માયાભાઈ આહિર હાલમાં ગુજરાતમાં રાજકારણીઓથી પણ ચર્ચાતું નામ બની ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે એક વ્યક્તિએ કશું જ કર્યું નથી, ફક્ત તેના બે વિડીયોના કારણે આખા ગુજરાતમાં જાણે હલચલ મચી ગઈ છે. તેમને પોતાને પણ કલ્પના નહીં હોય કે આ બધું તેમના વિડીયોને લીધે થઈ રહ્યું છે. તેમણે પોતાની યુ ટ્યુબ ચેનલમાં તાજેતરમાં વડાપ્રધાન મોદીએ સોમનાથના આક્રમણને હજાર વર્ષ થયા તેના સંદર્ભમાં વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ પુરાવો છે કે વિનાશથી વૈભવ સુધી કઈ રીતે પહોંચી શકાય છે. તેના પછી તેમણે સોમનાથ દાદાની સ્તુતિ પણ કરી.
હવે તેમણે આ વિડીયો તો પોતાની યુ ટ્યુબ ચેનલ પર પોસ્ટ કર્યો, પરંતુ તેમના આ વિડીયોએ વિવાદ સર્જયો છે. લોકોએ તેમના વિડીયોને ટ્રોલ કરવા માંડ્યો છે. નવનીત બલોધિયા પરના હુમલાને લઈને તેમની ટીપ્પણી કરવા માંડી છે. માયાભાઈ પણ વિચારતા થઈ ગયા છે કે આ તેમની સામે થઈ રહ્યું છે, લોકોને મારાથી શું તકલીફ થઈ છે, મારાથી એવો કયો ગુનો થઈ ગયો છે કે લોકો મને ટ્રોલ કરવા માંડયા છે. મેં નથી કોઈ કાયદાનો ભંગ કર્યો, મેં નથી કોઈને અપશબ્દો કહ્યા તો મારી સામે આ કયા પ્રકારનું ટ્રોલિંગ થઈ રહ્યુ છે.

તેમને પણ લાગતું હશે કે સોશિયલ મીડિયા પર અજીબ ફંડા છે, કોઈનાથી જરા પણ ભૂલ થઈ જાય, માફી પણ માંગી લે. છતાં પણ લોકોનું ટ્રોલિંગ પીછો જ છોડતું નથી. માયાભાઈ આહિરને તો લાગતું હશે કે ક્યાં હું ટ્રસ્ટીના બદલે મેનેજિંગ ટ્રસ્ટી બોલ્યો અને બોલ્યો તો બોલ્યો પણ માફી કેમ માંગી. તેમને કલ્પના પણ નહીં હોય કે તેમણે કલાકાર તરીકે તેમણે સ્વીકારેલી ભૂલ તેમના જ સંતાન કે તેમના કેટલાય પ્રશંસકોને પચી નહી હોય. તેથી જ તેમની ભૂલ બતાવનારની હાલત ખરાબ કરી દેવામાં આવી છે. તેને માર મારવામાં આવ્યો છે. હવે આ વ્યક્તિ હતો પાછો ભૂતપૂર્વ સરપંચ. રાજકારણની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે એક વખત તેમા ઝંપલાવનાર ભૂતપૂર્વ બને છે ત્યારે ઘણી વખત અભૂતપૂર્વ બની જતો હોય છે. તેથી જ તો રાજકારણીઓ ક્યારેય નિવૃત્ત થતાં નથી.

હવે નવનીત બાલધિયા પર જેમણે હુમલો કર્યો તેમને ખબર જ નહીં હોય કે તેઓ ખોટી જગ્યાએ આંગળી કરી રહ્યા છે. તેમને એમ હતું કે ખાલી ભૂતપૂર્વ સરપંચ છે અને નાનો સેવક છે તે શું કરી શકવાનો, પણ તે ભૂલી ગયા કે સેવક ધારે તો કેટલાય સ્વામીઓને પરસેવો છોડાવી શકે છે. હાલમાં આ જ પરસેવો કેટલાય લોકોને છૂટી રહ્યો છે. આજે આ નવનીત બલોધિયાને ન્યાય અપાવવા 15 ધારાસભ્યો અને ત્રણ સાંસદો મેદાનમાં ઉતર્યા તે શું બતાવે છે. તે બતાવે છે કે એક ભૂતપૂર્વ સરપંચની મહત્તા પણ શું છે.

આ કેસને છંછેડનારાઓ પણ વિચારમાં પડી ગયા છે, કેમકે તેમને લાગતું હતું કે નવનીત બલોધિયા જેવા બગદાણા ધામના સેવક પાછળ કોણ લાંબુ થશે, પરંતુ અહીં તો જાણે કોળી સમાજ મેદાનમાં ઉતરી પડ્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. તેમને તો એમ હતું કે નવનીત અને તેનું કુટુંબ તેમની માફી માંગતુ કે પગે પડતું આવશે, પરંતુ અહીં તો બધું જ ઉલ્ટુ થયું.
આ તો જાણે તેઓએ માફી માંગવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. માયાભાઈ આહિરે પોતે સોમનાથ દાદા પર વિડીયો મૂકીને વિનાશથી વૈભવ સુધીની વાત કરી તો ઘણાએ કોમેન્ટમાં લખ્યું પણ છે કે સોમનાથ દાદાની ગાડી તો વિનાશથી વૈભવ સુધી ધમધોકાર ચાલી રહી છે, પણ તમારી ગાડી કેમ રિવર્સમાં જઈ રહી છે. તમે કેમ વૈભવથી વિનાશમાં જઈ રહ્યા છે તે સમજાતું નથી. આવું ટ્રોલિંગ તેમનું સોશિયલ મીડિયા પર ચાલી રહ્યુ છે.

કેટલાકે તો તેમના ડાયરાનો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી છે. આમા તો પાછા તેમના પ્રશંસકોનો પણ સમાવેશ થાય છે. આજે સ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે માયાભાઈ આહિરના ડાયરાનો પ્રશંસક કોળી સમાજ પોતે જ તેમની સામે છે. આજે જે અવાજને સાંભળવા માટે અને માયાભાઈ આહિરના ડાયરામાં આવવા માટે લોકો પડાપડી કરતા હતા તે જ લોકો આજે માયાભાઈની સામે પડ્યા હોય તેવી સ્થિતિ છે. માયાભાઈ પણ વિચારમાં પડી ગયા છે કે આ તો અજબની માયા રચાઈ છે, નથી હું તો રાજકારણી, નથી મેં ક્યાંય કોઈ આંગળી ચીંધી કે નથી આખું જીવન ક્યાંય વાદવિવાદમાં પડ્યો, છતાં પણ આ તે વળી કઈ સ્થિતિ સર્જાઈ. કુદરતની આ કઈ લીલા છે, કઈ માયા છે કે માયાભાઈ પોતે પણ ટ્રોલ થવા માંડ્યા.

તેમને તો ચોક્કસ લાગી રહ્યુ હશે કે મારી સાથે તો કરે કોઈ અને ભરે કોઈ જેવો ઘાટ થયો છે. હું ભૂલથી બોલી ગયો અને મેં માફી માંગી લીધી. હવે આને લઈને મને ભૂલ બતાવનારની સાથે જેણે કાંકરીચાળો કર્યો, પણ તેનું બિલ અત્યારે મારા માથે ફાટી રહ્યુ છે. આખો કોળી સમાજ જે મને સન્માનની નજરે જોતો હતો તે સામે પડ્યો છે, અહીં તો ખેલ કોઈ બીજાએ પાર પાડ્યો અને ભરાઈ હું ગયો છું. મારી સ્થિતિ તો જાણે હું કોઈ સોગઠાબાજીનું મહોરું બની ગયો હોઉં તેવી છે. આ કયા ખેલ રચાઈ રહ્યા છે તે સમજની બહાર છે.
બાકી અત્યાર સુધી અજાતશત્રુ રહેલા માયાભાઈ જાણે અત્યારે આખા એક સમાજના શત્રુ બની ગયા હોય તેવી છાપ ઊભી થઈ રહી છે. તે પણ તેમણે કોઈપણ સમાજ સામે કોઈપણ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કર્યુ નથી તો પણ આમ થયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે
આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો
