Rajkot Bridge Collapse: ગુજરાતમાં ફરી એક વખત બ્રિજ નિર્માણની ગુણવત્તા અને સલામતીને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ (Bridge)નો એક ભાગ અચાનક નમી પડતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કોરાટ ચોક નજીક બની રહેલા બ્રિજના મધ્ય ભાગમાં બેસી જવાની સ્થિતિ સર્જાઈ હતી.
બ્રિજ(Bridge) નો ભાગ ધરાશાયી થયાની જાણ થતાં કાર્યવાહી
બ્રિજનો ભાગ નમી પડ્યાની માહિતી મળતા જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. જોખમી બનેલા ભાગને JCB મશીનની મદદથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની નોંધ નથી થઈ. રાત્રિના સમયે ઘટના બનતાં મોટું નુકસાન ટળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે, છતાં જાહેર સલામતીને લઈને ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે.
હલકી ગુણવત્તાની સામગ્રી અંગે આક્ષેપ
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજ (Bridge)ના નિર્માણમાં વપરાયેલ સિમેન્ટ અને કોન્ક્રીટની ગુણવત્તા નબળી હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. આ સાથે હલકી ગુણવત્તાનું લોખંડ વપરાયું હોવાના આરોપો પણ સામે આવ્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે, તપાસ શરૂ થાય તે પહેલાં જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેના કારણે પારદર્શક તપાસ પર સવાલો ઊભા થયા છે.

કાટમાળ હટાવવાની કામગીરી
બ્રિજ (Bridge) નો ગાળો તૂટી પડ્યા બાદ રાત્રિના સમયે જ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રનું કહેવું છે કે ટ્રાફિક અને જાહેર અવરજવર માટે જોખમ ન રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાયા હતા. જોકે, આ ઝડપભરી કાર્યવાહીથી જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
વારંવારની ઘટનાઓથી સલામતી પર પ્રશ્ન
રાજકોટ અને વલસાડમાં બનેલી આવી ઘટનાઓને પગલે રાજ્યમાં બ્રિજ નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ રહી છે. નિર્માણાધીન પ્રોજેક્ટ્સમાં દેખરેખ અને સામગ્રીની ચકાસણી પૂરતી છે કે નહીં તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. લોકો તંત્ર પાસેથી જવાબદારી નક્કી કરવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે કડક વ્યવસ્થા અને પારદર્શક તપાસ જરૂરી બની છે.
આ પણ વાંચો: રાજકોટમાં શરમજનક ઘટના : જાહેર રસ્તા પર કિશોરી સાથે અડપલાં કરનાર 82 વર્ષીય વૃદ્ધની ધરપકડ
આ પણ વાંચો: રાજકોટ શોકમાં: નિવૃત્ત એન્જિનિયર અને પત્નીએ ઝેર પીને કર્યો સજોડે આપઘાત
આ પણ વાંચો: રાજકોટની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત, , બેદરકારી પર સવાલ
