દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના, લાખો લૂંટી ખાનારા મહેફિલે મંડાય છે…. આ વાત ગુજરાતમાં તાજેતરમાં બનેલી બે ઘટનાના સંદર્ભમાં બરોબર ફિટ બેસે છે….. અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો…. પોલીસે આ આતંક મચાવનારા તત્વોની બરોબરની નશ્યત કરી હતી અને હવે આ આરોપીઓના મકાનો પર પણ બુલડોઝર ચાલવાનું છે.,,, આ બહુ સારી વાત પણ છે, કારણ કે પોલીસના અને મ્યુનિસિપાલિટીના આ પ્રકારના સંયુક્ત પગલાંના લીધે ગુનેગારો ભવિષ્યમાં ગુનો કરતાં અટકશે…. પોતાના ઘર પર બુલડોઝર ચાલે તે કયા ગુનેગારને ગમે…. અમદાવાદમાં આમ પણ છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો છાકટા થયેલા છે…..
આ અગાઉ ઘાટલોડિયા અને પૂર્વ અમદાવાદના બીજા કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારના બનાવ બન્યા હતા…. તેમા પણ પોલીસે આરોપીઓની ધરપકડ કરીને બરોબરની ખાતિરદારી કરી હતી…. હવે તેમા એક ડગલું આગળ વધીને તેઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવનાર છે…. આમ ગુનો કરનારા અસામાજિક તત્વોમાં ફફડાટ પેદા કરવા માટે આ પગલું લેવામાં આવનારું છે….
ગુનેગારો માટે આ પ્રકારનું પગલું બરોબર પણ છે….પણ આ જ પ્રકારનું પગલું રસ્તા પર બેફામ વાહન ચલાવીને લોકોનો જીવ લેતા નબીરાઓના સંદર્ભમાં કેમ લેવામાં નથી આવતું તે મોટો સવાલ છે….લુખ્ખા તત્વો તો જાહેરમાં મારામારી કરે છે, પણ રસ્તા પર બેફામ વાહનો ચલાવતા નબીરાઓ તો રીતસર કેટલાય લોકોનો જીવ લઈ લે છે….અસામાજિક તત્વોની જેમ તેમના ઘરો પર પણ બુલડોઝર ચલાવવા જરૂરી છે….
વડોદરામાં રક્ષિત ચોરસિયા નામના યુવકે કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચાર રસ્તા પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જયો હતો….નશામાં ધૂત કાર ચાલકે આઠથી નવ લોકોને હડફેટે લીધા હતા અને તેમા હેમાલી પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે નિધન થયું હતું…. હવે આ આરોપી સામે પોલીસ કાર્યવાહી તો કરવામાં જ આવશે, પણ તેના ઘર પર કેમ બુલડોઝર નહીં ચાલે તે મોટો સવાલ છે…. આ નબીરો વાસ્તવમાં રસ્તા પર ખુલ્લેઆમ ફરતા લુખ્ખા તત્વોથી કંઈ ઓછો નથી, તો પછી તેના ઘર પર કેમ બુલડોઝર ન ફરે? શું તેનું ઘર પોશ વિસ્તારમાં આવેલું છે એટલે બુલડોઝર ન ફરે? શું આ નબીરાઓના બાપ ખિસ્સામાં તંત્રને લઈને ફરે છે એટલે તેના ઘર પર બુલડોઝર ન ફરે?
