sports news/ ફિફા વર્લ્ડ કપમાં મોટો ઉલટફેર: ફ્રાન્સનું સપનું રોળાયું, સ્પેને 2-0થી ધૂળ ચટાડી ફાઇનલમાં મારી એન્ટ્રી

ફિફા (FIFA) વર્લ્ડ કપ 2026 ના રોમાંચક સેમિફાઇનલ મુકાબલામાં સ્પેને ફ્રાન્સને 2-0 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઓયાર્જાબેલ અને પેડ્રો પોરોના ગોલ અને સ્પેનની અજેય સફર વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Trending Sports
Major upset in the FIFA World Cup

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફૂટબોલ મહાકુંભ ફિફા (FIFA )વર્લ્ડ કપ 2026માંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચમાં સ્પેને અદભુત રમત બતાવીને ખિતાબની દાવેદાર ગણાતી ફ્રાન્સની મજબૂત ટીમને 2-0  થી હરાવી દીધી છે. આ શાનદાર વિજય સાથે સ્પેનની ટીમે ટાઈટલ જીતવા માટે ફાઇનલ ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. ડલાસના મેદાન પર રમાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં સ્પેને શરૂઆતથી જ ફ્રાન્સ પર દબાણ જાળવી રાખ્યું હતું અને બંને હાફમાં એક-એક ગોલ કરીને વિરોધી ટીમને બહાર નો રસ્તો બતાવી દીધો હતો.

પેનલ્ટીનો ફાયદો અને મેચનો ટર્નિંગ પોઈન્ટ

આ રોમાંચક મેચના પ્રથમ હાફથી જ સ્પેને પોતાના આક્રમક ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.

ઓયાર્જાબેલનો પહેલો પ્રહાર: મેચની 22મી મિનિટે ફ્રાન્સના ડિફેન્સિવ ખેલાડી લુકાસ ડિન્યે સ્પેનિશ પ્લેયર લામિન યમાલને બોક્સ પાસે પાડી દેતા રેફરીએ ફાઉલ જાહેર કર્યો અને સ્પેનને પેનલ્ટી કિક મળી. મિકેલ ઓયાર્જાબેલે જરાય ભૂલ કર્યા વગર આ તકને ગોલમાં ફેરવીને સ્પેનને 1-0 થી આગળ કરી દીધું. ચાલુ ટૂર્નામેન્ટમાં ઓયાર્જાબેલનો આ પાંચમો વ્યક્તિગત ગોલ હતો.

પેડ્રો પોરોએ જીત પર લગાવી મહોર: બીજા હાફમાં વાપસી કરવા માટે તલપાપડ ફ્રાન્સને 58મી મિનિટે બીજો મોટો ઝટકો લાગ્યો. ડેનિયલ ઓલ્મોના એક અદભુત અને સચોટ પાસ પર પેડ્રો પોરોએ બોલને ગોલપોસ્ટની અંદર ધકેલીને સ્પેનની લીડ 2-0 કરી દીધી. આ ગોલ સ્પેનની જીત નક્કી કરનારો સાબિત થયો.

લોખંડી ડિફેન્સ સામે એમ્બાપ્પે ફેઈલ

ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેએ બીજા હાફના અંત સુધી ગોલ કરવાના અનેક પ્રયાસો કર્યા, પરંતુ સ્પેનની અભેદ ડિફેન્સ લાઇનને તેઓ ભેદી શક્યા નહીં. જે ફ્રાન્સે સેમિફાઇનલ સુધી પહોંચતા પહેલા 16 ગોલ કર્યા હતા, તે આ મેચમાં એક પણ સ્કોર કરી શકી નથી.

યુરોપીયન ચેમ્પિયન સ્પેનની ટીમ હવે સતત 37 મેચોથી અજેય રહેવાનો રેકોર્ડ ધરાવે છે. આ આખા વર્લ્ડ કપની 7 મેચોમાં સ્પેને પોતાના ડિફેન્સના જોરે વિરોધી ટીમોને માત્ર એક જ ગોલ કરવા દીધો છે. વર્ષ 2010 માં પ્રથમવાર વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી સ્પેનિશ ટીમ હવે બીજી વખત વિશ્વ વિજેતા બનવાથી માત્ર એક ડગલું દૂર છે. 20 જુલાઈએ ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ મેચમાં સ્પેનનો મુકાબલો આર્જેન્ટિના અથવા ઇંગ્લેન્ડ સામે થશે.


આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં બધું ઠીક નથી? વિરાટ કોહલી-ગૌતમ ગંભીર વચ્ચે અણબનાવના અહેવાલથી ચર્ચા તેજ

આ પણ વાંચો: લોર્ડ્સમાં ભારતની ઐતિહાસિક જીત, મહિલા ટીમે ઇંગ્લેન્ડને 270 રને હરાવ્યું

આ પણ વાંચો: CSKને મોટો ઝટકો, સ્ટીફન ફ્લેમિંગે 18 વર્ષ બાદ હેડ કોચ પદ છોડ્યું