Rajkot School Picnic Student Death: શાળાનો પ્રવાસ (School Picnic)વિદ્યાર્થીઓ માટે આનંદ અને ઉત્સાહનો વિષય હોય છે, પરંતુ જવાબદાર તંત્રની બેદરકારી તેમાં ભળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. રાજકોટ (Rajkot) માંથી સામે આવેલી એક હૃદયદ્રાવક ઘટના શિક્ષણ તંત્ર માટે લાલબત્તી સમાન બની છે. રાજકોટ ભાજપના આગેવાન જયદીપ જલુની સંચાલિત નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન શિક્ષકોની ગંભીર બેદરકારીના કારણે ધોરણ-8માં અભ્યાસ કરતા 13 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું મોત નિપજ્યું છે.
નવયુગ સ્કૂલ (Navyug School) (હાથીખાના વિસ્તાર, રાજકોટ)ના ધોરણ 5 થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ–સાસણ–દેવળિયા પ્રવાસે ગયા હતા. સોમનાથ દર્શન બાદ વિદ્યાર્થીઓ તાલાલા–સાસણ રોડ પર આવેલા ધ ગીર ગેટ વે રિસોર્ટ (The Gir Gateway Resort) ખાતે રોકાયા હતા. આ દરમિયાન સ્વિમિંગ પુલમાં (Swimming Pool) ડૂબી જવાથી હાર્દિક બારૈયાનું મોત થયું હતું, જેના કારણે પ્રવાસ શોકમય બની ગયો.
નિયમોની ખુલ્લી ઉલ્લંઘનનો આરોપ
ઘટનાને લઈને અનેક ગંભીર બાબતો સામે આવી છે. શાળા દ્વારા પ્રવાસ સંદર્ભે માત્ર પોલીસ (Police) ને જાણ કરવામાં આવી હતી, પરંતુ પ્રવાસ માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરાઈ નહોતી. નિયમ મુજબ પ્રવાસ પૂર્વે RTO પાસે વાહનનું ફિટનેસ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્સ્યોરન્સ સહિતનું ચેકિંગ ફરજીયાત હોવા છતાં નવયુગ શાળા (Navyug School)એ આ પ્રક્રિયા પણ પૂર્ણ કરી નહોતી.

મૃત વિદ્યાર્થી હાર્દિક બારૈયા બે બહેનોનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું છે .પરિવારની સ્થિતિ કરુણ બની છે. આ બનાવ બાદ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે અને શિક્ષણ વિભાગની ભૂમિકા પર પણ સવાલ ઊભા થયા છે.
શાળા સંચાલકનું નિવેદન
નવયુગ સ્કૂલ (Navyug School) ના સંચાલક જયદીપ જલુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રવાસ દરમિયાન હૃદયદ્રાવક ઘટના બની હતી. ભોજન બાદ બાળક સ્વિમિંગ પુલ (Swimming Pool)તરફ જતા દુર્ઘટના સર્જાઈ. શાળા દ્વારા તમામ SOPનું પાલન થયું હોવાનું દાવો કરવામાં આવ્યો છે. ઘટનાની તપાસ માટે શાળાએ આંતરિક કમિટી બનાવી છે અને પોલીસ તથા તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે. જવાબદાર સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ શાળા દ્વારા આપવામાં આવી છે.

ઇન્ચાર્જ DEOના નિવેદનથી વિવાદ
વિદ્યાર્થીના મોત મામલે ઇન્ચાર્જ DEO દીક્ષિત પટેલ (Dixit Patel)નું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે શાળાએ જરૂરી કાગળો આપેલા છે. નિયમ મુજબ પ્રવાસ (Picnic) વખતે પોલીસને જાણ કરવાની સાથે બંદોબસ્ત પણ માંગવો પડે છે. જો બંદોબસ્ત ન માગ્યો હોય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ કયા શિક્ષકની જવાબદારી બને તે નક્કી થશે. જોકે, કડક કાર્યવાહી કરવાની જગ્યાએ ઇન્ચાર્જ DEOની નરમાશને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે વિદ્યાર્થીના મોત બાદ શિક્ષણ વિભાગ અને તંત્ર કેટલી કડક કાર્યવાહી કરે છે.
