MANTAVYA Vishesh/ આર્થિક અનામત : પાલિકા-પંચાયતની ચૂંટણી પહેલા સરકાર પર વિવિધ જ્ઞાતિઓનું દબાણ

અચાનક જ ઉઠેલી આર્થિક અનામતની માંગના કારણે રાજ્યમાં બજેટની તૈયારીમાં વ્યસ્ત સરકાર પણ ચોંકી ગઈ છે. સરકારને પણ થયું કે આ તો હજી પાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખની જાહેરાત થયા પહેલાં જ આર્થિક અનામતની માંગ થવા માંડી.

Mantavya Vishesh

કહેવત છે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે, પણ ગામમાં ધમાધમ. બસ આવું જ ગુજરાતમાં અનામતનું છે. ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીના હાલમાં કોઈ ઠેકાણા લાગતા નથી, પરંતુ જાણે હાલ ચૂંટણી થવાની હોય તેમ અનામતનું ભૂત ધણધણવા લાગ્યું છે. વિવિધ જ્ઞાતિઓ સરકાર પર અનામતને લઈને દબાણ કરવા લાગી છે. ઓબીસી અનામતનું તો ઊભું જ છે, ત્યાં હવે આર્થિક અનામતની વાત પણ ઉઠવા લાગી છે. આર્થિક અનામત વસ્તુ એવું છે જે બધાને સ્પર્શે છે. તેથી આ અનામત માંગનારાઓએ આ વર્ષે પાલિકા-પંચાયતની ચૂંટણી છે ત્યારે જ સરકારનું નાક દબાવ્યું છે.

આર્થિક અનામત

અચાનક જ ઉઠેલી આર્થિક અનામતની માંગના કારણે રાજ્યમાં બજેટની તૈયારીમાં વ્યસ્ત સરકાર પણ ચોંકી ગઈ છે. સરકારને પણ થયું કે આ તો હજી પાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખની જાહેરાત થયા પહેલાં જ આર્થિક અનામતની માંગ થવા માંડી. આ ઉપરાંત આગામી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામતનો અમલ કરવામાં આવનારો જ છે. તેમા પણ ઓબીસી આગેવાનોની માંગ છે કે ઓબીસી અનામતનો અમલ જ્યાં ઓબીસીની વસ્તી છે ત્યાં કરવામાં આવે. હવે જ્યાં ઓબીસીની વસ્તી જ ના હોય ત્યાં તેનો અમલ કરવાનો કોઈ અર્થ રહેતો નથી.

આર્થિક અનામત

આર્થિક અનામત હાલમાં તો શૈક્ષણિક સંસ્થાઓમાં જ અમલી છે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેના અમલની વાત જ નવી છે. આ વાત પાછી બીજા કોઈએ નહીં પણ ભાજપના જ વરુણ પટેલે ઉપાડી છે. આર્થિક અનામતની માંગ લાંબા સમયથી પાટીદારો તો કરી જ રહ્યા છે, પરંતુ હજી સુધી તંત્રએ તેના પર મચક આપી નથી. પણ પાટીદાર સમાજ પણ તેમની માંગ પરથી પાછો હટ્યો નથી. પાટીદાર સમાજની આ મક્કમતા જોઈને બીજા સમાજ પણ તેમની સાથે જોઈ રહ્યા છે. તેમને પણ લાગી રહ્યું છે કે ક્યાંક સરકાર પહેલા માની ગઈ તે તેઓ પણ આ માંગમાં પાછળ રહી ન જાય. આના પગલે તેઓએ પાટીદાર સમાજના આગેવાનોને મળવા માંડ્યુ છે.

આર્થિક અનામત

આને લઈને ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ, સોની અને વાણિયા સમુદાયના સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા છે અને પાટીદાર સમાજની વાતમાં સૂર પુરાવવા લાગ્યા છે. ફક્ત એટલું જ નહીં આગામી દિવસોમાં વિવિધ સમાજના આગેવાનોની પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ યોજાવવાની છે. આ બેઠકમાં સરકાર સામે આર્થિક અનામતના પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પણ અમલ અંગે દબાણ કરવા સરકાર પર પ્રેશર ગ્રુપ બનાવવામાં આવનાર છે. આ પ્રેશર ગ્રુપ પાટીદાર સમાજના આગેવાનોની સાથે-સાથે વિવિધ સમાજના આગેવાનોનું પણ હશે.

