વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણમાં અને દરેક ક્ષેત્રમાં વંશવાદ અને સગાવાદ સામે રીતસરની ચળવળ આદરી છે તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કે તેનાથી ઊંધો ચીલો ચાતરતા હોય તેમ વંશવાદ અને સગાવાદને રીતસરનું પ્રોત્સાહન આપ્યું છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે ભાવનગરમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્ક ક્લાર્ક ભરતીમાં રીતસરની ગેરરીતિ આચરવામાં આવી છે. તેમણે આ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પુરાવા પણ આપ્યા છે. તેમણે તેની સામે વિરોધ નોંધાવીને તેની યોગ્ય તપાસ આવે તેની માંગ કરી હતી. આ અંગે કોઈ નિર્ણય ન લેવાતા તેમણે ફરીથી ડિસ્ટ્રિક્ટ બેન્કના જવાબદાર અધિકારીની મુલાકાત કરીને તપાસનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કમાં ભરતી માટે જાહેરનામુ બહાર પાડવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ભરતી પ્રક્રિયાની સાથે તેનો સીલેબસ એટલે કે અભ્યાસક્રમ પણ આવતો હોય છે, પરંતુ અહીં તો આવા કોઈ નિયમનું પાલન પણ કરવામાં આવ્યું ન હતું. આ રીતે સીલેબસ વગર ફેબ્રુઆરીમાં જાહેરનામુ આવ્યું અને માર્ચમાં ક્લાર્કથી લઈ પટાવાળા સુધીની ભરતીની બધી પ્રક્રિયા પૂરી થઈ. તેમા આશ્ચર્યની વાત તો એ છે કે આ આખી ભરતીની પ્રક્રિયામાં જિલ્લા રજિસ્ટ્રારથી લઈને કોઈપણ પ્રકારની અધિકૃત વ્યક્તિની ક્યાંય સહી ન હોવા છતાં આખી ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ.
તેમણે જણાવ્યું હતું ક્લાર્ક અને પટાવાળાની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોના માર્કસ અને મેરિટની યાદી તો જાહેર કરો, તે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરો, પરંતુ આવું કશું કરવામાં આવ્યું નથી. આ ભરતી બોર્ડના નિયમોનો રીતસરનો ભંગ થયો છે. પરીક્ષા પાસ કરનારા અને ફેલ જનારાઓ બંનેની યાદી શા માટે બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવતી નથી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અગાઉની પત્રકાર પરિષદમાં અમે જેના પર આરોપ મૂક્યા હતા તે બધા ઉમેદવારોએ ગેરરીતિથી અને સગાવાદથી તથા વંશવાદના પગલે ચાલીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કમાં નોકરી મેળવી હતી અને તે હાલમાં બેન્કની જુદી-જુદી બ્રાન્ચમાં કામ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે અમે 25 માર્ચ રોજ 2025ના રોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કની ક્લાર્કની ભરતીમાં ગેરરીતિની વાત પુરાવા સાથે કરી હતી ત્યારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અમે તપાસ સમિતિ નીમીને તપાસ ચાલુ કરી છે. તેના અંગે યુવરાજસિંહે જણાવ્યું હતું કે અમે આ તપાસ ક્યાં પહોંચી અને આ તપાસ કઈ વિષય વસ્તુ પર થઈ રહી છે તેની વિગતવાર માહિતી મેળવવા ઇચ્છીએ છીએ અને તેની સાથે આ રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે આ બેન્ક જો આ રીતે જ ભ્રષ્ટાચાર કરીને ભરતી કરી તો પછી પરીક્ષા નામનું નાટક રચવાની જરૂર જ શી હતી. બિચારા 1,200 જણાએ પરીક્ષા આપી, તેના માટે ભરતીની આશાએ મહેનત કરી. હવે બેન્ક આ પરીક્ષાના પરિણામ પર જાહેર પણ કરતી નથી. આશ્ચર્યની વાત એ છે કે જિલ્લા રજિસ્ટ્રાર તપાસની વાત કરે છે, પરંતુ આ રીતસર તપાસનું તરકટ જ છે. તે કહે છે કે તપાસ ચાલતી હોવાથી પાસ થયેલાઓની યાદી ગોપનીય છે. હવે જાહેર કામમાં ગોપનીયતા શાની. આના કારણે કંઈ યુદ્ધ થોડું છેડાઈ જવાનું છે. કોઈને નુકસાન થોડું થવાનું છે.
તેમણે સીધો આક્ષેપ કર્યો કે બેન્કના ચેરમેનથી લઈને ડાયરેક્ટર સહિતના હોદ્દેદારોએ તથા સ્થાનિક ધારાસભ્યના સગાઓની જ ભરતી બેન્કમાં કરવામાં આવી છે, જેથી છ મહિના પછી તેમને કાયમીનો પત્ર મળી જાય. ભરતીની બધી જ પ્રક્રિયા અને નિયમોનો વીંટો વાળી દેવામાં આવ્યો છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેને તાજેતરમાં તેમના પરના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેની સાથે સાથે આક્ષેપો કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેની સામે અમારો જવાબ છે કે તેઓ બીજા સામે કાર્યવાહી કરતાં પહેલા પોતાનું ઘર જુએ. કાચના ઘરોમાં રહેતા બીજાના ઘર પર પથ્થર મારતા નથી. તેઓને અમારી સામે કાર્યવાહી કરવી હોય તો અમે તૈયાર છીએ.

અમારી લડત તો અહીં પરીક્ષા આપનારા 1,200 વિદ્યાર્થીઓને લઈને છે, તેઓને તે જાણવાનો હક્ક છે કે તેમણે આપેલી પરીક્ષાના પરિણામનું શું થયું. જો અમને તપાસનું પરિણામ સ્થાનિક સ્તરે સંતોષજનક નહીં મળે તો અમે રાજ્યના રજિસ્ટ્રાર પાસે પણ જવાના છીએ. આ ઉપરાંત અમે આગામી સપ્તાહે હાઇકોર્ટમાં આ બાબતે અરજી કરવાની તૈયારી પણ આદરી છે. અમારું ધ્યેય ફક્ત ભરતી પ્રક્રિયા પારદર્શક રહે તે સુનિશ્ચિત કરવાનું જ છે. તેમાં કોઈપણ પ્રકારના વંશવાદ, સગાવાદને સ્થાન ન હોય તે જોવા માંગીએ છીએ. અમારી આ માંગ ફક્ત ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્કની જ ભરતીની પ્રક્રિયા પૂરતી જ સીમિત નથી, આગામી સમયમાં પણ જે પણ સરકારી ભરતી પ્રક્રિયા હશે તેમા અમે સગાવાદ, વંશવાદ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીશું જ.
આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત
આ પણ વાંચો: ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ
આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !
