એક સમયે જનસેવા માટે જાણીતો સ્વામિનારાયણ સંપ્રદાય (Swaminarayan Sampraday) હવે વિવાદમાં (Controversy) રહેવા માટે જાણીતો બન્યો છે…. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ કુલ 14 ફિરકા છે અને હાલમાં દરેક ફિરકો કોઈને કોઈ રીતે વિવાદમાં રહેવા લાગ્યો છે….તેમા પણ તેમના સનાતન ધર્મ (Sanatan dharma) અંગેના વિધાનોએ અને લખાણોએ તો રીતસરના બધાને ચોંકાવ્યા છે…. એક વિવાદ માંડ ઓસરે ત્યાં બીજો વિવાદ શરૂ થઈ જાય છે….
તાજેતરમાં જ સરધાર (Sardhar) સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપના (Swami Nityaswarup) વાઇરલ (Viral) થયેલા વિડીયોએ (Video) જનલાગણી ઉશ્કેરી છે…. આ વાઇરલ વિડીયોએ સનાતનીઓ અને હિંદુ સંગઠનોમાં (Hindu Organization) આક્રોશ પેદા કર્યો છે…. તેમણે વિવાદાસ્પદ વિધાન કર્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બનાવ્યા હતા…. તેના પછી 33 કરોડ દેવીદેવતાઓનું સર્જન પણ તેમણે કર્યુ…. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણના અબજો મેનેજર છે…. ઉલ્લેખનીય છે કે આ જ સ્વામિનારાયણ મંદિરની જમીનનો પણ વિવાદ ચાલી રહ્યો છે….

સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે બધા ભગવાનો, દેવીદેવતાઓ અને મહાપુરુષો અક્ષર પુરુષોત્તમ પછી આવે છે….આ બધા ભગવાનો, દેવીદેવતાઓ અને મહાપુરુષો ભગવાન સ્વામિનારાયણની વ્યવસ્થાને આગળ ધપાવે છે….ભગવાન સ્વામિનારાયણે એટલે કે અક્ષર પુરુષોત્તમે તેમની શાખાઓ આગળ વધારતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા ભગવાન બનાવ્યા…. તેના પછી પણ શાખાઓ આગળ વધારતા ઇન્દ્ર અને બીજા 33 કરોડ દેવીદેવતાઓ બનાવ્યા….તેના પછી શાખાઓ વધતા વિવિધ મહાપુરુષો અને સંતો બનાવ્યા હતા….
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા સ્વામીના આ વિડીયોને લઈને લોકોમાં જબરદસ્ત આક્રોશ છે…. લોકોએ સ્વામીના આ નિવેદનને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે…. આ નિવેદનને લઈને હિંદુ સંગઠનો અને ધાર્મિક સંગઠનોએ આક્રોશની લાગણી વ્યક્ત કરી છે…. તેઓએ આ નિવેદનની આકરી ટીકા કરી હતી….

જગન્નાથ મંદિર (Jagannath Mandir) ના મહંત દિલીપદાસજી મહારાજે (Mahant Dilipdasji) પણ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સનાતન અંગે આ પ્રકારની ટિપ્પણી શોભતી નથી…. હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાય છે અને દરેક સંપ્રદાય એકબીજાને સન્માન આપે છે…. કોઈ સંપ્રદાય બીજાના પર વિપરીત ટિપ્પણી કરતો નથી….તેથી સ્વામિનારાયણ સંપ્રદાયે પણ બીજી ભગવાનો અંગે વિપરીત ટિપ્પણી કરવાથી બચવું જોઈએ…. તેઓએ વિવાદાસ્પદ નિવેદનો ટાળવા જોઈએ…. તેઓને આ પ્રકારના વિધાનો શોભતા નથી. આવા વિધાનો કરીને તે પોતાના સંપ્રદાયનું જ અહિત કરે છે…. તેની સાથે તે બીજા સંપ્રદાયો સાથે બિનજરૂરી સંઘર્ષને જન્મ આપે છે….
હવે અહીં સવાલ એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફિરકાઓ દ્વારા સર્જાતી વિવાદની આ પરંપરા ક્યાં અટકશે…. શું તેમને કોઈ રોકનાર નથી, શું તેમને કોઈ ટોકનાર નથી? દર વખતે ક્યાં સુધી હિંદુ સંગઠનો અને ધાર્મિક સંગઠનો આ પ્રકારનો આક્રોશ વ્યક્ત કરતાં રહેશે? આ પ્રકારની ઘટના ક્યારેક જ બનતી ઘટના નથી, હવે તો કોઈને કોઈ ફિરકાનું આવું કંઇને કંઇ વિવાદાસ્પદ નિવેદન આવતું જ રહે છે… તેના પછી વિવાદ વધે તો તરત માફી માંગી લેવામાં આવે છે….

