Gandhinagar College Student Suicide: રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે. જાણીતી ચૌધરી કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર શૈક્ષણિક આલમ અને સાથી વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હોસ્ટેલના રૂમમાં અંતિમ પગલું
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની ગાંધીનગર (Gandhinagar) ની ચૌધરી કોલેજમાં અભ્યાસ કરતી હતી અને હોસ્ટેલમાં જ રહેતી હતી. મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાનિયાતાર ગામની રહેવાસી 19 વર્ષીય યુવતીએ ગત રાત્રે હોસ્ટેલના પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે હોસ્ટેલના સંચાલકો અને અન્ય વિદ્યાર્થિનીઓ ચોંકી ઉઠી હતી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક હોસ્ટેલ પહોંચી ગયો હતો. પોલીસે રૂમનો કબજો મેળવી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. યુવતીએ આત્મહત્યા જેવું આકરું પગલું શા માટે ભર્યું? તેના પાછળ અભ્યાસનું ભારણ છે, પારિવારિક કોઈ પ્રશ્ન છે કે અન્ય કોઈ અગમ્ય કારણ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉભરતી જિંદગીના આવા અંતને કારણે કોલેજ કેમ્પસમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
પોલીસે વિદ્યાર્થિનીના પરિવારજનોને જાણ કરી છે અને તેઓ પણ ગાંધીનગર પહોંચવા રવાના થયા છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત
આ પણ વાંચો: બલોલ ગામમાં સાસરિયાના માનસિક ત્રાસથી પરણીતાનો આપઘાત
