Ahmedabad News : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા GTU-IPFC ખાતે DPIIT-SPRIHA IPR ચેરની સ્થાપના દ્વારા બૌદ્ધિક સંપદા અધિકારો તથા શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું કાર્ય કરાઈ રહ્યું છે. આના ભાગરૂપે, GTU-IPFC અને DPIIT- SPRIHA ચેર, R&D સેલના સહયોગથી છ દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP)નું આયોજન કરવામાં આવેલ હતું, જેનો હેતુ IPRમાં અદ્યતન જ્ઞાન સાથે ફેકલ્ટીને સશક્ત બનાવવાનો હતો. આ કાર્યક્રમને GUJCOST અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) અને ગુજરાત સરકારનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
સમગ્ર ગુજરાતની ૨૧ કોલેજોમાંથી પસંદ કરેલ ૩૨ ફેકલ્ટી સભ્યોનું સામીપ્ય સાધીને FDP એ ડિરેક્ટોરેટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (DTE), ગુજરાત દ્વારા નિયુક્ત કરાયેલા સહભાગીઓ અને GUJCOST ના IP અને ઇન્ક્યુબેશન ઓફિસર્સ સાથે સહભાગિતા સુનિશ્ચિત કરી હતી. આ કાર્યક્રમ થકી પેટન્ટ્સ, ટ્રેડમાર્ક્સ, કોપીરાઈટ, ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન, ભૌગોલિક સંકેતો (GI) અને છોડની વિવિધ જાતો પર ફોકસ રાખતા 14 નિષ્ણાતોની આગેવાની હેઠળના સત્રોના માધ્યમથી વ્યાપક શિક્ષણનો અનુભવ વહેંચાયો હતો.
આ કાર્યક્રમમાં આ ઉદ્યોગના નિષ્ણાતોએ વાસ્તવિક-વિશ્વની પદ્ધતિઓ (રિયલ વર્લ્ડ એપ્લિકેશન) સાથે શૈક્ષણિક જ્ઞાનને જોડવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ઝાયડસ લાઇફસાયન્સિસ આઇ.પી. સેલના નિષ્ણાતો, વાય.જે. ત્રિવેદી એન્ડ કંપની, એચ.કે. આચાર્ય એન્ડ કું., સોની અને સોની, PAtectual IP લૉ સર્વિસિસ LLP, KK ટેકનોલીગલ અને ટ્રાઇવર્સ લો જેવી કંપનીઓના નિષ્ણાતોએ IP ફાઇલિંગ અને IPR અમલીકરણ પર મૂલ્યવાન જાણકારી પૂરી પાડી.
આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની મુખ્ય વિશેષતા પ્રશાંત કુમાર એસ. ભૈરપ્પનવર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓફ ટ્રેડ માર્ક્સ, GI અને કૉપિરાઇટ, અમદાવાદ દ્વારા લેવાયેલ સત્રો હતા જેમાં તેમણે ભૌગોલિક સંકેતો (GI), તેના કાયદાકીય માળખા અને ભારતમાં નોંધણી પ્રક્રિયા વિષે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. આ સત્ર થકી કાર્યક્રમના સહભાગીઓને GI સંરક્ષણ અને પ્રાદેશિક આર્થિક વિકાસમાં તેની ભૂમિકા વિશે ઊંડી સમજ મેળવવામાં મદદ મળી હતી.
આ ઉપરાંત,જી.ટી.યુ.ના અનુસ્નાતક વિભાગના ફેકલ્ટી સભ્યોએ આ શિક્ષા પ્રાપ્તિના અનુભવને વધુ સમૃદ્ધ બનાવતા તેઓના IP જનરેશન, GTUની IP ઇકોસિસ્ટમ અને વ્યાપારીકરણ વ્યૂહરચનાઓ પર તેમની નિપુણતાને પણ કાર્યક્રમના સહભાગીઓ સાથે વહેંચી હતી.અરસપરસ ચર્ચાઓ, સ્વતંત્ર પ્રયોગો, નિષ્ણાતોની આગેવાની હેઠળના સત્રો અને GTU Venturesના અટલ ઇન્ક્યુબેશન સેન્ટરની મુલાકાત તેમજ ડિઝાઇન ઇનોવેશન સેન્ટર અને આઇડિયા લેબની ટુર થકી ફેકલ્ટી સભ્યોને IPR પ્રેક્ટિસને સંશોધન, નવીનતા અને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સંકલિત કરવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ થવાની તક પ્રદાન કરેલ હતી. ઉચ્ચ શિક્ષણ ફેકલ્ટીને બૌદ્ધિક સંપદામાં અદ્યતન કુશળતાથી સજ્જ કરવાના આ કાર્યક્રમના ઉદ્દેશ્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો અને તેના સહભાગીઓને પોતપોતાની સંસ્થાઓમાં સંશોધન શ્રેષ્ઠતા અને નવીન શોધોને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવ્યા.