આ અંગે કેટલાક સાધુસંતોનું કહેવું છે કે તેઓને આ પ્રકારની ટેવ પડી ગઈ છે, તેઓ પોતે તો ગેરમાર્ગે દોરાયેલા છે, પરંતુ તેઓ તેમના શ્રદ્ધાળુઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે…. તેની સાથે કેટલાક સંતો માને છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ હિંદુ શાસ્ત્રોનો અભ્યાસ કરવાની તાતી જરૂરિયાત છે…. આ અભ્યાસ કંઈ એક કે બે સ્વામીઓએ જ નહીં પરંતુ તેમના બધા ફિરકાઓએ કરવાની જરૂર છે…. જો તેઓ આ અભ્યાસ કરશે તો જ તેમને હિંદુ ધર્મશાસ્ત્રોનો સાચો ખ્યાલ આવશે… તેના પછી તેઓ ધાર્મિક વિવાદ સર્જતા નિવેદનો નહીં કરે….
તેઓએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સેવાથી જ જાણીતો બન્યો છે…. આ સંપ્રદાયે વિવિધ કુદરતી આપત્તિઓ (Natural Disaster) વચ્ચે કરેલી સેવા અંગે લોકો સારી રીતે જાણે છે…. હવે જો આ સંપ્રદાય સેવા પડતી મૂકીને વિવાદનો માર્ગ પકડશે તો સંપ્રદાય અને લોકો બંનેમાંથી કોઈનું તેમા ભલું નહી થાય…. તેમા ઉપરથી સંપ્રદાયનું નામ ખરડાશે. ધર્મ બહુ સંવેદનશીલ બાબત છે, તેથી તેના અંગે જ્યારે કોઈ જાહેર ટિપ્પણી કરવામાં આવતી હોય ત્યારે તેમા સાવધાની દાખવવી આવશ્યક છે…. જો આમ કરવામાં ન આવે તો સમાજમાં વૈમનસ્ય ઊભું થાય છે….

જો કે આ બધી વાત તો લાંબાગાળાની થઈ, પરંતુ હાલમાં તો આ અવાંછિત વિવાદ સર્જતા આ સંપ્રદાયના સ્વામીઓના મોઢે તાળા કઈ રીતે લગાવવા તે મોટો સવાલ છે…. તેઓના પર ધાર્મિક વિવાદ સર્જવાનો કે ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો આરોપ મૂકી શકાય છે…. ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કંઈ બીજાની ધાર્મિક લાગણીઓ પર પ્રહાર કરવા તો ન કરી શકાય ને…. તેઓને આ રીતે વર્તતા રોકવા માટે કયા-કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરી શકાય છે તે જોવું રહ્યું….

હજી હમણા થોડા સમય પહેલા સનાતની સંત સમાજની મળેલી બેઠકમાં આ રીતે વિવાદ સર્જતા સ્વામિનારાયણ સંપ્રદાયના બધા 14 ફિરકાઓને નોટિસ પાઠવવામાં આવેલી છે….તેમા વિવાદ સર્જતા નિવેદનો જ નહીં પણ લખાણો પણ તેમના ધાર્મિક પુસ્તકોમાંથી દૂર કરવામાં આવે અથવા તો પુરવાર કરવામાં આવે તેમ જણાવાયું છે…. તેથી આગામી સમયમાં આ કાયદાકીય કાર્યવાહીનો પડઘો જોવા મળી શકે છે….હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફિરકાઓ આ નોટિસનો શું જવાબ આપે છે તેના પર આગળની કાર્યવાહીનો આધાર છે….
બીજું કશું નહીં તો પણ બિનજરૂરી વિવાદ સર્જતા આ ફિરકાઓની સામે યોગ્ય કાયદાકીય પગલાં ભરવા તો જરૂરી છે, જેથી તે ભવિષ્યમાં કોઈ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા નિવેદનો કરતાં અને લખાણ લખતા સો વખત વિચાર કરે…..
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
આ પણ વાંચો: સોલર પમ્પની નવી ટેકનોલોજીને લઈને તંત્રની ઉદાસીનતાથી ખેડૂતોને ફટકો
આ પણ વાંચો: કુબેરભંડારી મંદિરનો વિવાદ-ટ્રસ્ટીઓ બાખડ્યા, શ્રદ્ધાળુઓને હેરાનગતિ
