Bhavnagar News : ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં PSO તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલએ ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી આપઘાત (Suicide) કરવાનો પ્રયાસ કરતા સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અંતે આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દિગ્વિજયસિંહ ગોહિલ છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થતાથી પીડાતા હતા. માનસિક તકલીફને કારણે તેઓ ભાવનગરના ખાનગી ડૉક્ટર કેયુર પરમાર પાસે સારવાર અને દવા લેતા હતા. આ કારણે તેઓ એક મહિના પહેલા સિકલીવ પર ગયા હતા અને તાજેતરમાં જ ફરજ પર પાછા જોડાયા હતા.
ગઈકાલે તારીખ 21ના રોજ સાંજના સમયે દિગ્વિજયસિંહે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
દિગ્વિજયસિંહ છેલ્લા ચારથી સવા ચાર વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં PSO તરીકે ફરજ બજાવતા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે માનસિક અસ્વસ્થતાના કારણે તેમને કામમાં મન લાગતું ન હતું અને તેઓ સતત તણાવમાં રહેતા હતા. સતત સારવાર છતાં મનની સ્થિતિમાં સુધારો ન આવતા તેઓ ભારે હતાશામાં હતા.
દિગ્વિજયસિંહ ગોહિલના પિતા જયદેવસિંહ ગોહિલ પણ અગાઉ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. પિતાના પગલે પુત્ર પણ પોલીસ વિભાગમાં જોડાયા હતા. દિગ્વિજયસિંહને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર અને એક વર્ષની પુત્રી છે. આપઘાતની આ ઘટનાથી બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આપઘાત (Suicide) ની ઘટનાને લઈને પોલીસ વિભાગમાં પણ ભારે શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફરજ દરમિયાન જ પોલીસ કર્મી દ્વારા આપઘાત (Suicide) નો પ્રયાસ કરવામાં આવતા કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય મુદ્દે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.
આ મામલે DYSP આર.આર. સિંધાલએ જણાવ્યું હતું કે, તારીખ 21ના રોજ દિગ્વિજયસિંહ ગોહિલે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પી આપઘાત (Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સર્ટી હોસ્પિટલ તથા બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમના પિતા જયદેવસિંહ ગોહિલનું નિવેદન લેવામાં આવ્યું છે. દિગ્વિજયસિંહ ખાનગી ડૉક્ટર પાસે માનસિક રોગની દવા લેતા હોવાનું નિવેદનમાં સામે આવ્યું છે.
આજે તેમનું મોત થતાં પોલીસે એક્સિડેન્ટલ ડેથ (એ.ડી.) કેસ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને મામલતદારની હાજરીમાં ઇન્ક્વેસ્ટની પ્રક્રિયા પણ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
