MANTAVYA Vishesh/ જૂના સંબંધોમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ ડાયવોર્સ ‘મન્થ’ !

આપણે આ બધાની વચ્ચે ક્યારેય ડાયવોર્સ મન્થ સાંભળ્યું નહી હોય, આપણને પણ આશ્ચર્ય થાય કે ડાયવોર્સ એટલે કે છૂટાછેડાનો પણ મહિનો હોય, પણ પશ્ચિમી દેશોમાં જાન્યુઆરી મહિનો કેલેન્ડર વર્ષનો પ્રારંભિક મહિનો ગણાય છે તો તે જૂના સંબંધોમાંથી મુક્તિ મેળવવાનો મહિનો પણ માનવામાં આવે છે. તેના કારણે પશ્ચિમી દેશોમાં જાન્યુઆરી મહિનાને ડાયવોર્સ મન્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Mantavya Vishesh

તાજેતરમાં જ અહેવાલ હતો કે ગુજરાતીઓમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે અને દર વર્ષે 60 હજાર જેટલા છૂટાછેડા થાય છે. આ ઉપરાંત હાલમાં ભારતના સૌથી મોંઘા છૂટાછેડાની વાત પણ વિવાદમાં છે, તેમા ઝોહો કોર્પોરેશનના સ્થાપક શ્રીધર અને તેમની પત્ની પ્રેમિલા વચ્ચેના છૂટાછેડામાં 15 હજાર કરોડથી પણ વધુ રકમ ચૂકવવી પડે તેવી વાત છે.

આપણે આ બધાની વચ્ચે ક્યારેય ડાયવોર્સ મન્થ સાંભળ્યું નહી હોય, આપણને પણ આશ્ચર્ય થાય કે ડાયવોર્સ એટલે કે છૂટાછેડાનો પણ મહિનો હોય, પણ પશ્ચિમી દેશોમાં જાન્યુઆરી મહિનો કેલેન્ડર વર્ષનો પ્રારંભિક મહિનો ગણાય છે તો તે જૂના સંબંધોમાંથી મુક્તિ મેળવવાનો મહિનો પણ માનવામાં આવે છે. તેના કારણે પશ્ચિમી દેશોમાં જાન્યુઆરી મહિનાને ડાયવોર્સ મન્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ વર્ષના આ મહિના દરમિયાન જાન્યુઆરીમાં છૂટાછેડાનું પ્રમાણ બીજા મહિનાઓની તુલનાએ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે.

પશ્ચિમી દેશોમાં છૂટાછેડાના મુખ્ય કારણોમાં જોઈએ તો લગ્નેતર સંબંધ, આર્થિક કારણો અને કૌટુંબિક અયોગ્યતા મુખ્ય હોય છે. તેમા લગ્નેતર સંબંધની તો પશ્ચિમી દેશોમાં ખાસ નવાઈ જ રહી નથી. પતિ કે પત્ની કુટુંબ કરતાં વધારે સમય ઓફિસમાં ગાળતા હોવાથી તેઓનો ઓફિસ રોમાન્સ શરૂ થઈ જતો હોય છે. આની સીધી અસર તેમના દામ્પત્યજીવન પર પડે છે.


ઓફિસ રોમાન્સના કારણે તેમને તેમના જીવનસાથીમાં ખામીઓ દેખાવવા લાગે છે. ઘરમાં સતત ઝગડા થવા લાગે છે, માનસિક શાંતિ હણાઈ જાય છે. જીવનમાં સતત ઉચાટ રહે છે. તેના પછી સ્થિતિ તો એટલી હદ સુધી વણસી જાય છે કે તેઓ એકબીજાની જાસૂસી કરવા માંડે છે. અમેરિકામાં લગ્નેતર સંબંધોની ચકાસણી એક ધમધમતો ઉદ્યોગ છે. પતિપત્ની બંને લગ્નજીવનના અમુક સમય પછી એકબીજા પ્રત્યે તનાવ અનુભવવા માંડે ત્યારે તેઓ વિશ્વાસનું વાતાવરણ વધારવાના બદલે એકબીજાની જાસૂસી કરાવીને તેમના બીજા સંબંધોની ખણખોદ કરવાનું શરૂ કરે છે. તેઓને લાગવા જ માંડે છે તેમના તનાવનું કારણ તેમના જીવનસાથીના જીવનમાં બીજી કોઈ વ્યક્તિને થયેલો પ્રવેશ છે.

સંખ્યાબંધ કિસ્સામાં આ વાત સાચી પણ પડતી હોય છે. તેના પછી પુરાવા એકત્રિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કોર્ટમાં છૂટાછેડા માટે કરવામાં આવે છે. પશ્ચિમી દેશોના લગ્નજીવનની ખાસિયત એ છે કે તેઓને સંબંધમાંથી સતત આનંદ જોઈએ છે, દુઃખ કે તકલીફો સાથે રહીને સહન કરવાની તેમની સમજ ઘણી મર્યાદિત છે. તેઓ આનંદ ભેગા મળીને મનાવે છે, પરંતુ દુઃખ તો એકલાએ જ સહન કરવું પડે તેવી તેમની માનસિકતા છે.

અમેરિકા અને યુરોપમાં આ પ્રકારના છૂટાછેડાનો ટ્રેન્ડ 1970ના દાયકામાં શરૂ થયો હતો અને આજે પણ આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડમાં પાછો છેલ્લા 25 વર્ષમાં 30થી 35 ટકા જેટલો વધારો થયો છે. આ બતાવે છે કે જાન્યુઆરીમાં છૂટાછેડા લેવાનો ટ્રેન્ડ દિનપ્રતિદિન વધુ મજબૂત બની રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને પશ્ચિમમાં તો ઓનલાઇન માધ્યમોમાં અને વકીલોના પોર્ટલ પર પણ છૂટાછેડાની તપાસ થતી હોય છે. આ સિવાય તેઓ સર્ચ એન્જિન પર છૂટાછેડા કઈ રીતે લેવા તે પણ શોધતા હોય છે. કેટલાય લોકો તો છૂટાછેડા માટે આગવું આયોજન કરતાં જોવા મળ્યા છે, જેથી આ સ્થિતિમાંથી છૂટકારો મેળવીને નવજીવનનો પ્રારંભ કરી શકાય.

જ્યારે તેનાથી વિપરીત વાત એ છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં તહેવારોના સમયગાળામાં છૂટાછેડાનો ડર સૌથી ઓછો હોય છે. આના પરથી સમજી શકાય છે કે આપણે ત્યાં પણ છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે તેમા કુટુંબ વ્યવસ્થા ઉપરાંત તહેવારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જો કે પશ્ચિમમાં તેનો અર્થ એવો કરવામાં આવે છે કે તહેવારો દરમિયાન લોકો કુટુંબના કારણે ચૂપ થઈ જાય છે, પરંતુ જેવો જાન્યુઆરી મહિનો આવે છે તરત જ તે છૂટાછેડાનો નિર્ણય લે છે.

આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે જાન્યુઆરીમાં લોકો છૂટાછેડા અંગે વિચારવાનું અને વકીલોને મળવાનું શરૂ કરે છે. તેના પછી કાગળલક્ષી કાર્યવાહી પૂરી થતાં માર્ચ મહિનો આવી જાય છે. તેથી તેઓ જાન્યુઆરીને છૂટાછેડાનો મહિનો કહેવા કરતાં છૂટાછેડાની સીઝન કહેવાનું વધારે પસંદ કરે છે, જે જાન્યુઆરીથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. ગૂગલ સર્ચ એન્જિન પણ  જાન્યુઆરીથી માર્ચમાં છૂટાછેડા શબ્દના સર્ચિંગમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું દર્શાવે છે.

જાન્યુઆરીમાં લોકો પોતાના નિષ્ફળ ગયેલા લગ્નમાંથી બહાર નીકળવાનું મન બનાવી લે છે. વકીલો અને નિષ્ણાતો પણ નવા વર્ષને જૂના દુઃખો પાછળ છોડવાનો યોગ્ય સમય માને છે. પશ્ચિમી દેશોમાં આમ પણ મહિલાઓ વધારે સાશંકિત હોય છે, તે સંબંધોને હંમેશા વિશ્વાસની ભાવના સાથે જોડાયેલા જુએ છે. તેમા જરા પણ મીનમેખ ચલાવી લેતી નથી. તેથી સંબંધમાં જેવો પુરુષ કાચો પડે પછી તે શારીરિક રીતે પડે, આર્થિક રીતે પડે કે સામાજિક રીતે પડે મહિલા તરત જ તેનો જુદો માર્ગ પકડી લે છે.

આ બતાવે છે કે પશ્ચિમી દેશોમાં નોકરીથી લઈને લગ્નજીવન કશાનું ઠેકાણું નથી. તેના કારણે આવા દંપતીઓના ઉછરતા બાળકો પણ મનોરોગી હોય છે. એકલતાથી પીડાતા હોય છે. તેમની આ પ્રકારની જીવનપ્રણાલિએ સહજીવન, સાહચર્ય જેવી વિભાવનાને કોરે પાડી દીધી છે. જીવનના સંબંધો પ્રત્યેની પ્રતિબદ્ધતાના અભાવે તેઓ હવે માનવસંસ્કૃતિમાંથી પ્રાણી સંસ્કૃતિ તરફ વળી રહ્યા છે. કેટલાકે તો ચાર પગે ચાલવાનું પણ શરૂ કરી દીધું છે, જેના વિડીયો વાઇરલ થયા છે. આજે જે સંબંધ ખુશખુશાલ દેખાતો હોય તે સબંધ બીજા દિવસે ન પણ હોય તેવું બને છે.

પશ્ચિમી દેશોની સેલિબ્રિટીઓના લગ્નજીવન પણ આ જ પ્રકારના છે. અહીં પતિ-પત્ની બંને વચ્ચેના અહમ એવા ટકરાતા હોય છે કે જરાસરખો ટકરાવ થતાં જ સંબંધોનો અંત આવી જાય છે. તેઓ સંતાનનો પણ વિચાર કરવા તૈયાર હોતા નથી. તેમના માટે ફક્ત તેમનું પોતાનું જીવન જ જીવન છે, તેમના લીધે બીજાનું જીવન નર્ક બને તેની તેમને ચિંતા હોતી નથી. પછી ભલેને તે તેમના સંતાનો કેમ ન હોય. દરેક અમેરિકન દંપતીના ઘરમાં સંતાનો સામે સતત ઝગડા, અપશબ્દોની સાથે હિંસા જાણે એક સામાન્ય બાબત બની ગઈ છે. લગભગ દરેક અમેરિકન બાળક આ જ પ્રકારના વાતાવરણ વચ્ચે ઉછરે છે અને તેની કિંમત અમેરિકા જેવા પશ્ચિમી દેશો પછી ગન વાયોલન્સના સ્વરૂપમાં ચૂકવે છે. આમ ડાયવોર્સ મન્થની કિંમત ફક્ત અમેરિકન કુટુંબ જ નથી ચૂકવતું, પરંતુ અમેરિકન બાળકો અને અમેરિકન સમાજ ચૂકવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો