Surat Vesu Fraud Crime Case: સુરત શહેરના પોશ અને ધમધમતા ગણાતા વેસુ વિસ્તારમાંથી વિશ્વાસઘાત, શારીરિક શોષણ અને આર્થિક પડાવબાજીનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિધર્મી યુવકે પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવી, હિન્દુ હોવાનું જણાવીને એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવકે લગ્નની ખોટી લાલચ આપી યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું એટલું જ નહીં, યુવતી ગર્ભવતી બનતા તેનો ગર્ભપાત કરાવી લાખો રૂપિયાની પડાવબાજી પણ કરી હોવાની ચોંકાવનારી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
Surat : સોમીલ બનીને ફસાવી, અસલી નામ નીકળ્યું સલમીન!
વેસુ પોલીસ સ્ટેશનમાંથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતીએ રાજકોટના વતની એવા સોમીલ સલમીનભાઈ મકવાણા નામના યુવક સામે ગંભીર કલમો હેઠળ આ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ યુવતી સમક્ષ પોતાની હિન્દુ તરીકેની ખોટી ઓળખ આપી મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ પ્રેમની જાળમાં ફસાવી દીધી હતી. લગ્ન કરવાની પાકી ખાતરી આપીને આરોપી યુવતીનું સતત શારીરિક શોષણ કરતો રહ્યો હતો.

દબાણપૂર્વક ગર્ભપાત કરાવ્યો અને લાખો રૂપિયા પડાવ્યા
પીડિત યુવતીએ ફરિયાદમાં લગાવેલા આક્ષેપો અત્યંત ગંભીર છે. શારીરિક શોષણ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી અને જ્યારે તેણે સોમીલને લગ્ન કરવા માટે કહ્યું, ત્યારે આરોપીએ લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ આરોપીએ યુવતી પર ભારે માનસિક દબાણ લાવીને તેનો ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આરોપીએ પ્રેમનો નાટક કરીને અલગ-અલગ બહાના બતાવીને સમયસમય પર યુવતી પાસેથી કુલ ₹3.35 લાખની રોકડ રકમ પણ પડાવી લીધી હતી.
આરોપીને પકડવા રાજકોટ સુધી તપાસ લંબાવી
પોતાની સાથે ધર્મ છુપાવીને આચરાયેલી આ મહાછેતરપિંડી, આર્થિક લૂંટ અને શારીરિક-માનસિક શોષણ અંગે આખરે પીડિતાએ હિંમત ભેગી કરી હતી. તેણે સુરતના વેસુ પોલીસ સ્ટેશન પહોંચીને નરાધમ આરોપી વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે યુવતીની સત્તાવાર ફરિયાદના આધારે આરોપી સોમીલ ઉર્ફે સલમીન સામે દુષ્કર્મ, છેતરપિંડી અને બળજબરીથી ગર્ભપાત કરાવવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને આરોપીના મૂળ વતન રાજકોટ સહિતના સંભવિત ઠેકાણાઓ પર તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: પ્રેમ, મૈત્રી કરાર અને દગો: અમદાવાદમાં TRB જવાન સામે દુષ્કર્મની ફરિયાદ
આ પણ વાંચો: આપ પ્રમુખ અશોક ઓઝા સામે દુષ્કર્મના આરોપ, મહિલાનો શારીરિક શોષણનો દાવો
આ પણ વાંચો: હોસ્પિટલમાં બીમાર સંબંધીની સંભાળ રાખવા આવેલી નબલિક બાળકી પર સામૂહિક દુષ્કર્મ