આર્થિક અનામત

તેના પછી આર્થિક અનામતને લઈને આંદોલન કરવાની રણનીતિ પણ બનાવવામાં આવનારી છે, જો કે પહેલા તો આર્થિક અનામતને લઈને રજૂઆતનો રાહ પકડવામાં આવશે અને તેના પછી જો કોઈ પાક્કી ખાતરી ન મળે તો આંદોલનનો રાહ પકડવાની પણ તૈયારી છે. આના પગલે ગુજરાતમાં અનામતનું બ્યુગલ ફરીથી વાગશે તેમ માનવામાં આવે છે.

આની તૈયારીના ભાગરૂપે આગામી દિવસોમાં ગાંધીનગરમાં પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનોની બેઠક મળવાની છે. આ બેઠકમાં આગામી રણનીતિ ઘડવામાં આવનારી છે. વિવિધ સમાજોના આગેવાનો એક થવાના કારણે સરકાર પણ વિમાસણમાં મૂકાઈ ગઈ છે. બજેટ પર ધ્યાન આપવું કે આમની માંગો પર ધ્યાન આપવું તે સરકાર વિચારી રહી છે.

આર્થિક અનામત

જો કે બીજી બાજુએ તે પણ વિચારવાલાયક છે કે આટલા બધા સમાજનો સંઘ તો આર્થિક અનામતને લઈને એકઠો તો થયો, કારણ કે આ સામૂહિક સ્વાર્થ છે. પરંતુ આ સંઘ કાશીએ પહોંચશે ખરો તે પણ મોટો સવાલ છે. હાલમાં તો વિવિધ સમાજના આગેવાનો તો પોતે પણ સરકાર સમક્ષ કઈ રીતે આ વાત મૂકવી તેને લઈને વિચારી રહ્યા છે. બીજી બાજુ સરકાર પોતે પણ આ પ્રકારની માંગનો પ્રતિકાર કરવો અથવા તો તેને કઈ રીતે જવાબ આપવો તેના વેતરણમાં લાગી ગઈ છે.

આર્થિક અનામત

આર્થિક અનામતના અમલની માંગ કરતાં પણ સરકારને વધુ મોટી ચિંતા બધા સમાજના આગેવાનો એક મંચ પર આવે તેની છે. સામાન્ય રીતે જુદાં-જુદાં સમાજના આગેવાનો એક જ મંચ પર જોવા મળતા હોય તેવું ભાગ્યે જ બને છે. દરેકનો પોતાના સમાજને લઈને અલગ જ બેઠેલું હોય છે. બધા સામાજિક આગેવાનો એક જ મુદ્દાને લઈને એક જ મંચ પર આવે તેવું જવલ્લે જ બનતું હોય છે. સરકાર માટે આ બધા સામાજિક આગેવાનોનું એકસાથે જોડે આવું તે સંભવતઃ આર્થિક અનામતની માંગ કરતાં પણ મોટી ચિંતા છે.

આર્થિક અનામત

આ બાબતને લઈને આગામી દિવસોમા સર્વસામાજિક આગેવાનો અને સરકાર વચ્ચે ખાંડા ખખડે તો આશ્ચર્ય નહીં થાય. સરકાર પણ દરેક વસ્તુમાં તેલ અને તેલની ધાર જુએ છે. તેથી આ બધા સમાજે આગામી દિવસોમાં આંદોલનોનો રાહ પકડવો પડે તો આશ્ચર્ય નહી થાય, આ સિવાય સર્વસમાજના સંગઠનનું પણ એલાન કરવું પડી શકે છે. તેઓ પણ જાણે છે કે આ લડત કંઈ આજ પૂરતી નથી, આ લાંબી લડત છે, સરકાર સામે હંમેશા લાંબી લડત જ લડવી પડે છે. તેથી બધા સમાજના આગેવાનો હાલમાં જોડાયા તો છે, પરંતુ તેમણે તેમની માંગને લઈને લાંબી લડતની પણ તૈયારી રાખવી પડશે. હવે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં આ સામાજિક આગેવાનો સરકાર પર કેટલું દબાણ લાવી શકે છે અને સરકાર પણ તેમની સમક્ષ કેટલી મક્કમ રહી શકે છે અને કેટલી માંગ માને છે તેના પર બધાનો મદાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં નવેમ્બર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શક્ય જ નથી તેવો દાવો

આ પણ વાંચો: અમરેલીના કોલેજના નિયામકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં જેનીબેન ઠુમ્મર લાલઘૂમ

આ પણ વાંચો: જૂના સંબંધોમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ ડાયવોર્સ ‘મન્થ’ !