MANTAVYA Vishesh/ ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરના નિર્વિવાદ નેતૃત્વ સામે નવો પડકાર અભિજિતસિંહ

મહેસાણામાં ઠાકોર સેનાના પ્રમુખ અભિજિતસિંહ બારડે કરેલા જબરદસ્ત શક્તિ પ્રદર્શન અને ભવાની ધામની સ્થાપનાની કરેલી જાહેરાતે અલ્પેશ ઠાકોરના ઠાકોર સમાજના નિર્વિવાદ અગ્રણી બનવાના સપનાને આંચકો પહોંચાડ્યો છે. તેની સાથે-સાથે ઠાકોર સમાજમાં જાણે અલ્પેશ ઠાકોર નિર્વિવાદ નેતા હોવાની છાપને ધક્કો લાગ્યો છે.

Mantavya Vishesh
અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના ઊભી કરી હતી ત્યારે તેમને કલ્પના પણ નહીં હોય કે તેમની જ આ ઠાકોર સેનાનો પ્રાદેશિક પ્રમુખ તેમના જ ઠાકોર પ્રમુખ સામે પડશે. ઠાકોર સેના પર અલ્પેશ ઠાકોરનું પ્રભુત્વ અને દબદબો માનવામાં આવતો હતો, પરંતુ આ દબદબો અને પ્રભુત્વ હવે જાણે ઝાંખા પડવા લાગ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને સરકારથી લઈને સંગઠનમાં કોઈ મહત્વનો હોદ્દો ન મળતા તેમણે સમાજમાં પોતાનું પ્રભુત્વ વધારે મજબૂત બનાવવા કમર કસી લીધી છે ત્યારે તેમની જ નેતાગીરીને ઠાકોર સેનામાંથી પડકાર ફેંકવામાં આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

અલ્પેશ ઠાકોર

અભિજિતસિંહનું શક્તિ પ્રદર્શન

મહેસાણામાં ઠાકોર સેનાના પ્રમુખ અભિજિતસિંહ બારડે (Abhijitsingh Barad)કરેલા જબરદસ્ત શક્તિ પ્રદર્શન અને ભવાની ધામની સ્થાપનાની કરેલી જાહેરાતે અલ્પેશ ઠાકોરના (Alpesh Thakor) ઠાકોર સમાજના નિર્વિવાદ અગ્રણી બનવાના સપનાને આંચકો પહોંચાડ્યો છે. તેની સાથે-સાથે ઠાકોર સમાજમાં જાણે અલ્પેશ ઠાકોર નિર્વિવાદ નેતા હોવાની છાપને ધક્કો લાગ્યો છે. આ ઉપરાંત ઠાકોર સમાજની અંદરના આંતરિક મતભેદો પણ જાણે સપાટી પર આવી ગયા છે.

અલ્પેશ ઠાકોર

આ સિવાય ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરની સતત ચાલતી ગુફતેગુએ જાણે કોઈ નવી જ ધરી રચાવવાની હોય તેવા એંધાણ આપ્યા છે. આ સંજોગોમાં અભિજિત બારડે મહેસાણાં યોજેલી સંકલ્પ યાત્રાને જાણે અલ્પેશ ઠાકોરના નેતૃત્વ સામે પડકાર તરીકે જોવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે અભિજિત બારડની આ સંકલ્પ યાત્રાને જબરદસ્ત સફળતા સાંપડી હતી અને તેમા હજારોની સંખ્યામાં ખાસ કરીને યુવાનો જોડાયા હતા. તેમા પણ તેમની જોડે જાણીતા ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોરની અંબાજીમાં હાજરી ઉલ્લેખનીય હતી. વિક્રમ ઠાકોરે અંબાજીમાં આ રેલીમાં ભાગ બનવાની સાથે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવશે તેવા સંકેત આપી દીધા છે. હવે અહીં જોવાનું એ છે કે અભિજિત બારડને પડદા પાછળ વિક્રમ ઠાકોરનું સમર્થન છે, જે રાજકારણમાં ઝંપલાવતા પહેલા જુદાં જ સ્વરૂપે તેલ નહીં તો તેલની ધારની જેમ સામાજિક સમર્થનની રાજકીય ચકાસણી કરી લેવા માંગે છે.

અલ્પેશ ઠાકોર

વિક્રમ ઠાકોરની થશે એન્ટ્રી

આ ઘટનાક્રમ સ્પષ્ટપણે બતાવે છે કે ઠાકોર સમાજ અને ઠાકોર સેનામાં પણ બધુ સમુસૂતરું નથી. અભિજિતસિંહ બારડના શક્તિ પ્રદર્શન પછી અલ્પેશ ઠાકોર પણ ચૂપ બેસી રહ્યા ન હતા. તેમણે તેના પછી બાયડમાં યોજાયેલા ઠાકોર સમાજમાં સંમેલનમાં ધારદાર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં કંઇક પણ સારુ થવા જાય એટલે કેટલાક તત્વો તરત જ તેમનો અલગ ચોકો કરવા નીકળી પડે છે. તેઓ પણ કંઇક છે તે બતાવવા માટે જાતજાતના અને ભાતભાતના દેખાવો કરે છે, તેઓથી સમાજમાં કંઇક સારુ થાય છે તે જોવાતું નથી. આ કંઇક સારું થતું હોય તેમા આવીને મદદ કરવાના બદલે તેઓ બીજા પ્રકારના ત્રાગા કરે છે. તેઓને ખબર નથી કે સમાજ શું કંઈ આ પ્રકારના ત્રાગાથી ચાલે છે. સમાજમાં કંઇક સારું થતું હોય તો તેમા મદદ કરવાની હોય કે પછી પોતાનો અલગ ચોકો કરવાનો હોય.

