World News/ ફ્રાન્સમાં શિક્ષકો માટે સળગ્યો વિદ્યાર્થીઓનો રોષ: 30 શહેરોમાં આંદોલન, 21 શાળાઓમાં આગ લગાવી

Franceમાં શિક્ષકોની અછત અને બગડેલી શિક્ષણ વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓનો રોષ 30 શહેરોમાં ફેલાયો, 5 હજારથી વધુની અટકાયત

World Mantavya Vishesh
France

world News: ફ્રાન્સ (France)ના રસ્તાઓ પર હાલ ધુમાડો અને પથ્થરમારાનાં દૃશ્યો છે. શિક્ષકોની ઘટ અને લથડેલી શિક્ષણ વ્યવસ્થા સામે વિદ્યાર્થીઓએ શરૂ કરેલું આંદોલન હવે 30 શહેરો સુધી પહોંચી ગયું છે. આ દરમિયાન 15 વર્ષના એક કિશોરે પોતાનો હાથ ગુમાવ્યો છે, અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનથી મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો છે.

Franceમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર

17 સપ્ટેમ્બરે પેરિસ (Paris)ની એક શાળામાંથી શરૂ થયેલો વિરોધ ત્રણ અઠવાડિયામાં આખા દેશમાં ફેલાઈ ગયો. 6 ઓક્ટોબર સુધીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓની અટકાયત થઈ છે, જેમાં 87 ટકા સગીરો છે. ભીડને વિખેરવા પોલીસે સ્ટન ગ્રેનેડ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. એક વિસ્ફોટમાં 15 વર્ષનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો અને તેનો હાથ કાપવો પડ્યો.

આંદોલન હિંસક બન્યું છે. 21 શાળાઓને આગ ચાંપવામાં આવી છે અને 78 શિક્ષકો ઘાયલ થયા છે. યુનિયન સિન્ડિકેટ લાયસિનીના દાવા મુજબ 4.5 લાખ લોકો રસ્તા પર ઊતર્યા છે, જ્યારે સરકાર આ સંખ્યા 2.66 લાખ બતાવે છે.

વિદ્યાર્થીઓની માગ શું છે?

પેરિસ ઉપરાંત લિલ, માર્સેલી, લ્યોન, રેનેસ, તુલૂઝ અને નિમ્સ જેવાં શહેરોમાં મોટાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓની માગ સીધી છે કે શાળાઓમાં પૂરતા શિક્ષકો જોઈએ. સરકારી આંકડા પ્રમાણે ગયા વર્ષની તુલનામાં શિક્ષકોની સંખ્યા 10 ટકા ઘટી છે, અને હમણાંના બજેટમાં 3,256 જગ્યાઓ ઓછી કરાઈ છે. શિક્ષકોની અછત (Teacher Shortage) ઉપરાંત વિદ્યાર્થીઓનો આરોપ છે કે વર્ગોમાં 35થી 49 બાળકોને બેસાડાય છે, પીવાના શુદ્ધ પાણીની સગવડ નથી, અને ગરમીના મોજા વખતે 43 ટકા શાળાઓમાં પંખા કે હવાઉજાસની વ્યવસ્થા નહોતી.

ગરીબ અને મધ્યમ વર્ગ પર સૌથી વધુ માર

સેન-સેન્ટ-ડેનિસ જેવા વિસ્તારોમાં બે તૃતીયાંશ શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. 2018માં શરૂ થયેલી ઓનલાઈન યુનિવર્સિટી પ્રવેશ પ્રણાલી ‘પારકોરસપ’ સામે પણ પારદર્શિતા અંગે સવાલો ઊઠ્યા છે. બીજી તરફ વડાપ્રધાન લોકોર્નુએ ખાધ ઘટાડવા બજેટમાં 54 બિલિયન યુરોના કાપની વાત કરી છે. દેશનું દેવું GDPના આશરે 119 ટકા છે અને આવતા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી હોવાથી મેક્રોન (Macron) પર દબાણ વધ્યું છે.

સરકારનો જવાબ અને ટ્રમ્પનો પ્રવેશ

શિક્ષણ મંત્રીએ ઓનલાઈન પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી છે, જ્યાં ત્રણ અઠવાડિયા સુધી વિદ્યાર્થીઓ પોતાની તકલીફો અને અપેક્ષાઓ જણાવી શકશે. જોકે વિદ્યાર્થીઓ તેને ‘સ્મોક સ્ક્રીન’ ગણાવી સરકાર પરનો અવિશ્વાસ વ્યક્ત કરે છે. સરકારે આ વિરોધ પાછળ ડાબેરી પક્ષ LFIને જવાબદાર ઠેરવ્યો છે, પણ તેના નેતા જાં-લ્યૂક મેલેન્શોએ આરોપ નકારી કહ્યું કે આ આંદોલન સ્વયંભૂ છે.

આ બધા વચ્ચે ટ્રમ્પ (Donald Trump)એ ટ્રુથ સોશિયલ પર આ વિદ્યાર્થી આંદોલન (Student Protest)ને માસ માઈગ્રેશન અને ઈસ્લામ સાથે જોડ્યું. વિશ્લેષકો આ નિવેદનને નવેમ્બરમાં યોજાનારી અમેરિકન મિડ-ટર્મ ચૂંટણી સાથે જોડીને જુએ છે.

એક પેઢીના અસંતોષનો વિસ્ફોટ

આ આંદોલન માત્ર શાળાઓની સમસ્યા પૂરતું સીમિત નથી, પણ એક આખી પેઢીની નારાજગી છતી કરે છે. જે દેશે દુનિયાને શિક્ષણ અને લોકશાહીનો આદર્શ આપ્યો, ત્યાંના યુવાનો આજે પોતાના ભવિષ્ય વિશે સવાલ કરી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે સરકાર તેમની વાત સાંભળે છે કે નહીં.


આ પણ વાંચો:ફ્રાન્સમાં નોકરીનું સપનું બતાવી આણંદના યુવક સાથે રૂ.9.50 લાખની ઠગાઈ, લાતવિયા મોકલી ખાલી હાથે પરત કર્યો

આ પણ વાંચો:ફ્રાન્સમાં સનાતન પરંપરાનું ઐતિહાસિક સીમાચિહ્ન, પેરિસમાં BAPS હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ

આ પણ વાંચો:ફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર: ફ્રાન્સનું સપનું રોળાયું, સ્પેને 2-0થી ધૂળ ચટાડી ફાઇનલમાં મારી એન્ટ્રી