Kheda News: નડિયાદ (Nadiad)માં વધુ એકવાર વિદ્યાર્થીને શિક્ષિકાએ ઢોર માર મારતા ચકચારભરી ઘટના સામે આવી છે. નડિયાદ શહેરની સરદાર પટેલ હાઈસ્કૂલમાં સિનિયર કેજીમાં ભણતા વિદ્યાર્થીને માર મરાતા વિવાદ થયો હતો. વાલીએ શિક્ષિકા પર માર મારી ઘરે મોકલી દેવાનો આરોપ મૂક્યો છે, તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખેડા જીલ્લાના નડિયાદ શહેરમાં આવેલી સરદાર પટેલ હાઈસ્કૂલમાં સિનિયર કેજી (Senior KG)માં ભણતાં 4 વર્ષના વિદ્યાર્થીને ધરતી નામ ધરાવતી શિક્ષિકાએ ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને સતત બે દિવસથી માર મરાતા વાલી રોષે ભરાયા હતા. શિક્ષિકાએ લાફા મારતા વિદ્યાર્થીને કાનમાં દુ:ખાવો ઉપડ્યો હતો. વિદ્યાર્થીના ગાલ પર સોજા સહિતની શારીરિક સમસ્યા ઉદ્ભવી હતી. શિક્ષિકાએ વિદ્યાર્થીને માર મારી ઘેર મોકલી દીધાનો પણ વાલીનો આરોપ છે.
વાલીએ આક્ષેપ કર્યા છે કે તેમના પુત્રને લંચ પણ ન કરવા દીધું, પાણી પણ ન પીવા દીધું. શિક્ષિકાને મળવા ગયેલ વાલીને આશ્ચર્યજનક જવાબ અપાયો હતો. 4 વર્ષનો વિદ્યાર્થી શિક્ષિકાને અડપલા કરતો હોવાનો વાહિયાત જવાબ અપાયો હતો. શિક્ષિકાના જવાબ બાદ વાલી પોલીસમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. ત્યારે આ મામલે હવે પોલીસ અને શિક્ષણ વિભાગ કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.
અગાઉ ખેડામાં શિક્ષક દ્વારા નિંદનીય કરતૂત કરવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ખેડાના ગળતેશ્વર તાલુકાની વસો પ્રાથમિક શાળામાં શિક્ષકે જ વિદ્યાર્થીઓને સોટી વડે મારતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પરિણામે મોટી સંખ્યામાં વાલીઓ શિક્ષક વિરૂદ્ધ અરજી લઈને સેવાલિયા પોલીસ સ્ટેશન ગયા હતા. ધો. 7 ના વિદ્યાર્થીઓને શિક્ષકે સોટી વડે ધોઈ નાખતાં વિદ્યાર્થીઓના બરડામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વિદ્યાર્થીઓએ ઘરે આવીને માતાપિતાને જાણ કરતા શિક્ષકની કરતૂત સામે આવી હતી. શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મરાયો હતો. જ્ઞાન સહાયક તરીકે ફરજાધીન દિલીપ પરમારની નિંદનીય કરતૂતથી વાલીઓએ સેવાલિયા પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ અરજી આપી છે. શિક્ષક દ્વારા શાળાના 6 વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:પાલનપુર : લેસન ન લાવતા વિદ્યાર્થીને ઢોર માર માર્યો
આ પણ વાંચો:ખેડાના ગળતેશ્વરની વસો પ્રાથમિક શાળામાં ચકચાર મચાવતી ઘટના! શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો
આ પણ વાંચો:જામનગરમાં શિક્ષકે વિદ્યાર્થીનીને ઢોર માર મારતા ચકચાર