નવું શક્તિકેન્દ્ર

આ બાબત દર્શાવે છે કે ઠાકોર સેનામાં હવે એક જ શક્તિકેન્દ્ર અલ્પેશ ઠાકોર છે તેવું નથી. અભિજિતસિંહ બારડના સ્વરૂપમાં નવું શક્તિ કેન્દ્ર પણ ઊભું થઈ રહ્યુ છે. તેમા પણ અભિજિતિસિંહ બારડે ભવાની ધામની કરેલી જાહેરાતના કારણે સમાજનો પરંપરાગત વર્ગ પણ તેમના તરફ ખેંચાયો છે. અલ્પેશ ઠાકોર આ બધુ જોઈ શક્યા છે. અલ્પેશ ઠાકોરે આના પગલે એકદમ આક્રમક અંદાજમાં પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જ્યારે સમાજ સંગઠિત થતો હોય અને આખા સમાજની એકતાની વાત થતી હોય તેમા રાજકારણને કેમ ઘૂસાડવામાં આવે છે તેની મને ખબર પડતી નથી. સમાજની દરેક વ્યક્તિને જે પણ રાજકીય પક્ષમાં વિશ્વાસ હોય તેને તે મત આપી શકે છે. તેના માટે ક્યારેય ઉપરથી કોઈ દબાણ કરાતું નથી, પરંતુ સામાજિક એકતાની વાત આવે ત્યારે ફક્ત તેમા સમાજની જ વાત હોવી જોઈએ. તેમા રાજકારણને કોઈ સ્થાન ન હોવું જોઈએ.

અલ્પેશ ઠાકોરનો કટાક્ષ

તેમણે કટાક્ષમાં જણાવ્યું હતું કે કેટલાક લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે તેઓને દરેક વાતમાં રાજકારણ જ દેખાય છે. તેઓ દરેક સામાજિક પ્રવૃત્તિને પણ રાજકારણના સ્વરૂપમાં જુએ છે. તેઓના મગજમાં સતત રાજકારણ રમતું હોવાના કારણે તેમને દરેક બાબતમાં રાજકારણ જ દેખાય છે. આ પીળિયો થયો હોય તેને બધુ પીળું દેખાય તેવી વાત છે. આવા લોકોનો હેતુ સામાજિક ઉત્થાન હોતો નથી, પણ તેમણે ફક્ત રાજકારણ જ કરવું હોય છે તેમ તેમણે જણાવ્યું હતું.

વિરોધીઓ પર પ્રહાર

તેમણે તેમના વિરોધીઓ પર કરેલા શાબ્દિક પ્રહારમાં જણાવ્યું હતું કે આ લોકોએ અત્યાર સુધી કઈ સામાજિક સેવા કરી તે બતાવે. આજે પરપ્રાંતીયોમાં ઠાકોર સેનાની ધાક છે, શું આ લોકો આવી ધાક ઉપજાવી શક્યા છે. આજે ઠાકોર સેનાના આકરા અભિગમના કારણે ગુજરાતમાં ગુજરાતીઓને નોકરી મળી રહી છે અને અહીં કંપની નાખનારી ઘણી કંપનીઓએ 85 ટકા રોજગાર સ્થાનિકોને આપવાના નિયમનો અમલ કરવો પડી રહ્યો છે. આ પ્રકારના નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જનારી કંપનીઓને ઘણી વખત તાળા મારવાનો કે બધી કામગીરી બંધ કરી દેવાની પણ ફરજ પડી છે.

આમાનું કશું તેઓએ કર્યુ નથી, આવી કોઈ ધરાતલ પરની કામગીરી કરી બતાવે અને પછી રાજકારણમાં ખાંડાં ખખડાવે તો લોકો કંઇક સાંભળે. પણ ધરાતલ પર લોકો માટે કશું કરવું નહી, ઠાલા વચનો આપવા, યાત્રાઓ કાઢવી, સમાજના ઉત્થાન માટે કંઈ જ ન કરવું અને અલગ ચોકો ઊભો કરીને સમાજની એકતામાં અંતરાય ઊભો કરીને શું તે પોતાનું આગવુ રાજકારણ રમી શકશે. રાજકારણનો અર્થ જ સમાજને શક્તિશાળી બનાવવાનો, તેને આર્થિક અને રાજકીય ન્યાય અપાવવાનો છે. ફક્ત પોતાના અહંકાર માટે રાજકારણ કરનારા સમાજને કે રાજ્યને કશું આપી શકતા નથી. તેમણે ઠાકોર સમાજના લોકોને પણ આહવાન કર્યુ હતુ કે વિખવાદ કે વિવાદના બદલે વિકાસનો માર્ગ પસંદ કરો. હવે ઠાકોર સમાજની અંદર જ સર્જાયેલા આ બે શક્તિ કેન્દ્રોને લઈને સમાજે જ નક્કી કરવાનું છે કે તેણે કઈ દિશા પકડવાની છે. સંતુલિત અભિગમ અપનાવવાનો છે કે પછી નવી જ દિશા પકડવાની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટwhatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

આ પણ વાંચો: ખેડૂતોને બધા ખરીફ પાકના ટેકાના ભાવ કરતાં 10થી 30 ટકા નીચા ભાવ મળ્યા

આ પણ વાંચો: આર્થિક અનામત : પાલિકા-પંચાયતની ચૂંટણી પહેલા સરકાર પર વિવિધ જ્ઞાતિઓનું દબાણ