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે.