ફક્ત રક્ષિત જ શું કામ તથ્ય પટેલના કિસ્સામાં પણ આવા કોઈ પગલાં ક્યાં લેવાયા, જો તથ્યએ નવ જણને ઉડાવ્યા બાદ તેના બંગલા પર બુલડોઝર ચલાવાયું હોત તો આ સ્થિતિ આવી ન હોત…પણ તથ્યને કોઈ સજા ન થતાં હવે રાજ્યમાં તો તથ્યોની રીતસરની હારમાળા લાગી પડી છે… રાજ્યના દરેક શહેરમાં તથ્ય ફૂટી નીકળ્યા છે…. આજે માંડ બે દિવસ જાય છે ને સમાચાર મળે છે કે નબીરાએ આને ઉડાવ્યા, નબીરાએ આને કચડ્યા….તંત્ર હવે આ નબીરાઓ સામે બુલડોઝર એક્શન ક્યારે લેશે…
આશ્ચર્યની વાત એ છે કે તંત્રની નબળી કાર્યવાહીના કારણે નબીરાઓ રીતસર પોલું ભાળી ગયા છે.,.. આજે સ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ છે કે કેટલાય રસ્તાઓ પર તો જાણે તેમણે પોતે જ બનાવ્યા હોય તેમ કબ્જો જમાવીને રીતસરના સ્ટંટ કરે છે…. આ રસ્તાઓ પર સામાન્ય વાહનચાલક માટે તો નીકળવું ભારે થઈ પડે છે…. આજે અમદાવાદમાં સિંધુભવનનો જ રોડ લઈ લો, આ રસ્તો જાણે નબીરાઓ માટે રાતે રેસિંગ ટ્રેક બની ગયો છે, જો આ રસ્તે રાતે મોડેથી કોઈ ટુ-વ્હીલર વાહન ચાલક નીકળ્યો તો ગયો જ સમજો….
તેઓને કોઈ પૂછનાર નથી અને કહેનાર નથી, પિતાના ખિસ્સાની ગરમી ભલાભલા તંત્રની કાર્યવાહીને ઢીલીઢફ કરી નાખશે તેવો તેમને વિશ્વાસ છે…. તેના લીધે આ નબીરાઓ બેખૌફ થવાની સાથે બેફામ થયા છે… માણસનો જીવ લેવો તેમના માટે રમત વાત બની ગઈ છે…. આ નબીરાઓ નબીરા નહીં પણ રસ્તા પર હરતાફરતાં આતંકવાદીઓની નવી જમાત છે….આ રોડસ્ટર ટેરરિસ્ટો સામે જો તંત્ર બુલડોઝર એક્શન નહીં દાખવે તો આગામી દિવસોમાં આ નબીરાઓના હાથે મૃત્યુ પામનારાઓની સંખ્યા સતત વધતી જવાની છે….
શું તંત્ર કોઈ મોટા અધિકારી કે પ્રધાનનો પુત્ર આ નબીરાઓની કારની હડફેટે મોત ઉતરે તેની રાહ જોઈ રહ્યું છે? આ પ્રકારની ઘટના બને તેના પછી જ કંઈક કાર્યવાહી કરશે…. કોઈ મોટી વ્યક્તિની કે તેના સંતાનનું મોત થાય નહીં ત્યાં સુધી તો તંત્ર જાગવાનું નામ નહીં લે….
રસ્તા પર ઉતરીને તોફાન મચાવતા લુખ્ખા તત્વો અને બેફામ કાર ચલાવીને લોકોનો જીવ લેતા નબીરા વચ્ચે તંત્રએ કોઈ ફરક રાખવાની જરૂર નથી…. બંનેની સામે એક જ પ્લેટફોર્મ પર એકસરખી કાર્યવાહી થવી જોઈએ…. આ નબીરાઓને પણ જે રીતે લુખ્ખા તત્વોનું જાહેરમાં સરઘસ કાઢ્યું તે રીતે તેમના જ વિસ્તારમાં સરઘસ કાઢવું જોઈએ, તેમને જાહેરમાં ફટકારવા જોઈએ, પછી ભલે તેમા કોઈ યુવતી પણ કેમ સામેલ ન હોય….
રૂપિયાની ગરમી બતાવતા આ નબીરાઓ સામે તંત્રએ વિચારવું જોઈએ કે ગમે તેવી સ્થિતિમાં કોઈનો પણ જીવ મૂલ્યવાન છે, કોઈનો જીવ આ પ્રકારના છાકટા બનેલા નબીરાઓના હાથે જાય તે કઈ રીતે ચલાવી લેવાય…. આ નબીરાઓ આગામી દિવસોમાં લોકોનું રસ્તા પર નીકળવું અઘરું બનાવી દે તે પહેલા તેમના સરઘસ કાઢવા અને તેમના ઘરો પર બુલડોઝર ચલાવવા જેવા પગલાં જરૂરી થઈ પડ્યા છે. આ સિવાય આ જમાત અટકવાની નથી…. જો તંત્ર આમ કરવામાં નિષ્ફળ નીવડશે તો તે વાત સાચી સાબિત થશે કે ગરીબને ન્યાય પણ મળતો નથી, તે ફક્ત અમીરોના ખિસ્સાને આધીન છે….
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી