કોંગ્રેસ ગુજરાતમાં માંડ-માંડ બેઠી થતી હોય છે ત્યારે તેને એવો ધક્કો વાગે છે કે તે ફરી પાછી જમીનદોસ્ત થઈ જાય છે. ગુજરાત કોંગ્રેસમાં ફરી પાછી આ જ સ્થિતિનું મંડાણ થવા જઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસમાં વડગામ અને પાટણ સામસામે આવી ગયા છે. એટલે કે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટણના ધારાસભ્ય ડો. કિરિટી પટેલ સામસામે આવી ગયા છે. પરિસ્થિતિ તો એટલી વણસી ગઈ હતી કે કિરીટ પટેલે તો પાટણમાં જિજ્ઞેશ મેવાણીના પૂતળાદહનનો જાહેર કાર્યક્રમ રાખ્યો હતો. હવે એક જ પક્ષનો ધારાસભ્ય તે જ પક્ષના બીજા ધારાસભ્ય માટે પૂતળા દહનનો કાર્યક્રમ રાખે તેવું તો ગુજરાતના રાજકારણમાં પણ પહેલી વખત જોવા મળ્યું હતું. હાઈકમાન્ડની દરમિયાનગીરીના કારણે છેવટે પૂતળા દહનનો આ કાર્યક્રમ મોકૂફ રહેતા કોંગ્રેસને થોડી ગણી લાજ જાળવી રાખવામાં સફળતા મળી હતી.

જૂથબંધી જાણે કોંગ્રેસનું અનિવાર્ય અનિષ્ટ બની ગઈ હોય તેવી સ્થિતિ છે. કોંગ્રેસ ગુજરાતમાં 148માંથી સંભવતઃ 14 બેઠક પર અને છેલ્લા 12 બેઠક પર આવી ગઈ હોવા છતાં કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી હજી ખતમ થઈ નથી. હાલમાં કોંગ્રેસના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા અને ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સામસામા આવી ગયા છે. આ વાત બંને વચ્ચે હતી તેમા પાટણના એસસી સેલના પ્રમુખ જયાબેન શાહે આંચકાજનક આરોપ લગાવ્યો કે કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડિયાને જાહેરમાં ફટકારવાની ધમકી આપી છે. આના પગલે પાટણ કોંગ્રેસમાં જ હિતેન્દ્ર પીઠડિયાના સમર્થકો અને કિરીટ પટેલના સમર્થકો વચ્ચે આંતરિક ઘમસાણ મચી ગયું હતું.

તેમના નિવેદનવાળો વિડીયો વાઇરલ થતાં પાટણ કોંગ્રેસની આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ હતી. આટલું ઓછું હોય તેમ આ વિવાદમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કૂદી પડ્યા હતા. હવે જિજ્ઞેશ મેવાણીને આ મુદ્દે જાણે પક્ષની અંદરથી જ કોઈએ રાજકીય સોપારી આપી હતી કે પોતે જ જાણી જોઈને કૂદી પડ્યા તે તપાસનો વિષય છે, પરંતુ વડગામના આ ધારાસભ્યના વિવાદમાં ભૂસકાએ બળતામાં ઘી હોમ્યું. તેના કારણે આખો વિવાદ જાણે વડગામ વિ. પાટણ થઈ ગયો.

આશ્ચર્યની વાત તો એ છે કે પાટણમાં હિતેન્દ્ર પીઠડિયાની રેલીમાં જિજ્ઞેશ મેવાણીએ કિરીટ પટેલને ખુલ્લો પડકાર ફેંકતા તેમને ફૂદા જેવા ગણાવ્યા હતા. એક ધારાસભ્ય પોતાના જ પક્ષના બીજા ધારાસભ્ય સામે આ પ્રકારની અણછાજતી ભાષા ઉપયોગમાં લીધી તે ખરેખર વર્તમાન રાજકારણ માટે પણ ચિંતાજનક છે. જિજ્ઞેશ મેવાણીએ પડકાર ફેંક્યો કે કિરીટ પટેલમાં તાકાત હોય તો હિતેન્દ્ર પીઠડિયાને જાહેરમાં મારવાની વાત તો બાજુએ રહી, પણ તેને હાથ તો લગાવી જુએ. જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યએ તેના પ્રદેશ પ્રમુખને માર્ગદર્શન આપવાનું હોય, તેના બદલે તેની સાથે તેને આ રીતે જાહેરમાં માર મારીશ એવી ભાષામાં વાત પણ કઈ રીતે કરી શકે. આની સામે કોંગ્રેસમાં અવાજ નહીં ઉઠે તો શું બીજા પક્ષમાંથી અવાજ ઉઠશે.

કિરીટ પટેલે પણ જિજ્ઞેશ મેવાણી પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો ફક્ત મીડિયામાં ચમકવા માટે બધું જ કરી છૂટતા હોય છે. તેઓ વાસ્તવિક ધરાતલ પર કશું કરતાં નથી, જે પણ કરે છે તે મીડિયામાં ચમકવા માટે કરે છે. તે કંઈ પક્ષ માટે પણ કશું કરતા નથી કે સમાજ માટે પણ કશું કરતા નથી, બસ તેમનું એક જ કામ હોય છે ગમે તે રીતે મીડિયામાં ચમકવું. જિજ્ઞેશ પટેલ પોતે મીડિયાના માણસ હોવાથી દરેક વાતને મીડિયામાં કેવી રીતે ચમકાવવી તેમા તેમને સારી રીતે ફાવટ છે, પછી ભલેને તે પક્ષની આંતરિક બાબત હોય. પાટણ કોંગ્રેસની બાબતમાં પાટણના લોકો માથુ મારે તો સમજી શકાય, પણ જિજ્ઞેશ પટેલ છેક વડગામથી શું કામ લાબા થયા. ફક્ત મીડિયામાં ચમકવા માટે તેમને બધુ કરવું છે.
કિરીટ પટેલે ઉમેર્યુ હતુ કે તેમને જો મીડિયામાં ચમકવાનું વળગણ થઈ ગયુ લાગે છે, જો થોડા સમય સુધી પણ મીડિયામાં નામ ન આવે તો પછી તેઓ કઈ રીતે પોતાનું નામ મીડિયામાં આવે તેવું કંઇક કરવું તેની જ ફિરાકમાં હોય છે. બાકી પાટણ કોંગ્રેસનો વિવાદ પાટણમાં જ પૂરો થઈ ગયો હોત, પરંતુ અલ્પેશ ઠાકોર તેને છેક અમદાવાદ સુધી ખેંચી લાવ્યા. પક્ષની બાબતોને લઈને આ રીતે જાહેરમાં નિવેદન આપવા તે શું બતાવે છે. શું તેઓ મીડિયામાં ચમકવા માટે પક્ષના હિતો સાથે પણ સમાધાન કરશે.
કોંગ્રેસના આ આંતરિક વિવાદને લઈને ભાજપને મજા પડી ગઈ હતી. ભાજપના પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ મરણપથારીએ છે. આ વર્ષે તો તેનો રાજ્યસભાનો એક સભ્ય પણ ગુજરાતમાંથી જવાનો નથી. આ બતાવે છે કે જાતિવાદને પોષતી આ પાર્ટીમાં જાતિવાદ કેટલો સળગેલો છે. વર્ગવિગ્રહમાં રસ ધરાવતો આ પક્ષ પછી કોઈને ન્યાય કયાંથી અપાવી શકે. તેના હાથમાં સત્તા આવે તો સમાજના દરેક વર્ગો વચ્ચે વિગ્રહ જ થાયને. હાલમાં સત્તા નથી તો તે પક્ષની અંદર જ વર્ગવિગ્રહ થઈ રહ્યો છે, આ જ તેનું મૂળભૂત લક્ષણ છે. આ લક્ષણના આધારે તે અત્યાર સુધી સત્તામાં ટકી હતી, પરંતુ લોકો તેની રમત સમજી ગયા. તેથી હવે તે સત્તાની બહાર છે, પરંતુ સત્તાની બહાર જવા છતાં પણ હજી સુધી તેણે તેના અપલખ્ખણ છોડ્યા નથી. રાજયમાં રાજકીય અસ્તિત્વના અંતના આરે હોવા છતાં કોંગ્રેસમાં આ સ્થિતિ છે તો વિચારો કે તેના હાથમાં સત્તા હશે ત્યારે તેણે શું કર્યુ હશે.
