Dwarka Temple Darshan Timing Change : જગપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દિવ્ય દર્શન કરવા જતા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. દ્વારકા જગત મંદિર વહીવટી તંત્ર અને પુજારી પરિવાર દ્વારા સંયુક્ત રીતે આગામી 3 દિવસ માટે ઠાકોરજીના દર્શનના નિત્યક્રમ સમયમાં મોટો બદલાવ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 13, 14 અને 15 જૂન દરમિયાન ભગવાન દ્વારકાધીશના કપાટ સાંજે તેના નિયત સમય કરતાં 1 કલાક વહેલા ખોલવામાં આવશે, જેથી કરીને અહીં ઉમટી રહેલા ભક્તોના ઘોડાપૂરને આસાનીથી સંભાળી શકાય.
અધિક માસ અને વેકેશનના કારણે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
હાલ પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) ચાલી રહ્યો હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ દ્વારકાનું મહત્વ અનેકગણું વધી ગયું છે. આ સાથે જ રજાઓનો માહોલ હોવાના કારણે દ્વારકા નગરીમાં ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ભક્તોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. યાત્રિકોની આ ભારે ભીડ, વહીવટી વ્યવસ્થા અને સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા સમય વધારવાનો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થાને લીધે મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ ન સર્જાય અને તમામ ભાવિકો ખૂબ જ સરળતાથી, શાંતિપૂર્વક દર્શનનો લહાવો લઈ શકે.
Dwarka :બપોરે 4:00 વાગ્યે જ ખૂલી જશે કપાટ
સામાન્ય દિવસોના નિત્યક્રમ મુજબ, દ્વારકાધીશ મંદિરમાં બપોરના વિરામ (મંદિર બંધ થયા) બાદ સાંજે 5:00 વાગ્યે કપાટ ખૂલતા હોય છે અને ત્યારથી ઉત્થાપન દર્શનની શરૂઆત થાય છે. પરંતુ સુધારેલી વ્યવસ્થા મુજબ, આગામી 3 દિવસ એટલે કે 13, 14 અને 15 જૂનના રોજ સાંજના 5:00 વાગ્યાની રાહ જોવાની રહેશે નહીં. મંદિરના કપાટ બપોરે 4:00 વાગ્યે જ ખોલી દેવામાં આવશે. આ સાથે જ ભગવાનના દિવ્ય ઉત્થાપન દર્શન પણ બપોરે 4:00 વાગ્યાથી જ શરૂ થઈ જશે.
Dwarka : કૃષ્ણભક્તોને મળશે દર્શનનો વધુ 1 કલાક
મંદિર પ્રશાસન અને પૂજારી મંડળના આ પ્રશંસનીય નિર્ણયને કારણે યાત્રાળુઓને ભગવાન દ્વારકાધીશની સન્મુખ રહેવા માટે વધુ 1 કલાકનો કિંમતી સમય મળશે. લાંબી લાઈનોમાં ઉભા રહેતા વૃદ્ધો અને બાળકોને આ નિર્ણયથી મોટી રાહત થશે. મંદિર તંત્ર દ્વારા તમામ સ્થાનિક અને બહારથી આવતા પ્રવાસી ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ બદલાયેલા સમયની ખાસ નોંધ લે અને તે મુજબ જ પોતાના દર્શનનું આયોજન કરે.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ
આ પણ વાંચો: દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ‘અલ મુખ્તાર’ બોટ ઝડપાઈ
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકાના ભાજપ અગ્રણી જમનાદાસ કણસાગરા સસ્પેન્ડ
